ભાગ · અધ્યાય ૨૩૪

શ્રીહરિની એકાદશ ઇન્દ્રિયોમાંથી એકાદશીનું પ્રાગટ્ય અને મહિમા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે કશ્યપ ઋષિને સત્યુગમાં દનુમાં દાનવ તાલજંધ થયો, તેનો નાડીજંઘ થયો, તેનો મુરજંઘ દાનવ થયો. તેણે એક હજાર વર્ષ સુધી વાયુ ભક્ષણ, પાણી પાંદડા ખાઇને તપ કર્યું. તેની ઉપર રાફડો થઇ ગયો. તેની ઉપર વૃક્ષો ઊગી ગયા. તેના તપનો અગ્નિ ત્રિલોકીને દાહ કરવા લાગ્યો. દેવો, માનવો, ઋષિ-મુનિઓ ભય પામ્યા. ઇન્દ્રાદી દેવો બ્રહ્મા, વિષ્ણુ, શંકર વગેરે ક્ષીર સમુદ્રમાં શેષનારાયણ પાસે ગયા. સ્તુતિ કરી. હે સર્વેના રક્ષક અસુરોનો નાશ કરવા અવતાર ધારણ કરનારા તમને નમસ્કાર. દેવોની સ્તુતિ સાંભળી શેષશાયી ભગવાન કહે : બોલો શું કામે આવ્યા ? ઇન્દ્રાદિ દેવો કહે : અત્યારે મુર દાનવે તપ કરીને બ્રહ્મા પાસે એવું વરદાન માંગ્યું છે કે, તમારી સૃષ્ટિમાં હું કોઇથી ના મરું. બ્રહ્મા કહે : એવું વરદાન તો કોઇને અપાય નહીં. આ સૃષ્ટિમાં કોઇ અમર નથી. અસુર કહે : વરદાન દેવું હોય તો આપો નહીં તો ચાલ્યા જાવ.

બ્રહ્મા કહે : તું મારો વંશજ છો. તેથી વરદાન આપું છું જા. તથાસ્તુ. તે મુરદાનવ બ્રહ્મા પાસે વરદાન પ્રાપ્ત કરીને સ્વર્ગ, મૃત્યુ, પાતાળ ત્રિલોકીને જીતીને વશ કરી સર્વે દેવોને ઇશ્વરોને બાંધીને કેદમાં પૂર્યા. સર્વે અધિકારો દૈત્યોને આપ્યા. પોતાના તપના પ્રભાવથી ત્રિલોકીને પ્રકાશ કરવા લાગ્યો છે. તેથી હે પ્રભુ અમે તમારે શરણે આવ્યા છીએ. રક્ષણ કરો. જલશાયી પ્રભુ શ્રીહરિ તરત જ મુર દાનવ મેરુ પર્વત પર ચંદ્રાવતી નગરીમાં રહેતો હતો ત્યાં જઇને શંખ ફૂક્યો. અસુરને યુદ્ધ માટે બોલાવ્યો. મુર દાનવ પણ યુદ્ધ માટે અસ્ત્ર-શસ્ત્ર લઇને રણસંગ્રામમાં આવ્યો. અસ્ત્રો-શસ્ત્રોથી ભયંકર યુદ્ધ થયું. શ્રીહરિએ ગદાનો ઘા મુર દાનવ પર કર્યો. મૂરદાનવે ગદા ભાંગી નાંખી. વિષ્ણુએ ચક્ર ફેંકયું. મુરદાનવે વરદાનના પ્રભાવથી ચક્રને ભાંગી નાખ્યું. તે સમયે દેવો અને દૈત્યો દાનવોનું ભયંકર યુદ્ધ થયું. શ્રીહરિને શસ્ત્ર વિનાના જોઇને દેવો ભય પામી હતાશ થઇ ગયા. શ્રીહરિ પણ હિમાલયમાં સિંહવતી ગુફામાં જઇ સૂઇ ગયા. મુર દાનવ શ્રીહરિને શોધતો ગુફામાં આવ્યો.

શ્રીહરિને જોઇને કહે : અહો, ત્રિલોકીમાં પૂજ્ય ભય પામી ગુફામાં શું સૂઇ ગયો ? ચાલ મારી સાથે યુદ્ધ કર તને યમપુર મોકલી દઉં. યુદ્ધ ન કરવું હોય તો મારો દાસ થા. તને વૈકુંઠ આપી દઉં. આ પ્રમાણે બોલતાં મુર દાનવના નાશ માટે શ્રીહરિએ મહાલક્ષ્મીને સંભાર્યા. તરત શ્રીહરિના એકાદશ ઇંન્દ્રિયોમાંથી તપસ્વી-તેજસ્વી કન્યા પ્રગટ થયાં. દિવ્ય વસ્ત્રઅલંકારોથી શોભતી દિવ્ય સ્વરૂપવાળી કન્યાને જોઇ મુર દાનવ મોહ પામ્યો. કન્યાને વરવાની ઈચ્છા કરી. કન્યા કહે : તું મને જીતીને ગ્રહણ કર. આ મારી પ્રતિજ્ઞા છે. મુરદાનવ વિષ્ણુને ભૂલી કન્યા સાથે યુદ્ધ કરવા તૈયાર થયો. કન્યાએ તલવારથી મસ્તક કાપી ગદાથી શરીરને ભાંગી નાખ્યું. દૈત્યો સર્વે મુર મરી ગયો તેથી નાસી ગયા. વિષ્ણુ ભગવાન ગુફામાંથી બહાર આવી કહે : આ મુરને હું મારી ન શક્યો. તેને હે મહામાયા, હે મહાલક્ષ્મી તેં અસુરને મારીને મારી ઉપર, દેવો પર ઉપકાર કર્યો. શ્રીહરિ પ્રસન્ન થઇ કહે : વરદાન માંગ.

કન્યા કહે : હું તમારા એકાદશ ઇંન્દ્રિયોમાંથી પ્રગટ થઇ માટે મારું નામ એકાદશી પુણ્ય આપનારી થાઉં અને સુદ વદ એકાદશીએ કોઇ વ્રત કરશે, નિરાહાર, જલાહાર, ફલાહાર, એકટાણું અથવા નકતભોજન કરશે તે અશ્વમેઘ યજ્ઞના ફળને પામશે. સર્વ તીર્થમાં સ્નાનના ફળને પામશે. હે પ્રભુ, આ વરદાન મને આપો. શ્રીહરિ કહે, તથાસ્તુ. તારું વ્રત કરશે તે વૈષ્ણવ થઇ ભક્તિ કરી ધામમાં જશે.