બ્રહ્માના યજ્ઞમાં વિપ્રરૂપે આવેલા શ્રીહરિનો સર્વને ઉપદેશ
બીજે દિવસે ચારે દિશાથી વિપ્રો, ઋષિમુનિઓ, બ્રહ્માના યજ્ઞમાં આવ્યા. કોઇ વેદમંત્રો બોલનારા, ગાનારા, જપ કરનારા, હોમ કરનારા વગેરે સર્વે આવ્યા. ત્યાં બાળબ્રહ્મચારીએ આવી ડમરૂ વગાડી સભામાં સર્પ ફેક્યાં. ચ્યવનઋષિએ શાપ આપ્યો કે, અહીં સર્પ નાખે છે. તને સર્પ ચોંટશે. બ્રહ્મા કહે, મેં સર્પોની સૃષ્ટિ કરી છે તેથી શ્રાવણ સુદ પાંચમે સર્પનું પૂજન કરશે તેને સર્પ નહીં કરડે અને આ હાટકેશ્વરમાં નાગતીર્થ થશે. ત્યાં શ્રીકૃષ્ણનારાયણ વિપ્ર વેશે ત્યાં આવ્યા. બ્રહ્માએ પૂછ્યું, તમે કોણ છો ? તમારા ગુરુ કોણ છે ? વિપ્ર કહે, પિંગલા, દાદૂર, સર્પ, ભ્રમર, ધનુષ્કાર, કુમારી, આ સર્વમાંથી મેં જ્ઞાન ગુણ લીધા છે તે સર્વ મારા ગુરુ છે. પિંગલરાણી કોઇની ઇર્ષ્યા કર્યા વિના સુખે સૂઇ જાય છે. સમડી પાસે માંસનો કટકો હતો. તે તજી દેવાથી સર્વે પક્ષી માસના કટકા પાછળ પડ્યા. સમડી સુખી થઇ. સર્પ બીજાએ બનાવેલા ઘરમાં વાસ કરી બીજી જગ્યાએ ચાલ્યો જાય છે. તેથી બંધન થતુ નથી. હાથી પણ વનમાં ફરતો ચરતો ક્યાંય બંધન પામતો નથી. તેજ રીતે ભમરો પણ સર્વમાંથી સુગંધરૂપી ગુણ ગ્રહણ કરી પોતાનું કાર્ય સાધી લ્યે છે. એવી રીતે બાણથી નિશાન લેનારો જેમ એક ધ્યાનથી નિશાન લ્યે છે. તેમ સર્વ ભક્તોએ એક ભગવાનરૂપી નિશાન લેતાં આડાં આવતા વિઘ્નો સામે જોવું નહીં. તેણે મોક્ષરૂપી નિશાન મેળવી લેવું.
એવી રીતે મુમુક્ષોઓ અને જ્ઞાનીઓએ સર્વમાંથી ગુણ ગ્રહણ કરીને મોક્ષ સિદ્ધ કરી લેવો. એ રીતે ભક્ત જ્ઞાની થાય ત્યારે તેને પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ અહંકાર મમત્વમાંથી પ્રકૃતિમાં સર્વમાં શ્રીહરિને દેખે છે. સ્થાવર, જંગમ, વૃક્ષવેલી, જીવજંતુ સર્વેમાં શ્રીહરિ નિજભાવનાના દર્શન કરે છે. યજ્ઞમાં રહેલા સર્વે બ્રાહ્મણોને વિપ્ર રૂપે રહેલા શ્રીકૃષ્ણનારાયણે આવું દિવ્ય અલૌકિક જ્ઞાન આપી, દિવ્ય દર્શન કરાવી કહ્યું કે, હું અશ્વપટ સરોવર કાંઠે રહેલો છું અને અત્યારે આ યજ્ઞમાં તમને અતિથિ રૂપે દર્શન દેવા આવ્યો છું પછી સર્વે ઋષિઓ બ્રાહ્મણોએ અતિથિરૂપે રહેલા શ્રીહરિની પૂજા કરી.