ભાગ · અધ્યાય ૩૭૪

સતી શચી દ્વારા નુહુર્ષ રાજાનો અસ્વિકાર - સતી શચી દ્વારા ઇન્દ્રને ફરી ઇન્દ્રાસનની પ્રાપ્તિ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, હવે હું તને ઇન્દ્ર પત્ની પતિવ્રતા શચીની કથા કહું. એકવાર દેવગુરુ બૃહસ્પતિ સભામાં આવ્યા. સર્વે દેવો ઊભા થયા ઇન્દ્ર ઊભો ન થયો. બૃહસ્પતિ અપમાન થવાથી ચાલ્યા ગયા. જ્ઞાની હોવાથી શાપ ન આપ્યો. ક્રોધ કરનારનું પુણ્ય બળી જાય છે. શાપ આપનારનું પુણ્ય નાશ થાય છે. તેથી કલ્યાણને ઈચ્છતા હોય તેણે ક્રોધ ન કરવો. ક્ષમા રાખવી. બ્રાહ્મણ, ગુરુ અને તપસ્વીનું અપમાન કરવાથી બ્રહ્મહત્યા સમાન પાપ થાય છે. તે પાપ ઇન્દ્રને વળગ્યો. તેથી તે પુષ્કરમાં તપ કરવા ગયો. દેવો, ઋષિઓએ ભેગા થઇને નુહુર્ષ રાજાને પ્રધાનપદે ઇન્દ્રાસને બેસાડ્યો. નુહુર્ષ ઇન્દ્રના ભવનમાં બગીચામાં વાહનમાં ફરતો ત્યાં ઇન્દ્રાણી શચીને જોઇને મોહ પામ્યો અને કહે, વિધિની વિચિત્રતા છે. તારા જેવી યૌવનરૂપવતીને મૂકીને ઇન્દ્ર અહલ્યા પાસે કેમ ગયો ? તારા સમાન રૂપવાળી ચૌદ લોકમાં નથી અત્યારે ઇન્દ્રની ગાદીએ છું માટે મારી સેવા કર.

નુહુર્ષ કહે : શચી હું તને દબાવીને નથી કહેતો પરંતુ પ્રાર્થના કરું છું. મને પરસ્ત્રીમાં મોહ નથી. પણ ઇન્દ્ર થયો છું એટલે ઇન્દ્રાણી વિના અધૂરું રહે. નુહુર્ષનું વચન સાંભળી શચી સાધ્વી માનવ રાજાને કહેવા લાગી : સાંભળ, બ્રહ્માએ મને ચૌદ ઇન્દ્ર સુધી નિર્માણ કરેલી છે. ચૌદમાં તું નથી. હું પતિવ્રતા દેવી છું, અને તું માનવ છો. મુનિઓએ દેવોનું કાર્ય તને સોંપ્યું છે. મને કે ઇન્દ્રાસનને નહીં, તેથી ગર્વ ન કર. તે મારી સાથે લગ્ન નથી કર્યા અને હું તારા માટે નિર્માણ નથી થયેલી. તેથી તું મને ભોગવવાનો આગ્રહ ન રાખ. એક ઇન્દ્ર ગયા પછી હું શરીરને બાળી નવું શરીર ધારણ કરું છું. તેથી હું પતિવ્રતા કહેવાઉ છું તારે મને પ્રાપ્ત કરવી હોય તો ચૌદમા ઇન્દ્રમાં તારી ગણના મેળવી લે પછી બ્રહ્મા મને તને આપે. પહેલાના રાજાની પત્ની તે રાજમાતા કહેવાય. ગુરુપત્ની, પુત્રવધૂ, શિષ્યપત્ની, નોકરપત્ની, મામી, માતા, ભાભી, સાસુ, બહેન, પુત્રી, ગર્ભધાત્રી, ઇષ્ટદેવી, અપરમાતા આ સોળ માત કહેવાય છે. માતૃગામી ક્યારેય પણ ન થવું. શચીએ આવા અનેક નીતિ- નિયમો કહ્યા. છતાં નુહુર્ષ ન માન્યો અને કહે : મનુષ્ય શુભ કર્મ કરી સ્વર્ગમાં સુખ ભોગવે છે. માટે આ કર્મભૂમિ નથી. આ ભોગભૂમિ છે તેથી તારે મારે આધીન થવું જ પડશે. શચી કહે, ખાલી ઇન્દ્રાસન પર માખી કે જંતુ બેસે તો ઇન્દ્ર નથી બની જતા. હું ઇન્દ્ર પત્ની પતિવ્રતા છું તે તારી પાસે ક્યારે પણ નહીં બેસું. તેમ છતાં તું ધર્મરાજાને, ગુરુ બૃહસ્પતિને પૂછી જો. મારી પાસે આવીશ તો તારું સર્વનાશ થશે. પતિવ્રતા ધર્મનારાયણ સમાન છે. તેનાથી સર્વે દેવો, ઇશ્વરો ભય પામે છે. પતિવ્રતા સ્ત્રી પતિને જીવાડી શકે, પ્રલય થતો અટકાવી શકે, અગ્નિ શાંત કરી શકે, મહાકાળ પાછો વાળી શકે, સૂર્ય-ચંદ્રની ગતિ અટકાવી શકે. વિષ્ણુના ચક્રને લોકને નાશ કરનારું બ્રહ્માસ્ત્રને અટકાવી શકે. પતિવ્રતા અપરાધીને દંડ દેવા સમર્થ છે. બ્રહ્માંડનો નાશ કરવા સમર્થ છે. પતિવ્રતા સાધ્વી સ્થળમાં જળ અને જળમાં સ્થળ કરે છે. નરને નારી, નારીને નર બનાવી દે છે. ત્યારે દેવગુરુ બૃહસ્પતિ આવ્યા. નુહુર્ષ પગે લાગી ચાલ્યો ગયો.

