શ્રીલક્ષ્મીનારાયણની મૂર્તિમાં નારદજી લીન થયા
સર્વત્ર બ્રહ્માંડોમાં વ્યાપીને રહેલા પરબ્રહ્મને સર્વના અંતર્યામિ અવતારી શ્રી અને લક્ષ્મી જેના પત્ની છે, અગ્નિ જેનું મુખ છે, સંત જેનું હૃદય છે, ધ્યાનમાં દેખી શકાય એવા શાંતિ આપનારા અનાદિશ્રીકૃષ્ણનારાયણને કોટી નમસ્કાર.
નારાયણે લક્ષ્મીને જે સંહિતા કહી તે કથા બદ્રિકાશ્રમમાં શ્રીશ્વેતાયન વ્યાસ પોતાના ચાર શિષ્યો શ્વૈતિ, સુશિખ, શ્વેતાશ્વ, શ્વેત લોહિતને કહેતા હતા. અને નારાયણ સૌરાષ્ટ્રમાં કુંકુમવાપીમાં લોમશ આશ્રમમાં આ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા કહેતા હતા. સવા લાખ શ્લોકની સંહિતા વાંચવા માત્રથી મોક્ષ આપનારી છે.
એક સમયે નારદ વૈકુંઠમાં દર્શને ગયાં. ત્યાં સર્વે મુક્તોના દર્શન કર્યા. લક્ષ્મીએ પૂછ્યું : હે નારદ, ભરતખંડમાં અત્યારે સાધુ, સાધ્વી, તીર્થો, વિપ્રો, ગાયોની કેવી સ્થિતિ પ્રવર્તે છે ? નારદજીએ કહ્યું : હે લક્ષ્મી, અત્યારે પ્રગટ પ્રભુનો વિશ્વાસ, વરણં, ન્યાસ, કાર્પણ્યં, સ્થિરમતી, અનુકુલ સંકલ્પ આ છ પ્રકારની શરણાગતિ લઇને નારાયણ પરાયણ થઇ મનુષ્યો નવધા ભક્તિ કરે છે. આવી વાત નારદજીએ કરી ત્યાં તો તે પોતે લક્ષ્મીનારાયણમાં લીન થઇ ગયાં.