ભાગ · અધ્યાય ૪૯૩

અંબા અને વૃદ્ધાના વ્રતથી પ્રસન્ન મહાદેવી દ્વારા અધર્મી યવનોના કુળનો નાશ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ચમત્કારપુરના રાજાની બે કન્યા અંબા અને વૃદ્ધા. તે કાશીરાજાને પરણી. સમય જતા યવનરાજાએ કાશીરાજાને મારી નાખી રાજ્ય લઈ લીધું. કાશીરાજાની બન્ને પત્નીઓ પિતાને ઘરે ચમત્કારપુર આવી અને હાટકેશ્વર મંદિરમાં સો વર્ષ તપ કરી દુર્ગાદેવીનું પૂજનહવન કર્યું તો પણ દેવી પ્રસન્ન ન થયા. પછી વૈરાગ્ય પામી વેદમંત્રોથી શરીરનું માંસ કાપીને યજ્ઞકુંડમાં હોમવા લાગી. ત્યારે યજ્ઞકુંડમાંથી ચાર હાથવાળી, આઠ નેત્રોવાળી, શ્વેતવસ્ત્રોવાળી, સૂર્યની સમાન તેજસ્વી હાથમાં આયુધોવાળી દેવી બહાર આવી. કાશીરાજ પત્નીઓએ સ્તુતિ કરી કહ્યું. યવનોએ અમારા પતિને મારી નાખ્યો છે તેથી તે શત્રુનો નાશ કરો. દેવી કહે, તથાસ્તુ. ત્યાં કુંડમાંથી અનેક ચિત્રવિચિત્ર રૂપવાળી હજારો દેવીઓ પ્રગટ થઈ. એક, બે, પાંચ, સાત, હાથ અને મોઢાવાળી તે સર્વેદેવીઓ આયુધો લઇને અધર્મી યવનોના કુળનો નાશ કરવા ગઇ. યવનોના કુટુંબનો દેશનો નાશ કરી પછી ચમત્કારપુર આવી અને કહ્યું, અમને ભોજન આપો અને વાસ આપો. ત્યારે મહાદેવી એને ભોજન અને વાસ આપ્યો કે, જે નારીઓ સંધ્યાકાળે શયન કરે અને તે ગર્ભવાળી હોય તેનો ગર્ભ તમારું ભોજન તથા સંધ્યાકાળે અને પ્રભાતે મૈથુન કરે તથા સવારમાં સ્નાન ન કરે તે તથા બાળકની છઠ્ઠીને જાગરણ ન કરે તે બાળકનું તમારે ભોજન કરવું તથા સુતિકાગૃહમાં જે અગ્નિ ન રાખે તથા સંધ્યા સમયે બાળકને આકાશ દેખાય તેમ સૂવાડે તે બાળકો તમારું ભોજન છે. બાળકના જન્મ દિવસે માંગલિક કાર્ય ન કરે, તેલ ચોળી સ્નાન ન કરે તે મનુષ્યો તથા જમ્યા પછી એઠું રાખનાર, મોઢું નહીં ધોનાર, આ સર્વનું તમારે ભોજન કરવું. એ રીતે સર્વ દેવીઓએ ચમત્કારપુરમાં વાસ કર્યો.

પછી રાજાએ હાટકેશ્વરનું વિશાલ મંદિર કરાવ્યું અને તેમાં કન્યા અંબાની પાદુકા પધરાવીને પૂજા કરી અને કહ્યું, આ પાદુકાને કોઇ મંદિર બહાર કાઢતા નહીં તથા કન્યાઓને અંબાએ મંત્ર આપ્યો “ૐ શ્રીં હ્રીં ક્લીં અંબાયે નારાયણો સ્વાહા નમ:” આ મંત્રથી પાદુકાની પૂજા કરનારી નરનારી સુખી રહે છે અને કન્યાનો વંશ વધે છે.