પુરુષોત્તમ માસની વદ તેરસની તિથીની પૂજનવિધિ - શ્રીપુત્રી સુદુધા કથા - મેઘાવતી પતિરૂપે પાંચ પાંડવ અને કૃષ્ણને પામી
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ગોલોકમાં રાધાજીને પુત્રીવાળી જોઇને કૃષ્ણપત્ની શ્રીકૃષ્ણને કહે : મારે પણ પુત્રીની ઈચ્છા છે. શ્રીકૃષ્ણે માનસી દિવ્યપુત્રી પ્રગટ કરીને શ્રીને આપી. સર્વેના સંકલ્પપૂર્ણ કરનારી તેથી નામ સુદુધા પાડ્યું. ગોલોકમાં ઉત્સવ થયો, દેવો, ઋષિ- મુનિઓએ આશિર્વાદ આપ્યા. સુદુધાએ વિચાર કર્યો, મારે શું કામ કરવું ? ત્યાં શ્રીકૃષ્ણ ભગવાને આજ્ઞા કરી. તું સર્વે બ્રહ્માંડમાં ઇન્દ્રાદિ દેવોને તૃપ્તિ પમાડ. સુદુધા સ્વર્ગમાં અમૃત રૂપે થઇ. મહરલોકમાં પિતૃઓને તૃપ્તિ માટે પિંડરૂપે થઇ. મનુષ્ય, પશુ, વૃક્ષ માટે દૂધ, અમૃત અને રસરૂપે થઇ. જલમાં સ્નેહરસ, અગ્નિમાં પાચનરસ, આત્માને દેહમાં રહેવા માટે વિષયરૂપી અમૃતરૂપે યજ્ઞમાં આહુતિરૂપે એ રીતે સુદુધા અનેક રૂપે બ્રહ્માંડમાં સર્વેને સુખ આપનારી થઇ. તે સમયે મેઘાવીઋષિ પુણ્ય-સુખ અને પુત્રેષ્ટિ યજ્ઞ કરતા હતા.
સાક્ષાત્ વિષ્ણુ નારાયણ, કૃષ્ણ આવી યજ્ઞનો ભાગ ગ્રહણ કરી પ્રસન્ન થયા, અને બોલ્યા પૃથ્વીનું રાજ્ય સ્વર્ગ પુત્ર જે ઈચ્છા હોય તે કહો. ઋષિ કહે : પુત્ર આપો. નારાયણ કહે : તારા સાત જન્મમાં પુત્ર નથી. તે પુત્રેષ્ટિ કરવાથી પુત્ર થશે. પણ ટૂંકાં આયુષ્યવાળો જન્મે ત્યારે સુખ થશે પછી દુ:ખ થશે. માટે જો તમારી ઈચ્છા હોય તો પુત્ર થાય પણ અધિક ગુણવાળી પુત્રી આપું. ઋષિ કહે : સુખ અને શાંતિ આપનારી પુત્રી આપો. નારાયણ કહે : તથાસ્તુ. શ્રીકૃષ્ણે શ્રી પુત્રી સુદુધા મેઘાવી ઋષિને આપી. ટૂંક સમયમાં માતા મરણ પામી. પિતા પણ મરણ પામ્યા. મેઘાવતી રુદન કરવા લાગી. મારો કોઇ રક્ષક રહ્યો નહીં. તપસ્વીઓએ આવી આશ્વાસન આપ્યું. દુર્વાસા ઋષિ ત્યાં આવ્યા મેઘાવતીએ પૂજન કર્યું અને કહ્યું, મારે હવે સુખી થવા માટે શું કરવું ?
દુર્વાષા ઋષિ કહે : આજથી ત્રીજે મહિને પુરુષોત્તમ માસ આવે છે તેમાં વ્રત પૂજન કરજે તારે સર્વે સુખની પ્રાપ્તિ થશે. સર્વે તિર્થો દાનનું ફળ પુરુષોત્તમ માસમાં મળે છે. દુર્વાસા ગયા. મેઘાવતી પંચાગ્નિ કરી તપમાં બેસી શંકરની પૂજા કરી, સ્તુતિ કરી કે, સૂર્ય- ચંદ્ર અગ્નિ આ ત્રણ નેત્રોવાળા તમને નમ: તપસ્વી પાર્વતીની ઈચ્છા પુરનારા તમને નમ:. કુમારી અનાથ એવી હું મારો ઉદ્ધાર કરો. શંકર પ્રસન્ન થયા. મેઘાવતી કહે : પતિ આપો, પતિ આપો, પાંચ વાર બોલી. શંકર કહે : તે પાંચ વાર કહ્યું માટે પાંચ પતિ થશે. તે પૂર્વકલ્પમાં ઇન્દ્ર હતા તે અત્યારે સત્યલોકમાં છે. ચાલ મારી સાથે બતાવું એમ કહી શંકર મેઘાવતી આકાશમાર્ગે સત્યલોકમાં જતા માર્ગમાં નગારું સાંભળ્યું. પુરુષોત્તમ માસની વદ તેરસેનું વ્રત કરવાથી પતિની પ્રાપ્તિ થશે. મેઘાવતી કહે : પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ કેમ થાય ? નગારું કહે : પુરુષોત્તમ નારાયણનું પૂજન કરવાથી.
શંકર કહે : પુત્રી તે સારો વિચાર કર્યો. પ્રભુના સ્વાદ પાસે સર્વે સ્વાદ ફિક્કા છે. એમ કહી શંકરે સત્યલોકમાં રહેલા ધર્મવાયુ, અગ્નિ, અશ્વિનીકુમારના અંશો બતાવ્યા આ તારા પતિ થશે અને પુરુષોત્તમ મળશે. મેઘાવતીએ શંકરના ઉપદેશથી પુરુષોત્તમ માસની વદ તેરસનું વ્રત કર્યું. ઉપવાસ કરી પુરુષોત્તમ નારાયણને પંચામૃતથી સ્નાન કરાવી, વસ્ત્ર, આભૂષણો ધારણ કરાવી, ષોડ્શોપચારથી પૂજન કરી, નૈવેદ્ય, ફલ અર્પણ કરી, આરતી કરી. સ્તુતિ કરી કે, હે પ્રભુ દર્શન આપો. તરત ગરૂડ પર બેસી લક્ષ્મીનારાયણ આવ્યા અને કહ્યું તારા વ્રત, તપ, ભક્તિથી પ્રસન્ન થઇને વરદાન આપું છું. તારા મનનો સંકલ્પ પૂર્ણ થશે. દ્વાપરને અંતે પૃથ્વી પર હું અધર્મનો નાશ કરવા અવતાર ધારણ કરીશ. ત્યારે તું યજ્ઞસેન રાજાના યજ્ઞના કુંડમાં પ્રગટ થઇશ. ત્યારે તને આ પાંચ પતિ મળશે અને મારા દર્શન થશે. તું યાજ્ઞસેની કૃષ્ણા નામે પ્રસિદ્ધ થઇશ. ત્યારે તારા આ પતિઓ અધર્મી રાજાઓનો નાશ કરશે. પછી તમે સર્વે મારા ધામને પામશો. ત્યાં સુધી તું આ સત્યલોકમાં વાસ કર. એ રીતે મેઘાવતી પુરુષોત્તમ માસની વદ તેરસનું વ્રત, પૂજન કરી, પાંડવો પતિ અને શ્રીકૃષ્ણને પામી. આ અધ્યાયની કથા કોઇ વાંચશે, સાંભળશે તે પણ વ્રતના ફળને પામશે.