ભાગ · અધ્યાય ૧૨૭

જલના આવરણમાં રહેલા બીજા વૈકુંઠધામનું વર્ણન

શંકર કહે : હે સતી, હવે હું તમને જલના આવરણમાં રહેલા બીજા વૈકુંઠધામની કથા કહું. તે વૈરાજ નારાયણના પુત્ર વિષ્ણુનું ધામ છે. તે પાંચ અબજ યોજન વિસ્તારવાળો છે. ત્યાં દેવ- ગંગા પવિત્ર નદી વહે છે. તેને કાંઠે અનેક ઇશ્વરો, મુક્તો, હંસરૂપે વાસ કરે છે તથા વન-ઉપવનથી શોભે છે. ફળ-ફૂલવાળા અનેક વૃક્ષોથી શોભે છે. લાખ યોજનના વિસ્તારવાળા ચાર દરવાજાથી દેવવતી નગરી શોભે છે. તથા કિશોર અવસ્થાવાળા વૈષ્ણવો નરનારી, ભક્તો સર્વે પાર્ષદ-પાર્ષદાણીઓ, દાસ-દાસીઓ સર્વે, સોનાના રત્ન સિંહાસન પર બેઠેલા શ્રીનારાયણ તથા જગતમાત હિરણ્યમયી તેની દિવ્ય વસ્ત્ર અલંકારોથી પૂજા કરી દિવ્યદર્શનનો આનંદ લ્યે છે. તે વિષ્ણુની ડાબી બાજુ પૃથ્વી દેવી તથા વિમલા, શ્યામલા, સુશીલા, સુમતિ, કુશલા, જયંતિ, સુખા, કનકા, ભાગીરથી, વિદ્યુલ્લતા, ચંદ્રકલા વગેરે અનેક પત્નીઓ પોતાના પતિ વિષ્ણુની હંમેશાં ષોડ્શોપચારથી પૂજા કરી દિવ્ય સુખ આનંદ પ્રાપ્ત કરે છે.