મનુષ્યએ જીવતા જ સત્કર્મ કરી લેવું
શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી, જેને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહિમા, ઉપાસના, સત્સંગ, સેવા, વિવેક નથી એવા જીવાત્માઓ પોતાના આત્માની મુક્તિ માટે કાંઇ કરતા નથી. સત્કાર્યો, દાન, પુણ્ય, સાધુ-સાધ્વીને જમાડતા નથી. અતિથિ, ગરીબોને આપતા નથી. તે મરવા સમયે અફસોસ કરે છે. મર્યા પછી વિચાર કરે છે. અરે મેં મારે હાથે કોઇને કાંઇ આપ્યું નહીં. હવે મને યમપુરીમાંથી કોણ છોડાવશે ? અથવા જીવતા ભલામણ કરે મારી પાછળ આટલું દાન-પુણ્ય કરજો. તે કરતાં પોતાને હાથે દાન-પુણ્ય કરી લેવા તે ઉત્તમ છે. જ્યાં સુધી શરીર સ્વસ્થ હોય ત્યાં સુધીમાં ભજન-ભક્તિ સેવા કરી લેવા. પછી શરીર પરતંત્ર થાય ત્યારે કાંઇ થતું નથી. મૃત્યુ પણ રાહ નથી જોતું આનું કેટલું કામ બાકી છે. ત્યારે બહુ દુ:ખ થાય. અરે મેં ભગવાનના ગુણ-કિર્તન ગાયા નહીં. કથા સાંભળી નહીં. પૂજા-સ્મરણ કર્યા નહીં. ગુરુ-સંતની સેવા કરી નહીં. સ્તુતિ નમસ્કાર કર્યા નહીં. કેવળ એકલા શરીરનું જ પોષણ કર્યું. પ્રભુએ નીરોગી શરીર આપ્યું. પતિ અનુકુળ, નારી અનુકુળ, કુટુંબ અનુકુળ છતાં મેં મારા જીવાત્મા માટે કાંઇ ન કર્યું. એવી રીતે અનેક વિચાર કરતો શોક કરે છે.