સુતપા ઋષિ દ્વારા સુયજ્ઞ રાજાને શાપ તેમજ આજ્ઞા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, બ્રહ્માના મનુ રાજા થયા. તેના ઉતાનપાદ થયા. તેનો પુત્ર ધ્રુવ થયો. તેનો ઉત્કલરાજા થયો. તેણે એક હજાર રાજસૂર્ય યજ્ઞ કરેલા. તેમાં લાખો કરોડો સાધુ, બ્રાહ્મણો, અતિથિ જમતા. તે રાજા દાન-દક્ષિણા એટલી આપતો કે લઇ જનાર ઉપાડી ન શકતા. ઘણા યજ્ઞ કરવાથી તે સુયજ્ઞ નામે પ્રસિદ્ધ થયો. એકવાર મેલા કપડાંવાળો કુરૂપ બ્રાહ્મણ ત્યાં આવ્યો. રાજાને નમન કર્યા પણ રાજા આસનથી ઊભો ન થયો. એટલે બ્રાહ્મણે શાપ આપ્યો. તું રાજ્યભ્રષ્ટ થા, રોગી થા, બુદ્ધિહીન થા, ત્યાં તો સર્વે સભાસદો તથા ઋષિઓ બ્રાહ્મણને પગે લાગી શાંત કર્યો અને કહ્યું, ક્ષમા કરો આશિર્વાદ આપો. અમારી ભૂલ થઇ. બ્રાહ્મણ કહે, અતિથિનો સત્કાર નથી કરતોને તિરસ્કાર કરે છે તેનું પુણ્ય નષ્ટ થાય છે. રાજાએ વશિષ્ટ ઋષિને પૂછ્યું, પાપનું પ્રાયશ્ચિત શું ?
વશિષ્ટઋષિ કહે, સ્ત્રીહત્યાથી ગાયની હત્યાનું પાપ બે ગણું, ગૌહત્યાથી બ્રહ્મહત્યાનું પાપ ચાર ગણું અને કૃતઘ્નિના પાપનું પ્રાયશ્ચિત જ નથી. ગૌહત્યા કરી હોય તો એક વર્ષ સુધી તીર્થ કરી દાન કરી કાચું અન્ન ખાઇ ગાયનું દાન કરે તો પાપથી મુકાય. સ્ત્રીહત્યા કરી હોય તો સાંઠ હજાર વર્ષ યમપુરીનું દુ:ખ ભોગવી પછી ભૂંડ સર્પનો જન્મ પામે છે. બ્રહ્મહત્યા કરે તો લાખ વર્ષ કુંભી પાકમાં પડી સાત જન્મ સર્પ થાય. પ્રતિજ્ઞાનું પાલન ન કરે તો કૃતઘ્ની ચાર યુગ સુધી યમપુરીના દુ:ખ ભોગવી સાત જન્મ શુદ્ર થાય. દેવોનું, ગુરુનું, પુણ્યનું, ધર્મનું, સત્યનું, વિશ્વાસનું કાર્ય ન કરે તે કૃતઘ્ની તેના પાપે યમદૂત પૂરીના દુ:ખ ભોગવી હલકા નિમ્ન જન્મને પ્રાપ્ત થાય છે. પછી રાજાએ બ્રાહ્મણને પૂછ્યું, તમે કોણ છો ? બ્રાહ્મણ કહે, હું બ્રહ્માના વંશનો સુતપા ઋષિ છું. મેં તને શાપ આપ્યો તે આશિર્વાદરૂપે આપ્યો છે. રાજા તું તારા પુત્રને ગાદી આપી વનમાં જઈ શ્રીકૃષ્ણનારાયણનું ભજન કરી તપ કરી શરીરના રોગમુક્ત થા. પ્રભુ સ્મરણ કરી, બુદ્ધિ નિર્મળ કરી, રાજ્યના આડંબર વાળી બુદ્ધિનો ત્યાગ કર. પછી રાજાએ ઋષિની આજ્ઞાથી શાંતિમાર્ગ ગ્રહણ કરી વૈરાગ્ય પ્રાપ્ત કરી અને ધામની ને પ્રભુની પ્રાપ્તિ કેમ થાય તે પ્રશ્ન પૂછ્યો.