રુકમાંગદ રાજા અને મોહિનીનો વિવાહ પ્રસંગ
આ અધ્યાય 286–287 સંયુક્ત છે
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, યમરાજ બ્રહ્માને કહે : રાજા મનુષ્ય જો ભક્તિ કરાવી મોક્ષમાં મોકલે તો દેવો ઇશ્વરોની મોટાઇ ઘટી જાય. બ્રહ્મા કહે : વાત સાચી કાંઇ ઉપાય કરવો પડશે. સ્વર્ગનો અને યમપૂરીનો માર્ગ ચાલુ રાખવા બ્રહ્માએ મોહિની કન્યા ઉત્પન્ન કરી કહ્યું તું રુકમાંગદ રાજાને મોહ પમાડીને ભ્રષ્ટ કરજે. મોહિની રૈવતાચળ આવી તીર્થ કરી ભવેશ્વરના દર્શન કરી ત્યાં સંગીતમાં ગાવણું કરવા લાગી.
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, તે સમયે રુકમાંગદરાજા પોતાના પુત્ર, ધર્માંગદને બોલાવી કહ્યું, આ રાજ્યની ગાદી તને સોંપું છું. ધર્મથી પ્રજાનું પાલન કરી શ્રીહરિની ભક્તિપરાયણ રહેજે અને એકાદશી વ્રત-નિયમનું ક્યારેય પણ ઉલ્લંઘન કરતો નહીં. પુત્ર ધર્માંગદ પિતાને પગે લાગી, આજ્ઞા માથે ચડાવી. રુકમાંગદ રાજા પત્ની સંધ્યાવલીને પુત્રની સાથે રાખી વૈરાગ્ય વ્રતથી અશ્વપટ સરોવર દર્શન કરી રૈવતાચળ દર્શન કરી ભવેશ્વર મહાદેવના દર્શન કરવા આવ્યો. ત્યાં મોહિનીને જોઇ મોહ પામ્યો. મોહિનીને કહે : તારે જે જોઇએ તે કહે, પણ મારી સાથે લગ્ન કર. મોહિનીએ કહ્યું, મારે કાંઇ જોતું નથી પણ પ્રતિજ્ઞા કરો, હું જ્યારે માગું ત્યારે તમારે ના પાડવી નહીં તે એક વચન આપો. રુકમાંગદ રાજા કહે : તને ન આપું એવું આ જગતમાં કાંઇ નથી. રાજાએ વચન આપ્યું. પછી બંનેએ દામોદર કુંડે વિષ્ણુ ભગવાન પાસે વિધિપૂર્વક લગ્ન કર્યાં. રાજાને મોહિની સાથે ચોપન વર્ષ નિમેષ માત્રમાં ચાલ્યા ગયા.