શ્રીલક્ષ્મીનારાયણ સંહિતાના કૃતયુગ સંતાનનું પૂજન, ઉત્સવ અને મહિમા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પુરુષોત્તમપુરી એવી જગન્નાથપુરીની યાત્રા વૈશાખ અક્ષય તૃતીયાએ કરવી. અષાઢી બીજે રથયાત્રા કરવી. ચાર્તુમાસમાં પ્રભુને નૈવેધ ધરી ગ્રહણ કરવાનો નિયમ લેવો. પ્રભુનો પ્રસાદ ગંગાજળ સમાન છે. જેઠ માસમાં પગપાળા પંચતીર્થ કરવા. કાર્તિકમાં પ્રબોધિની ઉત્સવ કરવો. માગશરમાં ગરમ વસ્ત્ર ધારણ કરાવવા. પોષમાં મકર સંક્રાતિનો ઉત્સવ કરવો. માઘમાં વસંત ઉત્સવ કરવો. ફાગણ, શ્રાવણમાં પુષ્પદોલોત્સવ કરવો. એ રીતે બાર માસના ઉત્સવો મોક્ષ આપનારા છે. જગન્નાથપુરીમાં પ્રભુ જાતીભેદ ગણતા નથી ત્યાં સર્વ નર-નારીઓ દોષરહિત દિવ્ય છે. જગન્નાથપુરીમાં એકાદશીને દિવસે અન્ન લેવામાં પણ દોષ નથી.
મારી સેવા, ગુરુસેવા, સાધુસેવા મુક્તિ આપનારા છે. મારી સર્વ ક્રિયા દિવ્ય છે. તેને જે દિવ્ય જાણે છે. તે દિવ્યપણાને પામે છે. હું વૃંદાવનમાં અને કુંકુમવાપીમાં પુરુષોત્તમપુરીમાં અને દુર્ગપુરમાં પ્રસિદ્ધિપણાને પામ્યો છું. હું જેની પર પ્રસન્ન થયેલો છું. તેને કાંઇ સાધન કરવું બાકી રહેતું નથી. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, મારું દર્શન મારો સ્પર્શ દૂરથી મારું સ્મરણ કરશે. તે પણ મોક્ષ ભાગી થશે. લક્ષ્મીનારાયણ સંહિતાના આ પ્રથમ ભાગમાં સત્યુગમાં રહેલી જે કથાઓ તેની તો કોઇ ગણત્રી કરી શકે તેમ નથી. આ અધ્યાયનો જે પાઠ કરશે, વાંચશે, સાંભળશે, સ્મરણ કરશે તે સંહિતાના પાઠનું ફળ મેળવશે તથા આ પ્રથમ ખંડની એક માસની જે પરાયણ કરશે તે અશ્વમેઘ યજ્ઞફળ, તીર્થફળ, દાનફળ, અને મોક્ષફળ મેળવશે. જેના વક્તા સાક્ષાત નારાયણ છે. શ્રોતા લક્ષ્મી સ્વયં છે એવી આ કથા યોગીઓને પણ દુર્લભ બ્રહ્મદેશ પ્રાપ્ત કરાવનારી સામવેદ સમાન છે. હે લક્ષ્મી, જેટલી તું મને પ્રિય છે તેટલી જ આ સંહિતા પ્રિય છે. આ લક્ષ્મીનારાયણ સંહિતા લખીને ઘરમાં રાખવાથી સંપત્તિ અને મોક્ષ અપાવનારી છે. લક્ષ્મીનારાયણ સંહિતા તુલ્ય કોઇ શાસ્ત્ર નથી. તેથી મંડપની રચના કરાવી. સુવર્ણના આસનમાં સ્થાપન કરી તેની કથા સાંભળવી. તથા નિત્ય પૂજા કરવી. આરતી કરવી. પછી વ્યાસ સ્વરૂપ એવા શ્રીકૃષ્ણવલ્લભની ધન, અન્ન, વસ્ત્ર, આભૂષણોથી પૂજા કરી. ઘી, દૂધ, સાકરથી સંતોષ પમાડવા.
શ્રીલક્ષ્મીનારાયણ સંહિતાના વક્તા અને મારામાં જરા પણ ફેર ન ગણવો. કારણ કે મારો પ્રવેશ વક્તામાં થાય છે. વ્યાસપીઠેથી મેળવેલા આશિર્વાદ સફળ થાય છે. વક્તા વ્યાસના પ્રસાદીના હારથી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. વ્યાસના દર્શનથી કૃષ્ણના દર્શન થાય છે. વક્તા વ્યાસના સ્પર્શથી પ્રભુના સ્પર્શનું ફળ થાય છે. લક્ષ્મીનારાયણ સંહિતાની કથાના વક્તા વ્યાસના દર્શનથી પણ નરનારી દિવ્ય બને છે. આ કથાનો વિસ્તાર કોઇ લખે એવા વ્યાસને કૃષ્ણ સ્વરૂપ માનીને રાજાએ હાથી, અશ્વ, ગાયો, ગામ, ધન, દાનમાં આપવા. લક્ષ્મીનારાયણ સંહિતાની કથાની પૂર્ણાહુતિમાં સંહિતાને શણગારી હાથી પર, વાહનમાં અથવા મસ્તક પર મૂકી ગામમાં શહેરમાં પોથીયાત્રા રૂપે ફેરવવી. સાથે હજારો ભક્તોએ ધુન, કિર્તન, ઉત્સવ કરવા પછી રાજ મહેલમાં શ્રીમંતને ત્યાં વૈષ્ણવ ભક્તોને ત્યાં પધરાવી. કુમારીકાઓ તથા સૌભાગ્યવતીઓએ કંકુ, ચોખાથી, પૂજા કરવી. વિદ્યા, ધન, સ્ત્રી, સંતાન, આરોગ્ય સર્વ પ્રાપ્તિ માટે પોતાના ગૃહમાં લક્ષ્મીનારાયણ સંહિતા વસાવી પૂજા કરવી. પરમધામ, અક્ષરધામ, અવ્યાકૃત, અમૃતધામ, ગોલોક, વૈકુંઠ, વૈરાજપદ, બ્રહ્માપદ, ઈન્દ્રપદ, સર્વલોકની પ્રાપ્તિ આ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા સાંભળવાથી થશે.
શ્રીનારાયણ કહે : લક્ષ્મી લક્ષ્મીનારાયણ સંહિતાનો આ પ્રથમ ભાગ સત્યુગ સંતાન તેના શ્લોક પંચાવન હજાર છે. તે મારા મસ્તકના કેશરૂપે છે. આ પ્રથમ ભાગ તે મારું મસ્તકરૂપી બ્રહ્મરંધ્ર છે. તે સર્વનું મંગલ કરનારું છે.