ભાગ · અધ્યાય ૩૭૨

પતિવ્રતા પદ્મા દ્વારા ધર્મદેવને શાપ અને આશિર્વાદ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે મનુના વંશમાં અનરણ્ય નામે રાજા થયો. તેણે સો યજ્ઞ કરી ઇન્દ્રપદ મેળવ્યું. પણ ગ્રહણ ન કર્યું. તેને સો પુત્રો અને એક પુત્રી પદ્મા થઇ. પદ્મા ઉંમરલાયક થઇ. એટલે રાજાએ તેના લગ્ન કરવા વિચાર કર્યો. ત્યાં પીપ્લાદ ઋષિ આવ્યા. રાજાએ પગે લાગી સત્કાર કર્યો. બેઠો અને કહ્યું. ઋષિ જે ઈચ્છા હોય તે કહો. ઋષિ કહે : તારી કન્યા પદ્મા મને આપ. રાજા મૌન રહ્યો. ઋષિ કહે : કન્યા નહીં આપે તો સર્વ ભસ્મ કરી નાખીશ. રાજા-રાણી કુટુંબ ઋષિના તેજથી ક્ષોભ પામ્યા. અને શોક કરવા લાગ્યા. ઋષિ કહે : તારે કન્યા ગમે તેને આપવાની તો છે જ. તો હું સત્પાત્ર છું. મને આપ. સર્વેની શાંત થાય. તેથી પદ્મા કહે : પિતાજી મને ઋષિને આપી દો. રાજાએ પદ્માને શણગારી કરિયાવર ભેટ સાથે ઋષિને આપી. ઋષિ તપના પ્રભાવથી યુવાન રૂપ કરી પદ્મા સાથે રહ્યા. પદ્મા પતિવ્રતા ધર્મથી ઋષિની સર્વે સેવા કરતી. લક્ષ્મી જેમ નારાયણની સેવા કરે તેમ પદ્મા ઋષિને સ્નાન, ભોજન, પાન, પૂજન વગેરે સમય પ્રમાણે કરતી. યોગી, તપસ્વી, પતિને પામીને પદ્મા પોતાને ધન્ય માનતી. અનેક જન્મના પુણ્યથી પ્રભુ જેવો પતિ મળે છે.

ભોગ કરનારો, મારનારો, કામનારો પતિ સર્વત્ર મળે પણ સાધુ સ્વભાવવાળો, દેવગુણવાળો પ્રભુનો ભક્ત પતિ મળવો દુર્લભ છે. પદ્મા મન, વચન, કર્મથી પીપ્લાદને પ્રભુ માની પૂજતી. સુખ-દુ:ખ, ભોગ, ભોજ્ય, વિશ્વાસ, વરદાન સર્વે મારું પતિમાં છે. દીનતા, શ્રેષ્ટતા, વ્રત, ધર્મ, પુણ્ય, તીર્થ, દાન, પાઠ, પૂજા, સંધ્યા ઉત્સવ સર્વે મારું પતિમાં છે. ગુરુદેવો, ઇશ્વરો, ધામ ધરા રાજ્ય વિધિ નિષેધ, તૃપ્તિ સર્વે ઋષિમાં છે. એમ માની સેવા કરતી, એવી પતિવ્રતા પદ્માની પરીક્ષા કરવા ધર્મદેવ રાજા યુવાનરૂપે ત્યાં આવ્યા. પદ્માને કહે : ક્યાં તું રાજ્યલક્ષ્મી અને ક્યાં આ વૃદ્ધ તપસ્વી. ચાલ મારી સાથે રાજ્યમાં. એમ કહી પાસે આવ્યા. પદ્મા કહે : મારો સ્પર્શ કરતો નહીં. દૂર જા નહીં તો ભસ્મ થઇ જઇશ. અધર્મી પુરુષના સ્પર્શથી પણ પુણ્ય નાશ પામે છે. તું રાજા થઇને બ્રાહ્મણ પત્ની પાસે આવ્યો. બ્રાહ્મણ પત્ની ગુરુપત્ની માતા સમાન ગણાય. માતાને સ્ત્રી તું માને છે. માટે જા તારો ક્ષય થાવ. પદ્માનો શાપ સાંભળીને ધર્મદેવે મનુષ્યરૂપ તજીને પોતાનું સ્વરૂપ બતાવીને કહ્યું : હે માતા, મને સર્વનો ગુરુ ધર્મ જાણો. હું સર્વે સ્ત્રીને માતા સમાન ગણીને લોકોનું રક્ષણ કરનારો છું. હું તમારી પરીક્ષા કરવા રાજાનું રૂપ લઇને આવ્યો હતો તો પણ મનુષ્ય જેમ પોતાનું કર્મ ભોગવે છે. તે મારે કર્મફળ ભોગવવું પડશે. તેથી મારો નાશ ન થાય તેવી પ્રાર્થના કરું છું. પદ્મા કહે : તમને શાપ આપ્યો તે મારે અપરાધ થયો. સાધ્વીનો શાપ મિથ્યા થાય નહીં. તમે ધર્મનાશ પામો તો જગતનો નાશ થાય. તેથી હે ધર્મ તમે જીવતા રહો અને મારો શાપ ખોટો ન થાય. તે કહું સાંભળો.

સત્યુગમાં તમે સત્ય, યજ્ઞ, તપ, દાન, આ ચાર પગે રહેશો. ત્રેતાયુગમાં યજ્ઞ, તપ, દાન આ ત્રણ પગે રહેશો. દ્વાપરમાં તપ દાન આ બંને પગે રહેશો. કળીમાં દાન એક પગે તે પણ કળીયુગને અંતે નાશ પામશે. ત્યારે તમે ગુપ્તપણે રહેશો. સાત્વિકમાં તમે પૂર્ણપણે રહેશો. હે ધર્મદેવ તમારે રહેવાનો આધાર હરિભક્તોમાં, વૈષ્ણવોમાં, સાધુ, સાધ્વીમાં, યતિ- મુનિમાં, બ્રહ્મચારીમાં, પતિવ્રતામાં, વિદ્વાનોમાં, સંતના સંગમાં રહેનારા, ચાર વર્ણમાંથી પીપળામાં, વડમાં, બીલ્વમાં, તુલસીમાં, ચંદનમાં, દીક્ષા, પરીક્ષા, ગૌશાળા, દેવાલય તીર્થમાં, વિવાહમાં, સર્વે પુષ્પોમાં, સંતોના આશ્રમમાં, કૃષ્ણના કિર્તનમાં, વ્રત, પૂજા, યજ્ઞમાં વગેરે શાસ્ત્રો, ગાય વગેરે સ્થાનોમાં તમારો વાસ રહેશે. એ વિના પાપના સ્થાનો, વિરોધના સ્થાનોમાં તમારો ક્યાંય વાસ નહીં રહે. પદ્માના આવા વચનો સાંભળી ધર્મદેવે આશીર્વાદ આપી કહ્યું તું પતિભક્તિવાળી થા, તારું કલ્યાણ થાવ. તારું યૌવન સ્થિર રહે, લાંબુ જીવ, દશ પુત્રની માતા થા. પદ્માએ ધર્મને પ્રદક્ષિણા કરી નમસ્કાર કર્યા. ધર્મદેવ પોતાના સ્થાનમાં ગયા. શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી, આ રીતે પતિવ્રતા સાધ્વી સ્ત્રી નાશ કરવા અને રક્ષણ કરવા સમર્થ થાય છે.