નૃસિંહ અવતાર પ્રાગટ્ય
હિરણ્યકશિપુ કહે : તું કહે છે વિષ્ણુ મારું રક્ષણ કરે છે તો તે વિષ્ણુ છે ક્યાં તે બતાવ. પ્રહલાદ કહે : તમારામાં છે, મારામાં છે. સર્વેમાં છે, વ્યાપક છે, કોઇ એવી જગ્યા નથી જ્યાં પ્રભુ ન હોય. હિરણ્યકશિપુ કહે : તને આવું જ્ઞાન કોણે, ક્યારે આપ્યું ? પ્રહલાદ કહે : તમે તપ કરવા ગયા ત્યારે ઇન્દ્ર મારી માતાનું અપહરણ કરી મને મારી નાખતો હતો. ત્યાં નારદજી કહે : ઇન્દ્ર આ કન્યાને તું મારી પાસે મૂકી જા. કલ્યાણીના ગર્ભમાં પ્રભુનો ભક્ત છે. તેને આત્મા-પરમાત્માનું જ્ઞાન આપવું છે. ઇન્દ્ર કલ્યાણીને નારદના આશ્રમમાં મૂકી જતો રહ્યો. નારદજીએ કલ્યાણીને ઉપદેશ આપ્યો. આ આત્મા નર નથી, નારી નથી, નપુંસક નથી, કોઇ બાપ નથી, કોઇને દીકરો નથી. દૈત્ય-દાનવ આ રાક્ષસ, અસુર કાંઇ નથી. સચ્ચિદાનંદ સ્વરૂપ એવો આત્મા સત્વગુણમાં હોય ત્યારે સુખ-શાંતિ રહે છે. રજોગુણમાં હોય ત્યારે રાગ-રંગ દ્વેષ પ્રવૃત્તિ થાય છે. તમોગુણમાં હોય ત્યારે હિંસા- આદિક પાપમાં પ્રવૃત્તિ થાય છે. ત્રણે દેહ, ત્રણ અવસ્થા બાળ, યુવાન અને વૃદ્ધ આ બધાં શરીરનાં ધર્મો છે. તે જાણીને જો પરમાત્માનો આશ્રય કરતા આ જીવાત્મા ભગવાનનો ભક્ત બની ભગવાનની ભક્તિ કરી ભગવાનને પામે છે. હે પિતાજી હે મિત્રો, આ જ્ઞાન મને નારદજીએ ગર્ભમાં આપેલું છે. એટલે મને મરણનો ભય ટળી ગયો છે. હિરણ્યકશિપુ કહે : દુષ્ટ ઇશ્વર હું છું, મારા વિના બીજો કોઇ ઇશ્વર નથી. મને કહે તારો રક્ષણ કરનારો પરમેશ્વર ક્યાં છે. આ થાંભલામાં છે તો બતાવ. ત્યાં તો થાંભલો ફાટ્યો તેમાંથી નૃસિંહ પ્રભુ પ્રગટ થયા. બ્રહ્માંડ ફાટી જાય એવી ગર્જના કરીને દૈત્યોના કાન ફાટી ગયા, પડી ગયા, ભાગી ગયા, મૂર્છા પામ્યા, અતિ તેજસ્વી નૃસિંહ પ્રભુએ હિરણ્યકશિપુને ત્યાં જ દ્વારમાં પકડી લીધો.