સાવિત્રીએ પતિવ્રતાના પ્રભાવથી બ્રહ્માને સજીવન કર્યા
શ્રીલક્ષ્મીએ પૂછ્યું : હે નારાયણ, પહેલા મેં તમારા મુખેથી સાંભળ્યું હતું કે, તમારી મૂર્તિમાંથી પતિવ્રતા ધર્મ પ્રગટ થયો. તે ધર્મ વૈકુંઠમાં, ઇશ્વરોમાં, સત્યલોકમાં વૈરાજમાં સ્વર્ગ, મૃત્યુ, પાતાલમાં સર્વે સ્થાનમાં રહ્યો. સૌ પ્રથમ કંભરા નામે મહાલક્ષ્મી થયા તમે સાક્ષાત નારાયણ ગોપાલકૃષ્ણ થયા. તેને ત્યાં પત્નીવ્રતદ્વિજ અનાદિશ્રીકૃષ્ણનારાયણ સ્વયં શ્રીહરિ મહારાજ સર્વે ધર્મ પ્રવર્તક થયા. તે પતિવ્રતા ધર્મ સુખ આપનારો, સ્વર્ગ આપનારો, મોક્ષ આપનારો તથા સર્વે ઈચ્છાપૂર્ણ કરનારો છે. તે પતિવ્રતા ધર્મ મનુષ્યને કેમ તારે ? સતી પતિવ્રતા સાધ્વીઓ સાધુ સેવાથી તરી જાય છે, તે સાધુ તમે છો. સતીધર્મ અને સાધુધર્મ તલવારની ધાર જેવો છે. જનક પત્નીનું સતીબળ જાણીને કામભોગ્યા નારીઓ પતિવ્રતાનું સામર્થ્ય જાણીને તેની કથા સાંભળીને તરી જશે. તેથી પતિવ્રતાના ઐશ્વર્ય ચમત્કારની કથા કહો. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સાંભળ. સ્ત્રીઓના કલ્યાણ માટે તું દયાવાળી છો તેથી જાણવાની જીજ્ઞાસા કરી. સતીઓના, કુમારીના, પરિણીતાના, બ્રહ્મચારીના, યોગિનીના, ઋષિપત્નીના, ભાગવતી સ્ત્રીના, બ્રહ્માના, દેવ-પત્નીના, કૃષ્ણ પત્નીના તથા સધવા- વિધવાઓના ચમત્કારોની કથા કહું છું સાંભળ. ગોલોકમાં રાધીકાએ પોતાના અંશરૂપે સાવિત્રી પ્રગટ કરી. બ્રહ્મા માટે ત્યારે બદ્રિકાશ્રમમાં પ્રિયવ્રત તપ કરતા હતા. ત્યાં નારદ આવ્યા.
રાજાએ પગે લાગી પૂછ્યું : સત્યુગમાં જે જોયું હોય, સાંભળ્યું હોય તે કહો. નારદ કહે, હું શ્વેતદ્વિપમાં ગયો ત્યાં આશ્ચર્ય જોયું. એક કુમારી સરોવર કાંઠે જોઇ મેં પૂછ્યું તું કોણ છો ? તે કુમારી ઉત્તર આપ્યા વિના મારી સામે જોઇ જ રહી. હું ચિંતાથી જડ જેવો થઇ ગયો. ત્યાં કુમારીના શરીરમાં દિવ્ય પુરુષ દેખાયો. તે પુરુષના હૃદયમાં બીજો પુરુષ દેખાયો. તેના હૃદયમાં ત્રીજો પુરુષ લાલ નેત્રવાળો, સૂર્યસમાન તેજસ્વી દેખાયો. તે ત્રણે પુરુષો કુમારીના શરીરમાં લીન થયા. મેં પૂછ્યું તું કોણ છો ? કુમારીએ કહ્યું, હું વેદોની માતા સાવિત્રી છું. મારા હૃદયમાં જે નારાયણ ઋગ્વેદ હતા. તે વિષ્ણુરૂપે નામમાત્રથી પાપ બાળનારા છે. તેના હૃદયમાં બીજો પુરુષ હતો તે યજુર્વેદ પિતામહ બ્રહ્મા હતા. તેના હૃદયમાં ત્રીજો પુરુષ તે શંકર હતા. હે નારદ, આ ત્રણે વેદ હતા. તેને તું ગ્રહણ કર અને વૈદીકી ગાયત્રી વૈષ્ણવી મંત્રનો જપ કર અને સર્વજ્ઞ થા. હે પુત્ર, આ વેદ સરોવરમાં સ્નાન કર આમાં સ્નાન કરવાથી અન્ય જન્મનું જ્ઞાન થશે. નારદે સ્નાન કરીને હજારો વર્ષનું જ્ઞાન પ્રાપ્ત કર્યુ. પૂર્વે પુષ્કરમાં હું સારસ્વત વિપ્ર હતો. અત્યારે બ્રહ્માનો માનસપુત્ર છું. તે વેદમાતા સાવિત્રી મારા માતા અદૃશ્ય થયા. મેં દિવ્ય દૃષ્ટિથી સત્યલોકમાં જોયા. બ્રહ્માના ધર્મપત્ની પતિવ્રતાના પ્રભાવથી બ્રહ્માએ ભૂતોને સર્જીને પોતાના દેહનો ત્યાગ કર્યો. સાવિત્રીએ પતિવ્રતાના પ્રભાવથી બ્રહ્માને સ્પર્શથી સજીવન કર્યા. એવી રીતે ઘણીવાર દેહ છોડ્યો અને સાવિત્રીએ દેહને સજીવન કર્યો. પતિવ્રતાના પ્રભાવથી ત્રણે વેદને પોતામાં હોમી ફરીથી આપ્યા. હે લક્ષ્મી એ રીતે નારદજીએ પતિવ્રતાનો પ્રભાવ પ્રિયવ્રત રાજાને કહી નરનારાયણના દર્શન કરીને સત્યલોકમાં ગયા છે.