કૃષ્ણગંગાતીર્થમાં સ્નાન કરવાથી વસુ અને તિલોત્તમા નિષ્પાપ થયા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સત્યુગમાં વ્યાસ ભગવાન યમુનામાં સ્નાન કરી શિષ્યોને વેદો ભણાવતા હતા. ત્યાં કૃષ્ણગંગાતીર્થ થયેલું છે. પાંચાલનો વિપ્ર વસુ દુકાળથી પીડાઇને વન પરત આવ્યો. ત્યાં નદી કાંઠે વાસ કરતો. તેને પુત્ર-પુત્રી બે સંતાન થયા. કન્યા બ્રાહ્મણને આપી તે બ્રાહ્મણ યુવાન અવસ્થામાં જ રોગથી પીડાઇને મરી ગયો. તેની સ્ત્રી પતિના અસ્થિ લઇને મથુરા આવી યમુનામાં બ્રાહ્મણના હાથે વહાવ્યા. પતિની સદ્ગતિ કરી અને તે તિલોતમાંએ ત્યાં મથુરામાં વાસ કર્યો ત્યાં કાન્ય કુબ્જના રાજાએ મથુરા આવી સદાવ્રત ખોલ્યું. સાથે નૃત્ય ગાયન કરનારા હતા. તેના પ્રસંગમાં તિલોતમાં બ્રાહ્મણી આવી. રાજાથી ભ્રષ્ટ થઇ. પાંચાલમાં રહેલો તેનો ભાઇ વેપાર માટે મથુરા આવ્યો. યમુનામાં સ્નાન કરી જતો ત્યાં તેની બહેન મળી પણ તિલોતમાને ઓળખી ન શક્યો, અને તેની બહેનમાં મોહ પામીને તેને ઘેરે જતો, આવતો અને ગામમાં વેપાર કરતો. ત્યાં યમુના કાંઠે રહેતા સુમંતુ ઋષિએ એકવાર સ્નાન કરતા બ્રાહ્મણશ્ના શરીરમાંથી જંતુ નીકળતા જોઇને કહ્યું. આ તીર્થમાં સ્નાન કરવાથી સર્વે પાપ બળી જાય છે. તારા શરીરમાંથી જંતુ સ્નાન કરવા ટાણે નીકળે છે, તેથી તારાથી કંઇક ગુપ્ત પાપ થાય છે.
બ્રાહ્મણ કહે : હું અહીં ત્રિગતેશ્વરમાં સ્નાન કરીને એક સ્ત્રીમાં મોહ પામ્યો છું, ત્યાં જાઉં છું. પછી બ્રાહ્મણે તે સ્ત્રી બ્રાહ્મણી, તિલોતમાં પાસે જઇને પૂછ્યું તું કોણ છો ? ક્યાંથી આવી છો ? તિલોતમાએ પોતાનું સર્વે વૃતાંત કહ્યું. પછી તિલોતમાંએ બ્રાહ્મણને પૂછ્યું તમે કોણ છો ? બ્રાહ્મણે પણ પોતાને દેશ ગામ વગેરે કહ્યા. ભાઇ-બહેન જાણીને પરસ્પર અતિ શોક થયો. માતા, ગુરુપત્ની, બહેન, પુત્રી અને પુત્રવધૂ એટલા સાથે ગમન કરે તો અગ્નિ પ્રવેશ કરે ત્યારે શુદ્ધિ થાય. બ્રાહ્મણ સુમંતુ ઋષિ પાસે આવી કહે : આ પાપની શુદ્ધિ માટે મારે અગ્નિ પ્રવેશ કરવો પડશે એમ કહીને ચિતા ખડકી ભાઇ-બહેન બંને અગ્નિ પ્રવેશ કરવા ગયાં ત્યાં આકાશવાણી થઇ. ભગવાનના ચરણથી સ્પર્શવાળી આ ભૂમિ અને યમુનામાં રહેલા કૃષ્ણગંગાતીર્થમાં સ્નાન કરવાથી મનુષ્ય નિષ્પાપ થાય છે. સર્વે જગ્યાએ કરેલું પાપ તીર્થમાં નાશ પામે છે. તીર્થમાં કરેલું પાપ વજ્ર લેપ થાય છે. તે વજ્ર લેપ પાપ ગંગાસાગર સંગમમાં તથા ગોમતીસાગર સંગમમાં તથા યમુના પંચકતીર્થમાં સ્નાન કરવાથી નાશ થાય છે. મથુરામાં જાણતા-અજાણતા, યમુનામાં કૃષ્ણગંગાતીર્થમાં સ્નાન કરવાથી સર્વે દુષ્કૃત નાશ થાય છે. પછી તે પાંચાલનો બ્રાહ્મણ તથા બહેન તિલોતમાં સુમંતુ ઋષિ પાસે જઇ કહે : અમે શું પ્રાયશ્ચિત કરીયે. સુમંતુ ઋષિ કહે : આકાશવાણી કોઇ દિવસ ખોટી ન હોય. મેં પણ તું તીર્થમાં સ્નાન કરતો ત્યારે તારા શરીરમાંથી પાપરૂપી જંતુ નીકળતા જોયા છે. તેથી તું નિષ્પાપ છો. હવે તમે બંને ભાઇ-બહેન અહીં વાસ કરી નિત્ય યમુનામાં ત્રિગર્તેશ્વર પંચતીર્થ વિશ્રામઘાટ કૃષ્ણગંગાતીર્થ વગેરે તિર્થોમાં સ્નાન કરી જપ કરો એટલે સર્વે પાપથી રહિત થઇને બ્રહ્મલોકને પામશો. પછી ભાઇ-બહેન બંને ત્યાં રહી શ્રીકૃષ્ણની ભક્તિ કરી અંતે ગોલોકમાં ગયા.