વિશોકા - સુવર્ણદ્વિપ અને વાગુરેવા તીર્થનો મહિમા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે હારિત ઋષિ નર્મદાનાં પાણીમાં બેસી શ્રીકૃષ્ણનારાયણનો જપ અને તપ કરતા હતા. પ્રભુએ દર્શન આપ્યા. સાથે બ્રહ્મપત્નીઓ હતી. સાવિત્રી, અદિતી, કંભરાલક્ષ્મી, દાક્ષાયણી, પ્રભા, પાર્વતી, સંજ્ઞા, તારા, લક્ષ્મી, રાધા, માણિકી, હેમા, ચંપા, કસ્તુરી, સવિતા, દયા, જયા, લલીતા, મૌકિત વગેરે સાથે હતા. આસો સુદ ચૌદશે નર્મદામાં સ્નાન કરવાથી કુમારીકા અખંડ સૌભાગ્ય વાળી થાય છે.
પૂર્વે કાંચીપુરનો રવીચંદ્ર રાજા નર્મદા કાંઠે અગત્સ્યમુનિ પાસે આવી પગે લાગ્યો અને પૂછ્યું, ક્યાં સ્થાને યજ્ઞ કરવાથી દેવોને તૃપ્તિ થાય અને પિતૃઓનો મોક્ષ થાય ? અગત્સ્ય મુનિ કહે, નર્મદા કાંઠે અશોક વનમાં યજ્ઞ કરવાથી સર્વે કાર્ય સિદ્ધ થશે. રાજાએ સપ્તર્ષીઓ, લોમશઋષિ, વાલખીલ્યો વિગેરેને બોલાવી યજ્ઞ કરાવ્યો. ત્યાં દુર્વાષા આવી કહે, મારા વિના યજ્ઞનો આરંભ કેમ કર્યો ? રાજા કહે, આ યજ્ઞમાં દેવો, વિપ્રો, અતિથિ જે આવે તેને જે જોઇએ તે દાન ગ્રહણ કરે છે. દુર્વાષા કહે, પૂર્વે પાર્વતીના શાપથી બ્રાહ્મણો કૂતરા થઇને ફરે છે. તેનો મોક્ષ કર. રાજા કહે, તે કેમ શાપ પામ્યા ? દુર્વાષા કહે, તે વિપ્રો નેપાળમાં શંકરની પૂજા કરવા ગયા. પાર્વતીની પૂજા ન કરી એટલે પાર્વતીએ શાપ આપ્યો. એક હજાર વર્ષ કૂતરાના જન્મને પામો. પછી તે રાજાએ નોકરો પાસે તે કૂતરાઓને બોલાવી યજ્ઞનો પ્રસાદ જમાડી ઋષિના પ્રભાવથી મુક્તિ અપાવી. તે સર્વે ઋષિઓ રાજાની સ્તુતિ કરી સ્વર્ગમાં ગયા. દુર્વાષા ઋષિ કહે, રાજા તારા જેવો પરોપકારી કોઇ થયો નથી. પ્રાણ ત્યાગ કરવો સહેલો છે. પુણ્યનો ત્યાગ કરવો પણ સહેલો છે. પણ તપ, યજ્ઞ કરી પુણ્ય બીજાને આપી ઉદ્ધાર કરવો દુષ્કર છે. તે એ કર્યુ માટે વરદાન માંગ. રાજા કહે, આ યજ્ઞનો પ્રસાદ જે જમ્યા હોય, આ તીર્થમાં જે નાહ્યા હોય. તે સર્વેનું કલ્યાણ થાય. દુર્વાષાદિક ઋષિઓ કહે, તથાસ્તું. યમરાજાએ પ્રસન્ન થઈ વર માંગવા કહ્યું. રવીચંદ્ર રાજા કહે, યમપુરીમાં રહેલા જીવો સ્વર્ગમાં જાય. ધર્મરાજા કહે, તથાસ્તું. એમ કહીને રાજાને “ૐ શ્રીકૃષ્ણનારાયણ સ્વામીને નમ:” એ મંત્ર આપી ગયા. રાજા મંત્રનો જપ કરતા અંતે અક્ષરપદને પ્રાપ્ત થયો. તે વિશોકા તથા સુવર્ણદ્વીપ તીર્થ થયેલું છે.
પૂર્વે કૌશલ દેશનો સૂર્યવંશી બ્રહ્મદત્ત રાજાએ વાગુરેવા તીર્થમાં દશ યોજનમાં યજ્ઞ કરી સર્વે પ્રેતોની મુક્તિ કરી. રાજાએ તે સર્વે પ્રેતોને પૂછ્યું, તમે પ્રેત કેમ થયા ? પ્રેત કહે, પૂર્વે બ્રહ્મા, વિષ્ણુ, શુક્રાચાર્ય મહર્ષિઓએ પુષ્કરમાં કાર્તિકમાં યજ્ઞ કર્યો. તેમાં વૈષ્ણવ તપસ્વી બ્રાહ્મણો પણ હતા તે સમયે કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણમાં હરિશ્ચંદ્ર રાજા દાન આપતા હતા. તેથી તે સર્વે બ્રાહ્મણો લોભથી દાન લેવા ગયા. રાજાએ રાજી થઇને બહું દાન આપ્યા. રાજાનું દાન ભારે હોવાથી અને પોતે પાત્ર નહીં હોવાથી તે સર્વે બ્રાહ્મણો પ્રેત થયા. તે સર્વે અમે છીએ. તે તમારા યજ્ઞનો પ્રસાદ અને આ નર્મદાના વાગુરેવા તીર્થમાં સ્નાન દર્શનથી અમારી પ્રેતના દેહથી મુક્તિ થઈ.