શર્મવંતી ભાગ્યહીન હોવા છતાં પણ તપ-ભક્તિથી પ્રભુને પામી
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સૌરાષ્ટ્રમાં ચંદ્રવંશનો રાજા વક્ર અને તેની રાણીને વૃદ્ધ અવસ્થામાં એક કન્યા થઈ. રાજાએ જ્યોતિષીઓને બોલાવ્યા. જ્યોતિષીઓએ કહ્યું, આ કન્યા ચિત્ર નક્ષત્ર ચૌદસ રવિવારની રાત્રિમાં જન્મી છે. તેથી ગ્રહ પ્રમાણે તેના માબાપની સંપત્તિ નષ્ટ થાય અને કન્યાનું પાણીગ્રહણ કરે તે છ માસમાં મૃત્યુ પામે. તેથી હે રાજા આ વિષ કન્યા છે. તેનો ત્યાગ કરી તું સુખેથી રાજ્ય ભોગવ અથવા આ તારી કન્યાને સાધ્વી, યતિ, સાંખ્યયોગીની બનવા દે તો બન્ને કુળનો ઉદ્ધાર કરે. કન્યા યતિમણિ મોતી, ઔષધી, સોનું સર્વે મંત્ર દીક્ષાથી દિવ્ય બને છે. બ્રાહ્મણોએ આ રીતે કહ્યું. છતાં રાજા જેવું ભાગ્યમાં હશે તેવું થશે. સર્વે કર્મને ભોગવે છે. તે રીતે મારી પુત્રી કર્મને લઇને આવી છે. તેને તજીને હું બાળહત્યારો શા માટે થાઉં ? એમ છતાં પુત્રીને લઇને ધન નાશ પામશે તો શ્રીહરિનું ભજન કરીશ. રાજા આવો વિચાર કરી પુત્રી શર્મવંતીનું પાલનપોષણ કરતો. કન્યા પણ યુવાન થતા માતા-પિતાની સેવા કરી કૃષ્ણનારાયણનું ભજન કરતી.
એકવાર બીજા રાજ્યના શત્રુએ ચડાઇ કરી. યુદ્ધ કરી રાજ્ય લઈ લીધું. રાજાને મારી નાખ્યો ત્યારે પ્રજાએ કહ્યું. રાજાએ કન્યાનો ત્યાગ ન કર્યો તેથી રાજ્ય ગયું અને પોતે મરણ પામ્યો. માટે કન્યાને મારી નાખો. જેથી બીજાનો નાશ ન થાય. કન્યાને ખબર પડવાથી રાજ્યમાંથી નીકળી વનમાં ચાલી ગઈ. હાટકેશ્વર શિવાલયમાં શંકરને નમસ્કાર કરી ધ્યાનમાં બેઠી ત્યાં તેને પૂર્વ જન્મની સ્મૃતિ થઈ. પૂર્વે ચાંડાલી બહું પુત્રીવાળી હતી. એકવાર તરતી ગાયને પાણી પાવાથી રાજકન્યા થઈ. શિવાલયમાંથી સોનાની પાર્વતીની મૂર્તિની ચોરી કરી ભાંગી વેચવા ગઈ ત્યાં રાજ્યનાં માણસોએ પકડી જેલમાં પુરી મારી, ત્યાં મરી ગઇ. તે ચોરીથી વીષ કન્યા થઈ. પછી તે શર્મવંતીએ શિવાલયમાં અતિ કઠીન તપ કરી શંકર પાર્વતીની આરાધના પૂજા કરી. પાર્વતી ઈન્દ્રાણીરૂપે આવી કહે, ચાલ સ્વર્ગમાં. શર્મવંતી કહે, મારે પાર્વતી વિના કોઇ પાસે કાંઈ વરદાન નથી જોઈતું. શર્મવંતીની દૃઢતા જોઇ પાર્વતીએ દર્શન આપ્યા. શર્મવંતી કહે મને શંકરના દર્શન કરાવો. પાર્વતીએ કૈલાશમાં જઇ શંકરના દર્શન કરાવ્યા. શંકરે “ૐ શ્રીકૃષ્ણનારાયણ સ્વામીને નમ:” એ મંત્ર આપી કંઠી માળા આપી ભજન કરાવી શ્રીહરિના ધામમાં મોકલી. એ રીતે કર્મહીન, ભાગ્યહીન પણ તપ અને આરાધનાથી પ્રભુને પામે છે.