બ્રાહ્મણ દંપતી રોગમુક્ત થઇ શ્રીહરિના ધામમાં ગયા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સમુદ્ર કાંઠે વીટંકપુરમાં કુષ્ટિસર બ્રાહ્મણ રહેતો. તેની પત્ની સાધુ સેવા સારી કરતી. તે કોઢના રોગથી પીડાતો હતો. એકવાર તેને ત્યાં અતિથિઓ આવ્યા. બ્રાહ્મણ દંપતીએ ભોજન કરાવી પૂછ્યું, ક્યાંથી આવ્યા ? ક્યાં જવાના છો. અતિથિ કહે કાંતીપુરી રહું છું. ચમત્કારપુર સૂર્યમંદિરે દર્શન ગયો હતો. ત્યાં એક વર્ષ રહી રવિવારનું વ્રત કરી ધૂન-કિર્તન કરતો. વર્ષ પુરું થયું ત્યારે રવિવારે રાત્રે સ્વપ્નમાં સૂર્યનારાયણે દર્શન આપી “ૐ હ્રાં હ્રીં હ્રૌં સૂર્યાય નમ:” મંત્ર આપી શરીરે હાથ ફેરવી, સ્નાન કરાવી અદૃશ્ય થયા. સવારે જાગ્યો ત્યાં મને શરીરે કોઢ ન હતો. માટે હે વિપ્ર, તું પણ સૂર્યમંદિરે જઈ સૂર્યની આરાધના જપ, કર. તું પણ કોઢના રોગથી મુક્ત થઈશ. એમ કહી અતિથિ ચાલ્યો ગયો. બ્રાહ્મણ દંપતી ચમત્કારપુર સૂર્યતીર્થ આવ્યા. ત્યાં સ્નાન કરી જપ, તપ, વ્રત, નિયમનું પાલન કરી શ્રીકૃષ્ણનારાયણની આરાધના ભક્તિ કરવા લાગ્યા. સર્વે તપસ્વીઓ કોઢ રોગ જાય કે ન જાય પણ ભવરોગ જરૂર જાશે. આવા વિચારથી ભીક્ષા માંગી ભજન કરતા.
એક વર્ષે શ્રાવણી અમાસે લાખો લોકો સ્નાન કરતા હતા. તે સમયે તે બ્રાહ્મણ દંપતીને સૂર્યનારાયણ અને કૃષ્ણનારાયણ આવી આકાશમાં દિવ્ય દર્શન આપી રોગમુક્ત કર્યા. પછી સર્વે લોકોએ બ્રાહ્મણ દંપતીની પૂજા કરી અંતે બ્રાહ્મણ દંપતી એ શ્રીકૃષ્ણનારાયણની ભક્તિ કરી ચમત્કારપુરમાં શ્રીહરિના ધામમાં ગયા.