સપ્ત ઋષિઓ દ્વારા પાર્વતીની પરીક્ષા
શ્રીનારાયણ કહે : શંકરે કામને બાળ્યો તેથી પાર્વતીને દુ:ખ થયું. હવે મને શંકર ક્યારે ગ્રહણ કરશે. ત્યાં નારદ આવ્યા. પાર્વતીને કહે, તપથી સર્વે સિદ્ધ થાય છે. પણ તેમાં ગુરુ કરવા જોઇએ. એમ કહીને પાર્વતીને મંત્ર આપ્યો. “ૐ નમ: શિવાય” એ મંત્રનો જાપ કરજે તેથી શંકર પ્રત્યક્ષ દર્શન આપશે. માતા-પિતાએ ના પાડવા છતાં પાર્વતી શિવને પ્રાપ્ત કરવા તપમાં અને જપમાં બેસી ગયા. પાંચ હજાર વર્ષ ફળપત્ર ખાઇને પાણી પીને તપ કરતા હતા પછી તો પાણી પણ મૂકી દીધું. ત્યાં સાત ઋષિઓ આવ્યાને પૂછ્યું, બેટા કોના માટે તપ કરે છે ? પાર્વતી કહે : શંકરને માટે. ઋષિઓ કહે, તે તો જોગી વિરક્ત છે. સંસારથી ઉદાસ છે. તે તારી પાસે નહીં આવે. માટે તું તે શંકરની આશ છોડી તપ બંધ કર. પાર્વતી કહે : મારા પિતા હિમાલય પર્વત ખસે તેવા નથી. તેની પુત્રી હું મન દૃઢ કરીને બેઠી છું. શંકર આવે તો જ તપમાંથી ઊભી થઇશ. ઋષિઓ આશીર્વાદ આપી ચાલ્યા ગયા.