ધોળખનક રાક્ષસ અને અવંતનગરીનો રામ-સીતા દ્વારા ઉદ્ધાર
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, એકવાર શ્રીરામ-સીતા-લક્ષ્મણ સાથે વનમાં ફરતા ક્ષીપ્રા નદી કાંઠે અવંતીનગરીમાં આવ્યા. ત્યાં રામે લક્ષ્મણને કહ્યું, પાણી ભરી આવ. લક્ષ્મણ કહે, હું પાણી લઇ આવું તો સીતા શું કરશે ? હું તમારું દાસપણું નહીં કરું. લક્ષ્મણનું વચન સાંભળી રામ સીતા મૌન રહ્યા. સીતા પાણી ભરી આવ્યા. પાણી પીને મહાકાલેશ્વર દર્શન કરવા ગયા ત્યાં રાત્રિ રહી સવારે રામ કહે ચાલો. લક્ષ્મણ કહે, હું તમારું દાસપણું નહી કરું. હું તમારી સાથે નહીં આવું અને અયોધ્યા પણ નહીં જાઉં. રામ કહે, ક્રોધ શા માટે કરે છે ? ધીમે ધીમે સીતા સાથે ચાલ્યો આવ. અથવા તારે તપસ્વીઓ સાથે રહેવું હોય તો રહે. લક્ષ્મણ કહે, હું તમારું એક પણ વચન નહીં માનું. તમારું દાસપણું નહીં કરું તો સાથે આવું. રામ કહે, ભલે બહું સારું. રામ, સીતા આગળ ચાલ્યા. લક્ષ્મણે ધનુષ્યમાં બાણ ચડાવ્યું. અને વિચાર કર્યો. રામને મારું કે સીતાને ? ત્યાં રામ-સીતા પાસે આવ્યા. ત્યાં મનમાં અતિદુ:ખ થયું અરે, મને આવો વિચાર કેમ આવ્યો ?
રામ કહે, લક્ષ્મણ તારો દોષ નથી. આ ભૂમિ એવી જ છે. અહીં પુત્ર પિતાનું સાંભળતો જ નથી. પિતા પુત્રનું સાંભળતો નથી. ગુરુ શિષ્યનું સાંભળતો નથી. શિષ્ય ગુરુનું સાંભળતો નથી. લક્ષ્મણ કહે : ચેતનને જડ બનાવી દે, તે આ ભૂમિ કેમ થઇ ? રામ કહે, પૂર્વે અહીં ધોળખનક રાક્ષસ હતો. તે ઈચ્છારૂપ ધારણ કરતો. ક્યારેક નરનારી, પશુ, પક્ષી, સિંહ, મૃગ, સર્પ, વાનરો, રીંછ થઈને બાળકોને સ્ત્રીઓને મારી ખાઇ જતો. એક ગાઉમાં તેનો આશ્રમ હતો. માયાજાળથી નગરની રચના કરતો.
એકવાર ગોપાલકૃષ્ણ, કંભરાલક્ષ્મી ત્યાંથી નીકળ્યા. રાક્ષસ રાજાનું રૂપ લઇને તે દંપતીની પૂજા કરવા આવ્યો. ભોજન કરાવી આરામ કરાવ્યો. તે દંપતી સૂતા હતા ત્યાં રાક્ષસ તલવાર લઇને મારવા આવ્યો. ત્યાં કંભરાલક્ષ્મી જાગ્યા, પતિને કહ્યું. ગોપાલકૃષ્ણ તરત જ અદૃશ્ય થયા. રાક્ષસે તલવાર જોરથી નીચે પછાડી બે ટુકડા થયા. એક કટકો ઉડીને તેના ગળામાં લાગ્યો ને પડી ગયો. ત્યારે કંભરાલક્ષ્મીએ શાપ આપ્યો કે, તું કપટ કરી, ચોરી અને હિંસા કરે છે, ક્રુર થઈ માણસોને મારે છે માટે તારું જ્યાં મૃત્યુ થશે તે ભૂમિ પણ શાપિત થશે. ત્યાં ધોળખનક રાક્ષસે દેહત્યાગ કર્યો. ગોપાલકૃષ્ણ કહે દેવી આપણી પૂજા કરવાથી, સેવાના ફળથી, આ રાક્ષસ દેહથી મુકાઇને દક્ષિણના દ્વિપમાં જન્મ ધારણ કરશે. ત્યાં રામ જઈને તેનો ઉદ્ધાર કરશે. શ્રીરામ કહે, લક્ષ્મણ તેથી આ ભૂમિ શાપિત છે. માટે અહીં સર્વેના અંત:કરણ ફરી જાય છે. તેમ તારાં મનમાં પણ આવા વિચારો આવ્યા. હું પત્નીવ્રવાળો છું અને સીતા પતિવ્રતવાળી છે. તેથી તેના મનમાં કાંઈ ફેર ન પડ્યો. એવી રીતે જે નારીઓ પ્રભુની પતિવ્રતા ભક્તિવાળા છે તેને ભૂમિના દોષો બાધ કરી શકતા નથી. પ્રભુ તેની રક્ષા કરે છે.