શચી ઇન્દ્રાણી દેવગુરુને કહે : તમે મારું રક્ષણ કરો. આ નુહુર્ષ મને પત્ની કરવા ઈચ્છે છે. સાધ્વીએ શાપ ન આપવો તેથી મેં શાપ નથી આપ્યો. અને જો મારું રક્ષણ નહીં થાય તો હું શાપ આપીશ તો નુહુર્ષનું સર્વનાશ થશે. માટે તમે ગુરુ છો. ગુરુ વિના કોઇ સંસાર પાર કરી શકતું નથી. વિદ્યામંત્ર અને જ્ઞાન આપનારા ગુરુ ઇશ્વર સમાન છે. બૃહસ્પતિ કહે : તારા જેવી પતિવ્રતા સ્ત્રી સર્વેનું રક્ષણ કરે છે. હું આશીર્વાદ આપું છું. સર્વે સારું થશે. પછી બૃહસ્પતિ નુહુર્ષ પાસે જઇને કહે : તું શચીને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે. તો પૂર્વે કોઇના વાહન ન થયા હોય એવા સાત ઋષિને શિબિકામાં જોડીને રાત્રે શચી પાસે જજે. નુહુર્ષ હર્ષ પામી પોતાના દૂત પાસે સાત ઋષિને તેડાવ્યા. ઋષિ આવ્યા. નહુર્ષ પગે લાગી કહે : તમે બ્રહ્માના પુત્ર પરોપકારવાળા રાગદ્વેષ વિનાના છો. તેથી મારી ઉપર કૃપા કરો. ઋષિ કહે : રાજા તારા મનમાં જે ઈચ્છા હોય તે માગ. નુહુર્ષ કહે : શચી સતી તમારું વાહન ઈચ્છે છે. ઋષિ સાંભળી હસવા લાગ્યા. રાજાને મોહ પામેલો જોઇને શિબિકામાં બેસાડી ખંભા પર લઇ ચાલતા થયા. ઋષિ વૃદ્ધ હોવાથી ધીમે ચાલતા.

રાજા મોહવશ થઇ કહે : જલ્દી ચાલો સરખા ચાલો. સાંભળીને ઋષિઓમાં આગળ દુર્વાસા હતા. તેણે શાપ આપ્યો. રાજન, તું અમને સર્વને સર્પ કહે છે. પણ તુજ સર્પ થા. નુહુર્ષ તરત જ અજગર થયો. ઋષિને પગે લાગી માફી માગી. ઋષિઓ કહે : ધર્મપુત્ર યુધિષ્ટિરના દર્શનથી તારો મોક્ષ થશે. એમ કહી ઋષિઓ સત્યલોકમાં ગયા. પતિવ્રતા ઇન્દ્રાણી શચી આ વૃતાંત સાંભળી બૃહસ્પતિ ગુરુ પાસે આવી નમસ્કાર કર્યા. બૃહસ્પતિ પુષ્કરમાં ઇન્દ્ર પાસે ગયા. અને કહે : વત્સ હું તારો ગુરુ છું. ચાલ સ્વર્ગમાં. ઇન્દ્ર પગે લાગ્યા. દંડવત કર્યા. બૃહસ્પતિએ ઇન્દ્ર પાસે સોમયાગ કરાવી ઇન્દ્રને પુણ્ય આપીને ગાદીએ બેસાડ્યા. એક વર્ષ પાણી પીવાનું, એક વર્ષ ફલાહાર, એક વર્ષ સોમ લતા રસ પાન કરે ત્યારે ત્રણ વર્ષનું વ્રત કરી યજ્ઞ કરી. અનેક દક્ષિણા આપે તે સોમયાગથી બ્રહ્મહત્યા પાપ નિવારણ થાય તે વ્રતથી ઇન્દ્રે પતિવ્રતા સતી સાધ્વી શચીના પ્રભાવથી કરી ફરી ઇન્દ્રાસન પ્રાપ્ત કર્યું.