લક્ષ્મીનારાયણ દ્વારા લીલાવતીને પતિવ્રતા ધર્મનું જ્ઞાન
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે કાશીમાં દિવોદાસ રાજાની પત્ની લીલાવતી લક્ષ્મીનારાયણની ભક્તાણી અને પતિવ્રતા હતી. એકવાર તેને વિચાર આવ્યો પહેલા કોની પૂજા કરું. ત્યાં લક્ષ્મીનારાયણ ભગવાને પ્રગટ થઈ કહ્યું. પહેલી પૂજા પતિની કરવી. તે પતિ બે કહેવાય. એક શરીરના પતિ, બીજા આત્માના પતિ. શરીરનું પાલન કરે તે શરીરનો પતિ, આત્માનું પાલન કરે તે આત્મપતિ ભગવાન છે. તેથી બ્રહ્મચર્યથી શરીરનું રક્ષણ કરી પતિવ્રત પાળી શિલવ્રતવાળા યોગી, બ્રહ્મચારીઓ બ્રહ્મલોકમાં જાય છે. તેથી નરનારીઓએ નિયમથી જ પ્રજાની ઉત્પતિ માટે વ્યવહાર કરી સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત કરવો. તથા અન્નપણ દેહનું જીવન છે. તેથી અન્નને બ્રહ્મ કહ્યું છે. તે અન્નથી પાંચ યજ્ઞો કરવા તે પતિવ્રતા કહેવાય છે. અન્નવસ્ત્રનું દાન સ્વર્ગ અને મોક્ષ આપે છે.
વૃદ્ધ માતા-પિતા, સાસુ, સસરા, વડીલ, ત્યાગી, વિદ્વાન તપસ્વી શ્રેષ્ટ પુરુષ ગુરુ, રાજા વગેરેનું અપમાન ન કરવું. તે પણ પતિવ્રત કહેવાય છે તે સ્વર્ગ અને મોક્ષ આપે છે. તથા રાગદ્વેષથી યુક્ત કામ, ક્રોધ, લોભ, મોહ, વાસનાવાળા મનનું સાત્વિક ભાવથી રક્ષણ કરવું. તે પણ પતિવ્રત છે. વશ થયેલું મન સ્વર્ગ અને મોક્ષ અપાવે છે તથા જ્ઞાનવિજ્ઞાન આત્મા પરમાત્માના શરીરનું જ્ઞાન કરાવનારું કૃષ્ણરૂપી અમૃત તે પણ પતિવ્રત છે. તે શાશ્વત આનંદ આપે છે તે પરબ્રહ્મ છે. તે પ્રભુની નવધાભક્તિ, શ્રવણ, કિર્તન, સ્મરણ, સેવા, અર્ચન, વંદન, દાસભાવ, સખાભાવ, આત્મનિવેદનથી શ્રીહરિકૃષ્ણ આત્મામાં દર્શન આપે છે અને પોતાના ધામમાં મૂર્તિનું સુખ આપે છે. એ રીતે લીલાવતી, મહાન વૈષ્ણવભકત દિવોદાસ રાજા પાંચ પ્રકારે પતિવ્રતાથી પૂજન કરી અંતે પ્રભુના ધામને પામ્યા.