આઠમની તિથીએ કોનું પૂજન કરવું ?
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ચૈત્ર આઠમે પાર્વતી જન્મની પૂજા આરતી કરવી. વૈશાખ આઠમે દુર્ગાપૂજા કરીને કુમારીકાઓને જમાડવી. જેઠ આઠમે શંકરની પૂજા કરવી. અષાઢ આઠમે પાર્વતી પૂજા કરવી. શ્રાવણ આઠમે દુર્ગાપૂજા કરવી. ભાદરવા આઠમે તુલસીપત્રોથી શ્રીહરિપૂજન કરવું. ભાદરવા વદ આઠમે કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ કરવો. મંડપમાં ગોપ- ગોપીઓ, નંદ-જશોદાની રચના કરીને ષોડ્શોપચારથી બાલકૃષ્ણનું પૂજન કરી નૈવેદ્ય ધરી આરતી ઉતારવી. રાત્રે જાગરણ કરી જન્મોત્સવ કરવો. ભાદરવા આઠમે રાધાજન્મની રાધાકૃષ્ણની પૂજા કરી આરતી કરી નૈવેદ્ય ધરવું તથા દુર્ગાનું પૂજન કરવું, જેથી વૈધવ્ય ન આવે. આશ્વિન આઠમે દુર્ગા પૂજા કરવી, કાર્તિક આઠમે પુત્રની ઈચ્છાવાળાએ કરકાવ્રત કરવું. કાર્તિક વદ આઠમે કંભરા ગોપાલગૃહે અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રગટ થયા તે જન્મજયંતીની આરતી કરવી. મંડપમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણની મૂર્તિ પધરાવી, શ્રી, રમા, લક્ષ્મી, માણિકી, પ્રભા, પાર્વતી શ્રીહરિની પ્રિયાઓનું સ્મરણ કરી, ઉત્સવ કરી, આરતી, નૈવેદ્ય ધરી પ્રસાદ ગ્રહણ કરવો. કાર્તિક આઠમે ગોપાલની પૂજા કરવી. માગશર આઠમે કૃષ્ણપૂજન, પોષ આઠમે પિતૃપૂજા કરવી. માઘ આઠમે પરાવિદ્યાનો પ્રચાર કરવા અનાદિશ્રીકૃષ્ણનારાયણ કાશી ગયા. નવમીએ પ્રચાર કર્યો. તેથી બે દિવસ આરતી-ઉત્સવ કરવા. ફાગણ આઠમે શિવ-પાર્વતીની પૂજા કરવી.