વિશ્વકર્મા દ્વારા સૌપ્રથમ આશ્રમનું વાસ્તુપૂજન
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે ધર્મારણ્યમાં વેદનાપારને પામેલા શાકલ્ય ઋષિ હતા. તે આશ્રમમાં યાજ્ઞવલ્ક્ય આદી ઘણાં શિષ્યોને વેદ ભણાવતા. તે ઋષિ વર્ધમાન રાજાના ગુરુ હતા. એકવાર ઋષિ યાજ્ઞવલ્કયને કહે, આ પ્રસાદીનું પાણી અને આશિર્વાદ રાજાને આપી આવ. યાજ્ઞવલ્ક્ય સ્નાન કર્યા વિના રાજા પાસે ગયા. રાજા કહે, તમે સ્નાન નથી કર્યું. મેં પણ સ્નાન નથી કર્યું તો પાણી યજ્ઞશાળાના થાંભલામાં નાખી દો. યાજ્ઞવલ્ક્ય અપમાન થયું જાણી પાણી થાંભલામાં નાખ્યું. ત્યાં થાંભલો લીલો પલ્લવીત થયો. રાજા અતિ પસ્તાવો કરી કહે, આશિર્વાદ આપો અને પાણી પ્રસાદીનું આપો હું પુત્રવાળો થાવ. યાજ્ઞવલ્ક્ય કહે તે ગુરુનું અપમાન કર્યું. તેથી તું આશિર્વાદને યોગ્ય નથી.
સંતગુરુઓ સ્નાન કર્યા વિના પણ સદા પવિત્ર છે. તેમાં પણ વિદ્વાન ઐશ્વર્યવાળા સિદ્ધપુરુષો સદાપવિત્ર છે. નારી સંગ કરવા છતા પવિત્ર છે. મંત્રથી, તપથી, બ્રહ્મથી, સિદ્ધી પ્રાપ્ત કરેલા માતા-પિતા, પતિ, સતી, ગાય, ગુરુ, સાધુ, દેવ, શ્રીહરિ તેમાં ક્યારે પણ દોષ જોવો નહીં. તેમના કામ, ક્રોધ, લોભ, વાસના સર્વે દિવ્ય છે. સમર્થને દોષનો સ્પર્શ થતો નથી. પવિત્ર તપમાં રહેનારા સંત શાસ્ત્રને જાણનારા એવા એકાંતિક ગુરુસર્વ તિર્થોને પાવન કરી લાખો મનુષ્યોનો ઉદ્ધાર કરે છે. એવા ગુરુને સાક્ષાત્ નારાયણ જ કહેલા છે. એવા ગુરુ પાસેથી મંત્ર જલ આશિર્વાદ ગ્રહણ કરવાથી જીવનમુક્ત થવાય છે. માટે રાજા તે ગુરુનું અપમાન કર્યું છે. રાજા કહે, ફરીથી પ્રસાદીનું પાણી અને આશિર્વાદ લઈ આવો તો તમને અન્ન, ધન, વસ્ત્ર અને વાહન આપું. યાજ્ઞવલ્ક્ય કહે, રાજા એ સર્વે વસ્તુને ઋષિઓ ઈચ્છતા નથી. પછી બીજે દિવસે ગુરુએ કહ્યું, રાજાને જલ અને આશિર્વાદ આપી આવ. યાજ્ઞવલ્ક્ય કહે, રાજા નાસ્તિક છે માટે હું નહીં જાવ. ગુરુ કહે, તો મારી વિદ્યા પાછી લાવ. યાજ્ઞવલ્કયે નમન કરી વિદ્યા પાછી આપી. પછી હાટકેશ્વર જઈ તપ કરી ગાયત્રીમંત્રનો જપ કર્યો. એક વર્ષે સૂર્ય પ્રસન્ન થયા અને કહ્યું વરદાન માંગ.
યાજ્ઞવલ્કય કહે : વેદવિદ્યા, મંત્રવિદ્યા, પરાવિદ્યા વગેરે સર્વ વિદ્યા આપો. સૂર્ય કહે, સિદ્ધિ ગ્રહણ કરીને મારા અશ્વના કાનમાં બેસીને સર્વ વિદ્યા મારી પાસેથી ભણી લો. એ રીતે સર્વ વિદ્યા પ્રાપ્ત કરી યાજ્ઞવલ્કયે મૈત્રેયી અને કાત્યાયની બે પત્નીઓ કરી તથા એક પુત્ર થયો. તેને સર્વ વિદ્યા ભણાવી. તે પુત્ર કાત્યાયન મહા ઐશ્વર્યવાળો થયો. એકવાર પૃથ્વીમાં કાત્યાયને મંત્રથી ભયંકર ભૂત દેવો પાસે મોકલ્યું. દેવોએ મારવા છતાં મર્યું નહીં, ત્યારે બ્રહ્મા ઈન્દ્રને કહે, દેવો અને દૈત્યોને યુદ્ધ કરવું નથી તેથી આ ભૂતને કહ્યું, તારી પૂજા કરી તને સર્વ જગ્યાએ વાસ આપશું. ભૂત કહે, જે નવું મકાન કરી તેનું વાસ્તુપૂજન ન કરે તે મનુષ્યનો હું નાશ કરીશ. સર્વ દેવો કહે, ભલે. પછી કાત્યાયને કાટકેશ્વર ક્ષેત્રમાં આશ્રમ બનાવી સર્વપ્રથમ અક્ષય તૃતીયાને દિવસે વાસ્તુપૂજન વિશ્વકર્મા પાસે કરાવી અને પ્રર્વતાવ્યું. વાસ્તુપૂજનથી ભૂમીદોષનો નાશ થાય છે અને રાજ્ય સમાન સુખ મળે છે.