પતિવ્રતા સુમિત્રા દ્વારા રાજા મતિજવને ફરી રાજ્યની પ્રાપ્તિ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સોમવંશમાં મતિજવ રાજા તેણે કોઇપણ દાનપુણ્ય, ધર્મ, કર્મ નહીં કરવાથી નાસ્તિક બુદ્ધિ થવાથી અભિમાન કરતો. કામ, ક્રોધ, લોભ, અહંકાર, મદ, હિંસા આ સર્વે દુર્ગુણો સંપત્તિનો નાશ કરે છે. તે રાજા પર ગોલોભ રાજાએ યુદ્ધ કરી તેનું રાજ્ય જીતી લીધું. મનોજવ રાજા તેની પતિવ્રતા રાણી સુમિત્રા વનમાં ગયા. રાજા કહે, મે દેવ બ્રાહ્મણ સાધુની પૂજા કરી નહીં. અનાથ ગરીબોને કાંઇ આપ્યું નહીં. પરોપકાર કર્યો નહીં યજ્ઞદાન કર્યા નહીં. તે પાપે મારું રાજ્ય નાશ પામ્યું. એમ કહી રાજા રૂદન કરવા લાગ્યો.
રાણી કહે, તમે દુ:ખી ન થાવ ચિંતા ન કરો. પ્રભુનું નામ સ્મરણ કરો. ત્યાં પ્રભુ ઈચ્છાથી પરાશર મુનિ આવ્યા. રાજાનું દુ:ખનું વૃતાંત સાંભળી કહે સંતગુરુના દર્શનથી પાપ નાશ પામે છે. એમ કહી રાજાના હાથમાં જળ આપી મંત્ર આપ્યો. “ૐ અનાદિશ્રીકૃષ્ણનારાયણ સ્વામીને નમ:” ત્યાં રાજાને ચેતન આવ્યું. મુનિને પગે લાગી પ્રાર્થના કરી. પ્રભુ મારું રક્ષણ કરો. મુનિ કહે ચાલીસ દિવસ બ્રહ્મચર્ય પાળી, યજ્ઞ કરી હોમ કરો એટલે તમે શત્રુ પર વિજય મેળવશો. રાજાએ તે પ્રમાણે કરવાથી યજ્ઞકુંડમાંથી દિવ્ય અસ્ત્ર, શસ્ત્રો, રથ, સૈન્ય, ભોજન વગેરે પ્રગટ થયા. તે વડે રાજાએ શત્રુને જીતી રાજ્ય ફરીથી મેળવ્યું. પરાશર મુનિના આશિર્વાદથી અને પતિવ્રતા પત્નીના પ્રભાવથી રાજાએ રાજ્ય મેળવી યજ્ઞો કર્યા. દેવોનું પૂજન કર્યું. સાધુ-વિપ્રોને ભોજન કરાવી દાન આપ્યા અને રાજ્યમાં ધર્મકર્મ અને પ્રભુભક્તિ કરાવ્યા. અંતે રાજા-રાણી પ્રભુના કૃપાપાત્ર થઈ અક્ષરધામમાં ગયા.