ભાગ · અધ્યાય ૧૮૫

શંકરનું તપ ભંગ કરવા બદલ કામદેવને શાપ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, શંકર હિમાલયમાં તપ કરતા હતા, ત્યાં હિમાલયે આવી સ્તુતિ કરી. હે યોગી, વિકાર રહિત શાંત પરિપૂર્ણ સુખરૂપ તમને નમસ્કાર. તમારા દર્શન કરી આજ મારો જન્મ સફળ થયો. શંકર કહે : તમારો સંકલ્પપૂર્ણ થાવ. હિમાલય કહે : હું તમારી સેવા કરવા આવ્યો છું. શંકર કહે : તપમાં એકાગ્રતા ન થાય તો સિદ્ધિ થતી નથી. હિમાલય કહે : તમે સ્વત: સિદ્ધ છો. જગત તમને આદ્યાશક્તિ પ્રકૃતિ સહિત પૂજે છે. તેથી તું સેવામાં રહે પાર્વતી અને મને તપ કરવા દે. તે સમયે તારકાસુર દેવોને પીડા કરવા લાગ્યો. તેથી ઇન્દ્રે વિચાર્યું. જો શંકર કામદેવને ગ્રહણ કરે તો જ પાર્વતી પુત્ર સ્કંદ તારકાસુરનો નાશ કરે. એમ વિચારીને કામદેવને તપ કરતા શંકર પાસે મોકલ્યો. શંકરે તપમાં ભંગ થવાથી જરાક ક્રોધથી લલાટના ત્રીજા નેત્રમાંથી અગ્નિ પ્રગટ કરી કામદેવને બાળી નાખ્યો. કામદેવની પત્ની વિલાપ કરતી શંકરને પ્રાર્થના કરવા લાગી. પ્રભુ મારા પતિને જીવિત કરો. શંકર કહે : તારો પતિ ભવિષ્યમાં પ્રદ્યુમ્ન થશે ત્યારે તું શંબર કન્યા થઇને કામદેવ તારા પતિને પ્રદ્યુમ્ન રૂપે પ્રાપ્ત કરીશ. ત્યારે શંકરના નેત્રમાંથી નીકળેલો વડવાગ્નિ ચારેકોર ફેલાવા માંડ્યો. બ્રહ્માએ તેને કહ્યું, તું સમુદ્રમાં વાસ કર ત્યાં સમુદ્રમાં રહેજે. ખારું પાણી પીજે. બ્રહ્માની આજ્ઞાથી સમુદ્રે વડવાનલને પોતામાં સમાવ્યો.