કળીયુગના અધર્મોનું વર્ણન
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, હવે દ્વાપરયુગને અંતે કળિયુગના ધર્મો અને રીતની કથા કહું. ચોરી, હિંસા, ખોટું બોલવું, સ્વાર્થ, અશુદ્ધિ વગેરે દોષો વધારે દેખાશે. તૃષ્ણા, લોભ, દાન લેનારા થોડા, પુષ્પવાળા, જુગાર, દારૂ, માંસનું સેવન, નરનારીઓને પરસ્પર મૈથુનનો નિયમ નહીં રહે. કળીયુગનો સુવર્ણમાં, ખોટું બોલવામાં, વેર, કામનામાં, રજોગુણમાં આ પાંચમાં વધારે વાસ રહેશે. ગાય, વિપ્ર, બાળકની હત્યા કરનારા થશે, ધનવાળો હશે તે શ્રેષ્ટ ગણાશે, કેશ અને વેશભૂષા વધશે, સાધુઓ દંભી થશે, સ્ત્રીઓ સ્વેચ્છાએ લગ્ન કરશે, અલ્પવસ્ત્રવાળી થશે. ગાયો બકરા જેવી થશે, ઔષધીઓ ખળ જેવી થશે, વૃષ્ટિ ઓછી થશે, સત્ય, તપ, ધન, દયા, કળીયુગમાં રહેશે નહીં. સર્વભક્ષી, સર્વભોગ્ય, સર્વવ્યસનોમાં રચ્યાપચ્યા રહેશે, નિદ્રા, આળસ, રાગ, દ્વેષ વધશે, શોક, મોહ, ભય, દીનપણું વધશે. રાજાઓ પ્રજારક્ષણ નહીં કરે, સાધુ ગૃહસ્થી થશે, વ્રતહીન થશે, જનો ઈચ્છા પ્રમાણે ફરનારા થશે, ખળ પુરુષો સતી-સાધ્વી પતિવ્રતાનું રક્ષણ નહીં કરે, ઈચ્છા પ્રમાણે રતિ-વિષયો ભોગવશે, રાજાઓ ચાંડાલ સમાન આચારવાળા થશે, પ્રજા નાસ્તિક થશે, પરસ્પર સ્નેહ વિનાના થશે, પશુ જેવું જીવન જીવશે, વિપ્રો શુદ્રો જેવા થશે, યોગી જ્ઞાની સિદ્ધ સ્થિતિવાળો કોઇ નજરમાં નહીં આવે, વિપ્રો કથાને વેચનારા થશે, કળીમાં દારૂ અમૃતસમાન મનાશે. કથા કરશે, સાંભળશે, પણ પાલન નહીં કરે. કથા શ્રવણ માત્ર પુરતી રહેશે. તીર્થમાં સ્નાન કરશે, વાસ કરશે પણ વ્રત નહીં કરે, કળીમાં મન સ્થિર નહીં રહેવાથી પરમાત્માનું ધ્યાન ઓછું થશે.