ગૌતમ ઋષિ - પતિવ્રતા અહલ્યા - ગોદાવરી અને વેલુરાજાની કથા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, રૈવતાચલની પશ્ચિમે બલીખાત - વસ્ત્રાપથ - પરી તળાવ વગેરે તિર્થો રહેલા છે તથા હેડંબાવન - સાગર કાંઠે માંગરોળ - કુતિયાણા - માણાવદર - પોરબંદર - દ્વારિકા વગેરે તિર્થો રહેલા છે. શંકર પાર્વતીને સાથે લઈ શ્રાવણ માસમાં પ્રભાસમાં યજ્ઞ કરી દ્વારિકા એક માસ રહી ચમત્કારપુર આવ્યા. ત્યાં શંકરે અડસઠ યોગીનીની નવરાત્રીમાં પૂજા કરી. પછી ત્યાંથી આસો માસમાં પુષ્કર તીર્થમાં વશિષ્ટ ઋષીના આશ્રમમાં આવ્યા. ત્યાં અર્બુદાચલમાં બ્રહ્મા અને વશિષ્ટ ઋષિએ શંકરની પુષ્પ, પત્ર, ફળ, જલથી પૂજા કરી પછી શંકર પાર્વતીને કહે, આ આબુ પર્વતમાં પૂર્વે ગૌતમ ઋષિએ તપ કર્યું તેથી દિવ્ય છે. તે ગૌતમ ઋષિ પતિવ્રતા અહલ્યા સાથે દંડકારણ્યમાં આશ્રમમાં રહેતા હતા.
એકવાર દુષ્કાળમાં હજારો બ્રાહ્મણો અન્ન ભોજનની ઈચ્છાથી ઋષિ પાસે આવ્યા. ગૌતમ ઋષિએ બ્રહ્માની સ્તુતિ પ્રાર્થના કરી એટલે બ્રહ્મા પ્રસન્ન થઇને કહે, શું જોઈએ છે ? ગૌતમ ઋષિ કહે, આ વિપ્રો માટે અન્ન જોઇએ છે તેથી ઘઉં, જવ, સવારે વાવુ અને બપોરે તૈયાર થઇ જાય એવું વરદાન આપો. બ્રહ્મા કહે, તથાસ્તુ. એ રીતે ઘઉં બપોરે તૈયાર થયા. એટલે વૈશ્વદેવ કરીને સર્વ વિપ્રોને ભોજન કરાવતા હતા. ત્યાં પત્ની અહલ્યાએ પતિવ્રતાના પ્રભાવે મહારસોડું, પાત્રો, ગાયો, દાસ-દાસી, ખાવા-પીવાની સર્વ સામગ્રીઓ દેવો પીરસનારા વગેરે તૈયાર કરાવ્યા. એ રીતે સર્વને એક વર્ષ સુધી ભોજન કરાવ્યા. પછી વિપ્રો જવા તૈયાર થયા. પણ ગૌતમ ઋષિએ રોક્યા. એટલે એક વિપ્ર ગાયનું રૂપ લઇ ઋષિ પાસે આવ્યો. ઋષિએ હાથ અડાડયો ત્યાં ગાય પડી ગઇ.
સર્વ વિપ્રો કહે, તમે ગૌહત્યારા છો. તેથી હવે અમે તમારે ત્યાં નહીં રહીએ. ગૌતમ ઋષિ કહે, ગાય મરી નથી, મૂર્છામાં પડી છે. તેને ગંગાના જલથી હમણા બેઠી કરું છું. એમ કહીને ઋષિ કૈલાશમાં શંકર પાસે ગયા. ગંગાજલ માંગ્યું. શંકરે જટામાંથી આપ્યું. ઋષિએ ગંગાજળ લાવી ગાયના શરીર પર છાંટ્યું. તે ગંગા ગૌતમી સ્વરૂપે આશ્રમમાં રહીને ગોદાવરી નામે પ્રસિદ્ધ થઈ. પછી ગૌતમ ઋષિએ તે વિપ્રોને શાપ આપ્યો કે, તમે કપટ, ધર્મવાળા, ક્રોધી અને નિંદા કરનારા થશો. તે આબુ પર્વતમાં અચલેશ્વર મંદિરની પ્રદક્ષિણા એક પોપટ કરતો. તે મરીને વેલુ નામે રાજા થયો. તે રોજ મંદિરની પ્રદક્ષિણા કરતો. નારદજી અને ઋષિઓએ પૂછ્યું, પ્રદક્ષિણા કેમ ફરો છો ? રાજાએ પૂર્વવૃતાંત કહ્યું. પછી તે રાજા શંકર પાસેથી “અનાદિશ્રીકૃષ્ણનારાયણ” મંત્ર ગ્રહણ કરી પ્રભુની ભક્તિ કરી વૈકુંઠમાં ગયો.