દક્ષ પ્રજાપતિને ત્યાં સતીનું પ્રાગટ્ય
આ અધ્યાય 169–171 સંયુક્ત છે
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, બ્રહ્માએ રાત્રિ રૂપે રહેલી વિભાવરીને દક્ષ પ્રજાપતિને ત્યાં કન્યારૂપે પ્રગટ થવાનું કહ્યું. તે વિભાવરી દક્ષ પુત્રી સતી નામે પ્રગટ થયાં. પરબ્રહ્મ અને નારાયણી શક્તિ તે એક જ સ્વરૂપ છે. ક્યારેક નારાયણ પૃથ્વી પર નરરૂપે પ્રગટ થાય. ક્યારેક નારાયણી નારી લક્ષ્મી રૂપે પ્રગટ થાય. તે જ રીતે નારાયણ અને શિવ તે બંને બ્રહ્મ હોવાથી બંનેનું ઐક્યપણું છે. તે જ રીતે શિવ-પાર્વતી દેખવામાં બે સ્વરૂપો છે. બ્રહ્મમય સ્વરૂપે એક છે.
લક્ષ્મી પૂછે : પ્રભુ, તે વિભાવરી કોણ હતી ? શ્રીનારાયણ કહે : ગોલોકમાં શ્રીકૃષ્ણ પ્રભુએ ડાબા પડખામાં શક્તિરૂપે મહામાયા રાધિકાને સદાવાસ આપ્યો છે. તે રાધિકાને એક વખત ક્રિડા સમયે કૃષ્ણના નેત્રમાં નિદ્રાને જોઇને શાપ આપ્યો. તું અત્યારે રતિક્રિડામાં ભંગ કરવા ક્યાં આવી. જા પૃથ્વી પર, જીવસૃષ્ટિમાં, નિંદ્રા વિરામ રૂપે વાસ કર. તે રાત્રિ અંધકારરૂપે થઇ. પછીથી શ્રીકૃષ્ણે પોતાની મૂર્તિમાંથી ગોપ-ગોપી, ગાયો, શિવ-શિવા, લક્ષ્મી, સરસ્વતી, સાવિત્રી વગેરે પ્રગટ કર્યા. ત્યારે શિવને શિવા આપતા હતા. પણ શિવે ના પાડી પ્રકૃતિ માયા બંધન કરનારી છે. તેથી શંકરે ગ્રહણ ન કર્યા. તે શિવાને કૃષ્ણે નેત્રમાં રાખ્યા. તે વૈરાજપુત્રી થયા. તે દક્ષપુત્રી સતી થયા પછી હિમાલયની પુત્રી પાર્વતી થયા.
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, દક્ષ પ્રજાપતિને ત્યાં સતીનો જન્મ થયો, ઉત્સવ થયો, મોટો થયો, નારદ દક્ષને ત્યાં આવ્યા. સતીના હાથની રેખા જોઇ. જમણા હાથમાં કમળ, બાણ, અંકુશ, શંખ, ચક્ર, પરશુ તથા ડાબા હાથમાં ધનુષ, મીન, કેતુ, સ્વસ્તિક, ત્રિશુલ, દીપક તથા શરીરમાં બીજા ચિહ્નો જોઇને દક્ષને કહ્યું, આ સતી મનુષ્ય કે દેવ નથી આ સતી તો જગતમાતા શિવની અર્ધાંગના છે. પછી સતી કન્યાએ એક વર્ષ સુધી શંકરના વ્રત- નિયમ, જપ, તપ, ષોડ્શોપચારથી પૂજા કરી. સતીના બારમાં વર્ષે જન્મજયંતીમાં બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્રાદી દેવો દક્ષ પ્રજાપતિને ત્યાં આવ્યા. બ્રહ્માદી દેવોએ આશીર્વાદ આપ્યા. પછી સતીનું શંકરને વિષે સ્નેહ, ભક્તિ, તપ જોઇને બ્રહ્મા, વિષ્ણુ, શંકર પાસે ગયા. સ્તુતિ કરી. હે યોગી બ્રહ્મચારી નિર્ગુણ બ્રહ્મસ્વરૂપ નિર્વાકાર વૈષ્ણવ સદાશિવ તમને નમો નમ: જ્ઞાની તપસ્વી તમને નમો નમ: લક્ષ્મીનારાયણ બ્રહ્માદી દેવોની સ્તુતિથી પ્રસન્ન થયેલા શિવે સર્વેને આવવાનું કારણ પૂછ્યું. વિષ્ણુએ કહ્યું, આપણે ત્રણ ભાઇઓમાં તમે એક જ પરણ્યા નથી. અને સંસારમાં લગ્ન વિનાનો અમંગલ ગણાય છે. અને સતી તમારે માટે જ તપ કરે છે. તેથી તમે તે દક્ષ કન્યા સતી સાથે લગ્ન કરો. શંકર કહે : મને લગ્ન કરવાની જરાય રૂચી નથી. યોગમાં, જ્ઞાનમાં, દાનમાં, ભજનમાં, માયા બંધન કરે છે. વિષ્ણુ કહે : તમે તો સ્વયં બ્રહ્મ, નારાયણસમાન નિર્લેપ છો, નિર્વિકાર છો. બંધન તો જગતના જીવોને થાય ભગવાનના ભક્તને માયા બંધન કરતી જ નથી. પછી શંકરે સતીના તપનું ફળ આપવા બ્રહ્માદી દેવોને કહ્યું, બહુ સારું તમારા મનોરથ સફળ થાઓ.