ધર્મારણ્યમાં યજ્ઞમાં વિઘ્ન કરતાં રાક્ષસોનો અનેક દેવીઓ દ્વારા નાશ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, શ્રીકૃષ્ણ ભગવાને પોતાના સ્વરૂપમાંથી પ્રગટ કરેલા પત્નિવ્રતા બ્રાહ્મણ ધર્મારણ્યમાં પોતાની પત્ની સહિત આવ્યા. તેના માનસપુત્રો અઢાર હજાર ઋષિ-મુનિઓ તપસ્વીઓ થયા. તેના મુખ્ય ચોવીસ ગોત્ર ભારદ્વાજ, કૌશિક વગેરે થયા. પછી તેના વંશો થયા. બ્રહ્માએ ગોલોકમાં કૃષ્ણ ભગવાન પાસે જઈ પ્રાર્થના કરી કે, ધર્મારણ્યમાં ઋષિઓ લોકકલ્યાણ માટે યજ્ઞ કરે છે. તે યજ્ઞમાં જુંતીક રાક્ષસ, યક્ષ, પિશાચ સાથે વિઘ્ન કરે છે. શ્રીકૃષ્ણ ભગવાન ગોલોકથી પત્નીઓ, ગોપીઓને પૃથ્વી ઉપર લઇ જઇ યજ્ઞનું રક્ષણ કરવા આજ્ઞા કરી. તે સર્વે વિશ્વાસુની માનસ કન્યાઓ માતંગી, ભદ્રા, આશાપુરા, ચામુંડા વગેરે થઈ. તે સર્વે લોકમાતાઓ તથા કુળદેવીઓ નામે પ્રસિદ્ધ થઈને રાક્ષસોનો નાશ કરી ઋષિ-મુનિઓને ભયમુક્ત કર્યા. ત્યારપછી ધર્મારણ્યમાં ફરી લોકજીવહત્યા કરનાર હર્ણાટ રાક્ષસનો નાશ કરવા ધર્મદેવે યજ્ઞ કર્યો. તેમાં પણ કૃષ્ણ ભગવાને ગોલોકથી સાઠ હજાર અને લાખો દેવીઓ મોકલી. તે સર્વે પૃથ્વી પર આવી બ્રહ્મચારિણી રહીને રાક્ષસોનો નાશ કર્યો. તે દેવીઓ સર્વે કૃષ્ણપત્નીઓ હતી. તેની ધર્મદેવે યોગિની નામે સ્થાપના કરી.