ભાગ · અધ્યાય ૩૪૦–૩૪૧

નર્મદાના શિવલીંગ - શાલીગ્રામ - પુલહાશ્રમ - ગંડકી નદી આદિક કથા

આ અધ્યાય 340–341 સંયુક્ત છે

શ્રીલક્ષ્મીએ પૂછ્યું : પ્રભુ, તમારું નામ શાલીગ્રામ કેમ થયું ? શ્રીનારાયણ કહે : સાંભળો. પૂર્વે સત્યુગમાં સાલંકાયન ઋષિ પુત્રની ઈચ્છાથી તિર્થો કરી ગંડકી નદી કાંઠે સાજડના વૃક્ષના વનમાં આવ્યા. સાજડ વૃક્ષની છાલના વલ્કલ પહેરતા તેથી સાલંકાયન નામ થયું. દેવો સર્વેએ પણ ત્યાં આવી વાસ કર્યો તેથી શાલીગ્રામ નામ થયું. ત્યાં સાલંકાયન ઋષિએ તપ કર્યું મેં પ્રસન્ન થઇ દર્શન દીધા. આશિર્વાદ આપ્યા. ઋષિએ કહ્યું, પ્રભુ તમારા જેવો પુત્ર આપો. મેં કહ્યું તથાસ્તુ. શાલગ્રામ પર્વતમાં હું શીલારૂપે પથ્થરની જેમ વાસ કરું છું. સાલંકાયન ઋષિએ ત્યાં જ દેહત્યાગ કર્યો. શલાકા મારી માતાએ પણ સાથે જ દેહત્યાગ કર્યો. તેથી હું ત્યાં બંનેનો મોક્ષ કરીને ત્યાં જ વાસ કરું છું. વધારે શાપ કારણથી વાસ કરું છું. તે શાલગ્રામ પર્વતમાં મારી સાથે શંકર અને દેવો વાસ કરે છે. તેથી સમગ્ર શીલા મારા સ્વરૂપો છે. તેમાં પણ ચક્રના ચિહ્નવાળાની તો વાત જ શી કરવી.

લિંગ રૂપે રહેલા જે શીલા તે શંકરના સ્વરૂપો જાણવા. શાલગ્રામ પર્વતમાં એક શિવનું શિખર છે. ત્યાં રેવા નદિએ શંકર ઉપર તપ કરીને તમારા જેવો પુત્ર થાય એવું વરદાન માગ્યું. શંકરે કહ્યું તથાસ્તું. હું તારા ગર્ભમાં લિંગરૂપે વાસ કરીશ. એમ કહી શંકરે નર્મદામાં લિંગ પાષાણરૂપે વાસ કર્યો. તે સર્વે શિવરૂપ કહેવાય છે. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ત્યાં મેં તપ કરવાથી મારા ગંડસ્થળમાંથી પરસેવો નીકળ્યો. તે મૂર્તિમાન કન્યા થઇ. તેણે પુત્રની ઈચ્છાથી ત્યાં તપ કર્યું. હજાર વર્ષને અંતે મેં દર્શન દીધું અને કહ્યું હું તારા તપથી પ્રસન્ન થયો છું. શું ઈચ્છા છે તારી કહે. ગંડકી કહે : પ્રભુ હું તમારા ગંડસ્થળમાંથી પ્રગટ થઇ માટે ગંડકી નદીથી પ્રસિદ્ધ થાઉં, અને તમે મારામાં સદા વાસ કરો. હે પ્રભુ આ અરણ્યમાં હું એકલી રહી ન શકું તેથી મેં આવું વરદાન માગ્યું છે. જાણતા-અજાણતા મગાયું હોય તોય તમે ઉદાર છો. મારા ગર્ભમાં રહી મારા પુત્રપણાને પામો. વિષ્ણુ કહે : ભક્તના અનુગ્રહ માટે તારું વચન સત્ય કરવા માટે મારે અહીં વાસ કરવો પડશે પણ અહીં મારી પત્ની તુલસી ગંડકીમાં વાસ કરવા આવશે તે ગંડકી નામથી પ્રસિદ્ધ થશે. માટે તું મારી સાથે વૈકુંઠમાં ચાલ એમ કહી તેને ગરૂડ પર બેસાડી વૈકુંઠમાં મૂકી શાલીગ્રામ ક્ષેત્રમાં ગંડકીમાં આવ્યો.

