ભાગ · અધ્યાય ૩૨

ગૌ મહાત્મ્ય અને ગૌ-દાન ફળ

લક્ષ્મી પૂછે છે : હે સ્વામિનારાયણ, સમર્થ હોય તે જનોને તારી શકે. ગાય, પશુજનોને કેમ તારે ? શ્રીનારાયણ કહે, માયાના દોષમાં રહેલા બધા પશુ જ છે. શ્રીહરિનો મંત્ર પ્રાપ્ત કરે છે તે દિવ્ય થાય છે. ગાયો ગોલોકમાં મારા સમાન બ્રહ્મમય દેહવાળી કૃષ્ણ-કૃષ્ણ ભજન કરે છે. વૈકુંઠમાં પણ મુક્તાણીઓ ગાયો સ્વરૂપે ભજન કરે છે. તે ગાયો ભગવાનના મુખેથી નીકળેલી ભગવાનની આજ્ઞાથી પૃથ્વી પર બધાના સુખને માટે રહેલી છે. તેને પશુ ન જાણવી પણ દેવી જાણવી.

ગાયના શરીરમાં હું રહેલો છું. લલાટમાં બ્રહ્મધામ, શિંગળા ધ્વજદંડ, નેત્રમાં ગોલોક વૈકુંઠ, નાકમાં અવ્યાકૃતધામ, મુખમાં માયાધામ, જીભમાં મહતત્ત્વ, દાંતમાં સોળ તત્ત્વો, હોઠમાં રજ તમ, ભાંભરવામાં પ્રણવ, કાનમાં શ્વેતદ્વિપ બદ્રિકાશ્રમ, શ્વાસમાં મહાવિષ્ણુ, કંઠમાં શિવ, પગમાં ચારવેદ, ઉદરમાં વૈરાટ, પીઠમાં બ્રહ્મા, જઠરમાં બ્રહ્મ, તેજ ગૌમૂત્રમાં ગંગાજળ, ગાયના છાણમાં લક્ષ્મી, પૂંછમાં સ્વર્ગ, રોમમાં દેવતાઓ, આંચળમાં સમુદ્ર, આંતરમાં પિતૃઓ, ખરીમાં પાતાલ. આ રીતે ગાય સર્વે અંગે પવિત્ર છે. તેની પૂજા કરવાથી પુણ્ય મળે. તર્પણથી બુદ્ધિ. ગૌદાન પાપને બાળી અમૃત આપે છે. પ્રદક્ષિણાથી પૃથ્વીની પ્રદક્ષિણા થાય. દરિદ્રતાને હરનારી સર્વને સુખ આપનારી ગાયની વત્સની સેવા કરી તેણે પૃથ્વીનું પાલન કર્યું. તેના દાનથી સુખ, સમૃદ્ધિ, સ્વર્ગ અને પરમધામની પણ પ્રાપ્તિ થાય છે.