સરમાએ પતિવ્રતાના પ્રભાવથી દૈત્યોને ભસ્મ કર્યા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સર્વે દેવો ઇશ્વરોના જે વાહનો હાથી, અશ્વ, હંસ, ગરૂડ પોપટ, કામધેનુ ગાય, ઘેટાં, પાડા, સિંહ વગેરે જે છે તે ઈચ્છારૂપ ધારણ કરી દેવભાષા જાણનારા હતા તથા મોર, ઉંદર, સર્પ વગેરે પોતાના ધર્મપરાયણ રહેતા. તેમાં એક સરમા નામે ઇન્દ્રની કૂતરી સેવિકા હતી. તેનો પતિ દ્યુમેય તે ઇન્દ્રનો સેવક હતો. સરમા પતિવ્રતા હતી. દેવો પાસેથી ભોજન લાવી પતિને આપતી, પછી પોતે ગ્રહણ કરતી. એક વખત વિદ્યુત સુવિદ્યુત બે રાક્ષસો, ઇન્દ્ર સાથે યુદ્ધ કરવા આવ્યા. ઇન્દ્રાદી દેવો ભય પામી મેરુ પર્વતમાં જતા રહ્યાં. રાક્ષસો પણ તેની પાછળ ત્યાં ગયા. ઇન્દ્ર વિના સ્વર્ગમાં દેવો દુ:ખી થયા. બૃહસ્પતિ કહે : ગોમેધ યજ્ઞ કરી દૂધ, ઘી વગેરે અગ્નિને ભોજન આપી બળ પ્રાપ્ત કરી વિજય મેળવો. દેવોએ કામધેનુ ગાય લાવી મેરૂપર્વતમાં યજ્ઞ કર્યો. કામધેનુ ગાયના રક્ષણ માટે ઇન્દ્રે પતિવ્રતા સરમાને સેવામાં રક્ષણમાં આપી. ગાય ચરતી હતી ત્યાં અસુરો આવ્યા. શુક્રાચાર્યે અસુરોને કહ્યું, ગાયને લઇ જાવ. એટલે યજ્ઞ અધુરો રહે. અસુરો ગાયને લઇ ગયા. સરમા તેની પાછળ ગઇ.
અસુરો કહે : તું દેવોને ન કહેતી કે ગાય દૈત્યો લઇ ગયા. અમે તને દૂધ આપીશું. એમ કહી દૂધ આપ્યું. સરમા કહે, જેનું અન્ન ખાય તેનું કામ કરવું. તેને માટે પ્રાણ આપે તો પણ કલ્યાણ થાય. હું ઇન્દ્રની દાસી, ઇન્દ્રનું ખાઇને તેનું કામ ન કરું તો નરકમાં જવું પડે. તમે દૈત્યો ગાય લઇ ગયા તે હું દેવોને કહીશ. અમે જેનું અન્ન ખાઇ તેને વફાદાર રહીએ. આ અમારો જાતી સ્વભાવ છે. અમે સ્વામીનો વિશ્વાસઘાત નથી કરતા. હું મારા પતિને દૂધ અર્પણ કર્યા વિના નહીં પીઉં. એમ કહી ત્યાંથી નીકળી. દૈત્યો તેને મારવા પાછળ ગયા. કૂતરાનું રૂપ ધારણ કરીને સરમાની પાછળ ગયા. સરમાએ દેવોને અને પોતાના પતિ શ્વાન દ્યુમેયને સંભાર્યા. ત્યાં તેનો પતિ આવ્યો. સરમા કહે, જો હું પતિવ્રતા હોઉં તો દૈત્યો અગ્નિથી બળીને ભસ્મ થઇ જાવ. હું પતિના કાર્યમાં સદા રાજી રહેતી હોઉં તો દૈત્યો અગ્નિથી બળી જાવ. જો હું પતિના સુખમાં સુખ, દુ:ખમાં દુ:ખ માનતી હોઉ તો દૈત્યો બળી જાવ, ત્યાં અગ્નિએ પ્રગટ થઇને સર્વે દૈત્યોને ભસ્મ કરી દીધા. સરમા પતિ સાથે ઇન્દ્ર પાસે આવી સર્વે વૃત્તાંત કહ્યું. દેવો સર્વે સરમાને લઇને ગાયને લઇ આવ્યા. શુક્રાચાર્યે સંજીવની ઔષધીથી દૈત્યોને સજીવન કર્યા. ઇન્દ્ર યજ્ઞ પુરો કરી બળ પામી દૈત્યો સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. દેવો-દૈત્યોનું યુદ્ધ થયું. દેવોની જીત થઇ. ફરી સ્વર્ગ પ્રાપ્ત કરી ઇન્દ્રાદિ દેવો સુખ પામ્યા. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, એ રીતે પતિવ્રતા સરમાએ પતિવ્રતાના પ્રભાવથી દૈત્યોને ભસ્મ કર્યા. અને દેવોને સુખી કર્યા.