લક્ષ્મીએ પૂછ્યું, પ્રભુ તમે તપ શું કામ કર્યું ? શ્રીનારાયણ કહે : લક્ષ્મી, લોકના કલ્યાણ માટે મેં પૂર્વે નરનારાયણ ન હતા ત્યારે શાલિગ્રામ ક્ષેત્રમાં તપ કર્યું ત્યારે મારા શરીરમાંથી તેજ નીકળી બ્રહ્માંડમાં વ્યાપી ગયું. બ્રહ્મા દેવો સાથે શંકર પાસે આવી પૂછ્યું. આ તેજ ક્યાંથી નીકળ્યું. શંકર ધ્યાન કરીને કહે : વિષ્ણુ તપ કરે છે ત્યાં ચાલો જઇએ. સર્વે વિષ્ણુ પાસે આવ્યા. શંકરે પૂછ્યું તમે તો પૂર્ણ કામ છો તમારે તપ કરવાનું શું કારણ. વિષ્ણુ કહે : લોકકલ્યાણ માટે અને આ ભૂમિ દેવભૂમિ થાય. સાંભળીને બ્રહ્માદિ દેવો શંકર કહે, તમે અહીં તપ કર્યું તેથી મુક્તિક્ષેત્ર ગંડકી નામથી પ્રસિદ્ધ થશે. તથા પૂર્વે પુલસ્ત્ય અને પુલહ ઋષિએ આશ્રમ બાંધી અહીં તપ કરેલું તેથી પુલહાશ્રમ નામે પ્રસિદ્ધ થશે અને ગંડકી નદીમાં મગરે હાથીનો પગ પકડી ખેંચ્યો. હાથીએ કમળ, ફૂલ અર્પણ કરી, સ્તુતિ કરી. મેં આવી સુદર્શન ચક્રથી મગરનું માથું કાપી હાથીને છોડાવ્યો. તે ચક્રથી સમગ્ર શીલા ચિહ્નરેખાવાળી થઇ તે શાલીગ્રામ અને મેં ચક્રને આજ્ઞા આપી. તારે ગંડકીમાં ફર્યા જ કરવું. મનુષ્યોના કલ્યાણ માટે હું શીલારૂપ મૂર્તિમાં રહું છું. જંતુના કલ્યાણ માટે કણપત્રમાં રહું છું. સર્વેના કલ્યાણ માટે જલપાન તીર્થમાં રહું છું. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, તે શાલીગ્રામનું પૂછ્યું તે મેં કથા કહી. આ અધ્યાય મંગલકારી છે. આ અધ્યાય જે વાંચશે, સાંભળશે તે સર્વે આ અધ્યાયમાં જેટલા અક્ષરો છે તેટલા હજાર વર્ષ મારા ધામમાં વાસ કરશે. “અધ્યાયના શ્લોક 94 / અક્ષરો 3008 / 3008000 વર્ષ ધામમાં રહે.”

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, જેણે શાલીગ્રામની કથા સાંભળી શાલીગ્રામનું પૂજન કર્યું. ગંડકીમાં પિતૃતર્પણ કરી પાણી પીધું તેને ભુક્તિ-મુક્તિ સર્વે મળી ગયું. સૃષ્ટિના આરંભમાં મેં આ તીર્થ કરેલું છે તે શાલીગ્રામ તીર્થમાં સાલંકાયન, સોમેશ્વર, ગંડકી, બાણગંગા, ત્રીવેણી, દેવીકા, ગજગ્રાહ, જલેશ્વર, ત્રીધારા, ત્રિશુલક્ષેત્ર, હરિહરક્ષેત્ર આદિ અનેક તિર્થો થયેલા છે.