ભાગ · અધ્યાય ૧૨૯

ક્ષીર સમુદ્રમાં રહેલા ચોથા વૈકુંઠધામનું વર્ણન

શંકર કહે : સતી, હવે હું તમને ક્ષીર સમુદ્રમાં ચોથું વૈકુંઠ રહેલું છે તે કથા કહું. પ્રભુ દેવોના કાર્યને કરવા માટે ત્યાં રહેલા છે. મેઘસમાન શ્યામવર્ણવાળા દૂધ જેવી પૃથ્વી પર તેજસ્વી સુદર્શનચક્રથી સમુદ્રને સ્થિર કરીને ત્યાં રહેલા છે. દૂધ જેવા ધોળા મહેલ, દીવાલચોક દરવાજા, વનો, વૃક્ષ સર્વે વસ્ત્રો, આભૂષણો, ખાન-પાન, વાહન, શય્યા સર્વે દૂધ જેવા ધોળા તથા સુખ-શાંતિ આપનારા છે. શ્રીહરિની ઈચ્છાથી સર્વે સમૃદ્ધિ ત્યાં રહેલી છે. ત્યાં હજાર મુખવાળા શેષશય્યામાં કમલાપતિ નારાયણ વસ્ત્ર અલંકારોથી શોભે છે. તેમની સેવામાં લક્ષ્મીજી ચરણસેવા કરે છે. તે ક્ષીર સમુદ્રમાં અનેક નદીતીર્થ, પર્વતતીર્થ, સરોવર તીર્થ, તે મુક્તોના સ્વરૂપ ધારણ કરીને શેષનારાયણના દર્શન ભક્તિ કરે છે. તથા માર્કન્ડેય બલીબા અશ્વસ્થામાં, હનુમાન, વિભીષણ, નીમી, પરશુરામ, વ્યાસ મનુ, સત્યવ્રત, નંદગયરાજા વગેરે અનેક દેવો ત્યાં વાસ કરે છે. બ્રહ્મા, રૂદ્ર દેવોથી પૂજાયેલા છે. તે ભગવાન દૈત્યો રાક્ષસોનો નાશ કરવા દેવોને સહાય કરીને ક્ષીર સમુદ્રમાં વૈકુંઠમાં શેષ-શય્યામાં સદા વાસ કરે છે. મોક્ષની ઈચ્છાવાળાએ ઇન્દ્રીયોની વૃત્તિ કુંઠીત થાય ત્યારે માનવું આપણે વૈકુંઠમાં વાસ કર્યો છે.

શંકર કહે : સતી, એવી રીતે અનંત અવતારોના અનંત ધામો, અનંત દિવ્ય વૈભવો, અનંત દિવ્ય મુક્તોનો કોઇ પાર લઇ શકે જ નહીં. તે પ્રભુના ધામમાં જવા માટે પ્રભુની શરણાગતિ મંત્ર લઇ અનુવૃત્તિમાં રહી તે પ્રભુની ભક્તિ કરવાથી આ લોકમાંથી મુક્તિ મળે છે. તેથી મેં પરબ્રહ્મ, પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણની શરણાગતિ મંત્ર લઇ તેમના ચિહ્નો, તિલક, ચાંદલો, કંઠી, માળા, મુદ્રા વગેરે ધારણ કરું છું અને તને પણ મંત્ર દિક્ષા આપી તથા સર્વે મુમુક્ષુઓનો મંત્ર દિક્ષામાં આપું છું. તે પરબ્રહ્મની પ્રાપ્તિ ભક્તિથી, જ્ઞાનથી, ધ્યાનથી, યોગથી, તપથી, યજ્ઞથી, વૈરાગ્યથી, જપથી, કથાશ્રવણ વગેરેથી થાય છે. એમ કહી શંકરે પાર્વતીને “બ્રહ્માહં બ્રહ્મ ભક્તોસ્મિ” એ મંત્ર આપી આત્મનિવેદી ભક્તો બનાવ્યા. ત્યારથી પાર્વતી અન્નજળ લક્ષ્મીનારાયણને અર્પણ કરી ગ્રહણ કરતા તથા લક્ષ્મીનારાયણની ષોડ્શોપચારથી પૂજા કરતા. ત્યારથી શંકર-પાર્વતી જગત પરમેશ્વર થયા.