પુરુષોત્તમ માસની વદ સાતમની તિથીની પૂજનવિધિ - અરૂંધતી (સંધ્યા) નિષ્પાપ થઇ વશિષ્ટ ઋષિ સાથે સ્વર્ગમાં ગઇ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી બ્રહ્માએ પ્રથમ માનસ સૃષ્ટિથી સપ્તઋષિ, દક્ષ અને સંધ્ય ઉત્પન્ન કર્યાં. પછી કામદેવને ઉત્પન્ન કરી કહ્યું કે, જગતના સુખ માટે, મૈથુનીસૃષ્ટિ માટે, સ્ત્રીને પુરુષને મોહ ઉત્પન્ન કર. કામદેવે તરત ધનુષ્ય લઇને હર્ષ, રોચન, મોહન, શોષણ, દ્રાવણ આ પાંચ બાણ ચડાવી અને છોડ્યા. ત્યાં દક્ષ, સંધ્યા, બ્રહ્મા, વિકાર પામ્યા. ધર્મદેવ તે જોઇને કહે : કામદેવ ધર્મ માટે ઉત્પન્ન કર્યો છે, અધર્મ માટે નહીં. કુટુંબમાં મા, બેન, દીકરી, ભાભી, બહેન વગેરેમાં વિકાર થશે તો પ્રજા ક્ષેમ કુશળ નહીં રહે. તેથી દક્ષ તું બદ્રિકાશ્રમ જઇ ગંગામાં નાહી તપ કરી, પવિત્ર થઇ પછી સૃષ્ટિ કરજે. બ્રહ્માને કહ્યું તમે યજ્ઞ કરો. બ્રહ્માએ યજ્ઞ કર્યો. વરસાદ થયો. અન્ન થયું, પછી ધર્મદેવે સંધ્યાને કહ્યું તું શ્વપચ કન્યા થા. પછી શુદ્ધ થઇશ. સંધ્યાએ હિમાલયમાં કર્મ ચંડાલને ત્યાં જન્મ લીધો. સાત ઋષિ આકાશમાં ફરતા ફરતા બદ્રિકાશ્રમ આવ્યા. કાશું અને ફળને દોષ કે સૂતક નથી એમ માની શ્વપચને ત્યાં ભિક્ષા માગવા ગયા. શ્વપચે ઋષિના પગ ધોઇ પાણી પીધું. પ્રાર્થના કરી, અમારો ઉદ્ધાર કરો, એમ કહી અન્ન, ફળ અને કન્યા આપી કહ્યું. આ કન્યા પણ ભિક્ષામાં આપું છું. સર્વે ઋષિની અનુમતિથી વશિષ્ટે કન્યા ગ્રહણ કરી. ગંગામાં સ્નાન કરાવી, કામધેનુ ગાયના મુખમાં પ્રવેશ કરાવી, મૂત્ર દ્વારા કાઢી પવિત્ર કરી. પછી ઉપવિત આપી, બ્રાહ્મણી બનાવી. પછી વશિષ્ટ ઋષિએ રક્ષાસૂત્ર બાવળે બાંધી. ચંદ્ર ભાગા નદી કાંઠે તપ કરવા કહ્યું. તપ કરી ગૌરીને પ્રસન્ન કર્યાં.
પાર્વતી પ્રગટ થઇને કહે : અરુંધતિ તે પુરુષોત્તમ નારાયણ શ્રીકૃષ્ણનારાયણનું ભજન, જપ કર્યા તેથી સર્વે પ્રાપ્તિ થશે. ફલાહાર, કંદમૂળનો આહાર કરી રોજ એક હજાર માળા ફેરવજે, બે હજાર જપ કરજે. એમ કહી પાર્વતી અદૃશ્ય થયા. એ પ્રમાણે તપ જપ કરતી અરુંધતિને દિવ્યજ્ઞાન, દિવ્યદૃષ્ટિ, દિવ્યવાણી પ્રાપ્ત થઇ. ત્યાં પુરુષોત્તમ નારાયણનું નગારું વાગ્યું. તપસ્વી સર્વે સાંભળો, પુરુષોત્તમ માસની વદ સાતમનું વ્રત નિરાહાર રહી કરશે તથા પૂજાની સામગ્રીથી પુરુષોત્તમ નારાયણની પૂજા કરશે. રાત્રે જાગરણ કરશે. તે ઉત્તમ સુખને પામશે. અરુંધતિએ નગારાનું પૂજન કરી. સાતમનું વ્રત કરી તુલસી, પુષ્પોથી પુરુષોત્તમ નારાયણની પૂજા કરી. ફળફૂલ ધરી, રાત્રે જાગરણ કરી, સવારે બ્રહ્મમુહૂર્તમાં ધ્યાન કર્યું. ત્યાં શ્રીહરિએ પ્રગટ થઇ દિવ્યદર્શન આપ્યા. અરુંધતિએ સ્તુતિ કરી, હે જગતપતિ, નિત્ય આનંદવાળા, ઈચ્છેલું આપનારા, તમને નમો નમ: તમે પરબ્રહ્મ છો, પરમાત્મા છો. હું સ્ત્રી કેટલું વર્ણન કરી શકું. વલ્કલ અને જટાવાળી અરુંધતિની પ્રાર્થના સાંભળી શ્રીહરિ કહે : હું તારી ભક્તિ તપ વ્રત અને સ્તુતિથી પ્રસન્ન થયો છું. વરદાન માંગ. અરુંધતિ કહે : પ્રથમ વરદાન હું કામ વિકારના પાપથી શુદ્ધ થાઉં. બીજું વરદાન જન્મતાની સાથે કામદોષ ન નડે, યુવાન થાય ત્યારે વિકૃતિ ભાવ થાય. ત્રીજું વરદાન સંધ્યા સમયે ઋતુદાન કરે તો પ્રજા પિશાચ જેવી થાય. ચોથું વરદાન હું ચાર સ્વરૂપે થાઉં. એકરૂપે સવારે સમયે શુભ કરનારી, બીજેરૂપે સાંજે સંધ્યા સમયે પુણ્ય આપનારી, ત્રીજે રૂપે સ્વર્ગમાં વશિષ્ટની પત્નીરૂપે રહું, ચોથેરૂપે તમારા ધામમાં તમારી દાસીરૂપે રહું. સંધ્યાના વરદાન સાંભળી શ્રીહરિ કહે : અહીં મેઘાતિથિ ઋષિ યજ્ઞ કરે છે તે અગ્નિમાં તું શુદ્ધ થજે. તારા સર્વે સંકલ્પ પૂરા થશે. સંધ્યાએ કાષ્ટમાં પ્રવેશ કર્યો. ઋષિએ યજ્ઞમાં કાષ્ટ હોમ્યા બે સ્વરૂપ સંધ્યાના થયા. બે સ્વરૂપ કન્યાના થયા. એક કન્યાને વશિષ્ટ ઋષિ પરણ્યા. બીજી કન્યા ધામમાં શ્રીહરિની સેવામાં રહી. આ રીતે પુરુષોત્તમ માસની વદ સાતમનું વ્રત કરી પુરુષોત્તમ નારાયણનું પૂજન કરી, સંધ્યા નિષ્પાપ થઇ અને વશિષ્ટ ઋષિ સાથે સ્વર્ગમાં ગઇ. જે નર-નારીઓ આ વ્રત કરશે, પુરુષોત્તમ માસની આ કથા વાંચશે, સાંભળશે તેના સર્વે મનોરથો સફળ થશે.