ભાગ · અધ્યાય ૩૯૫

મદાલસાના ચોથા પુત્ર અલર્ક રાજાનો કાશીરાજા સાથે યુદ્ધમાં પરાજય

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પછી રાજાએ મદાલસાને કહ્યું, દેવી આ ચોથો પુત્ર અલર્કને પ્રવૃત્તિમાર્ગ, રાજ્ય નીતિનું જ્ઞાન આપો. જેથી આપણે રાજ્યથી નિવૃત્તિ લઇ અને પુત્રને રાજ્ય સોંપી વાનપ્રસ્થ ગ્રહણ કરી, તપ કરી, પ્રભુપારાયણ થઇએ. પછી મદાલસાએ ચોથા પુત્ર અલર્કને ઉપવિત સંસ્કાર કરી, રાજ્ય નીતિનું જ્ઞાન આપ્યું. ધર્મથી પ્રજાનું પાલન કરવું, યજ્ઞો, દેવપૂજન ચાલુ રાખવા, સંતસદ્ગુરુનો સમાગમ કરવો. વૃદ્ધ, વિપ્રોને વડીલોને નમન કરવું. સ્થાવર, જંગમ તીર્થની પુષ્ટિ કરવી. પૃથ્વી પર આલોક-પરલોકના કલ્યાણ માટે પરમધામના પતિ અનાદિશ્રીકૃષ્ણનારાયણની ભક્તિ કરાવવી. આવો અનેક પ્રકારનો પ્રવૃત્તિ માર્ગ શીખવ્યો. હે પુત્ર, માયાના દોષીથી દૂર રહેજે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષા, અભિમાન, રાગ-દ્વેષ વગેરે દુર્ગુણોનો ત્યાગ કરી સાત્વિક રહીને સત્કાર્યો કરતો રહેજે. કોઇને પણ શત્રુ, માનીશ નહીં. સર્વની સાથે મિત્રતા રાખી વ્યવહાર કરજે. એમ છતાં પણ પાડોશી રાજા તારી પર ચડાઇ કરે ત્યારે તારા મોટાભાઇને બોલાવજે. માતા-પિતાની આજ્ઞાનું પાલન કરી અર્લક રાજ્ય કરવા લાગ્યો તથા માતાએ કહેલું વચન યાદ રાખ્યું કે જ્યારે દુ:ખ આવે શત્રુનો ઉપદ્રવ થાય ત્યારે આંગળીમાં પહેરેલી વીંટીમાં ચીઠ્ઠી રાખી છે તે કાઢીને વાંચજે. એમ કહીને રાજાને રાણી મદાલસા પુત્ર અર્લકને રાજ્ય સોંપી વનમાં તપ કરવા ગયા. તપ કરી, દેહ તજી, રાજા-રાણી ધામમાં ગયા.

અર્લક રાજા રાજ્યકાર્યમાં એટલો બધો ગુંચવાઇ ગયો કે, સમય કેમ જાય છે તે પણ ખબર ન રહી. પોતાના પુત્રો પણ મોટા થયા તો પણ પુત્રોને રાજ્ય કારભાર સોંપ્યો નહીં. અર્લક રાજાના ત્રણ મોટાભાઇ સાધુ થયા તેમાંથી સુલાહ સંન્યાસી અર્લક પાસે આવી કહે, હવે તારા પુત્રો મોટા થયા છે તેને રાજ્ય સોંપીને વિષયથી પાછો વળીને આત્મવિદ્યા મેળવી વૈરાગ્ય પ્રાપ્ત કરી મોક્ષ મેળવી લે. મોટાભાઇએ કહ્યું, છતાં અર્લક રાજ્ય કાર્યમાંથી નિવૃત્ત ન થયો. ત્યારે મોટાભાઇએ કાશી રાજા દ્વારા રાજ્યના ભાગની માંગણી કરી. અર્લક કહે ભયથી રાજ્યભાગ નહીં આપું. મારી સાથે લડાઇ કરો તો ભાગ આપું. પછી કાશીરાજા સાથે લડાઇ કરી. તેમાં હાર્યો, બહું દુ:ખ થયું ત્યારે માતાનું વચન યાદ કરી વીંટીમાં રહેલી ચીઠ્ઠી વાંચી તેમાં લખ્યું હતું. આપત્તકાળ આવે ત્યારે સંતનો સમાગમ ઔષધનું કામ કરે છે. તૃષ્ણા તજવી, ન જાય તો સંતને શરણે જવું. સંત વિવેક બતાવીને ભગવાનને શરણે મુકે છે. આવું વિચારી અર્લક રાજા રાજ્યનો ત્યાગ કરીને દત્તાત્રેય ભગવાનને શરણે થયો. દત્તાત્રેય ગુરુ ભગવાનને દંડવત્, નમસ્કાર કરી પગે લાગી, સંસારના દુ:ખના નાશનો ઉપાય બતાવવાનું કહ્યું અને મારી પર પ્રસન્ન થઈ આત્મશાંતિનો માર્ગ બતાવો. એમ પ્રાર્થના કરી.