પૂનમની તિથીએ કોનું પૂજન કરવું ?
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ચૈત્ર પૂનમે હનુમાન જયંતીએ તેલ સિંદુર, આકડાના ફૂલથી પૂજન કરી લાડું, સુખડી, વડા વગેરે બનાવી નૈવેદ્ય ધરી, આરતી કરી, સ્તોત્રનો પાઠ કરવો. વૈશાખ અમાસે પિતૃશ્રાદ્ધ કરવા, વૈશાખ પૂર્ણિમાએ કુર્મજયંતિનો ઉત્સવ કરવો. મગજ, દૂધપાક ધરી આરતી કરવી. જેઠ પૂનમે વટસાવિત્રી વ્રત કરી દોરાથી પીપળાને એકસો આઠ પ્રદક્ષિણા કરવી. જગતમાતા સાવિત્રીની પૂજા કરવી. ત્રણ દિવસ બીલ્વપત્રોથી શંકરની પૂજા કરવી. બીલ્વપત્રો ખાવા, દાન દેવા, વૃક્ષ નીચે સૂવુ. તે વ્રત કરનારો કૈલાશમાં જાય છે. અષાઢ પૂનમે વ્યાસ સ્વરૂપ ગુરુનું પૂજન કરવું. અબિલ, ગુલાલ, કંકુ, ચોખા, ચંદન, કેશર, તુલસી, પુષ્પહારથી પૂજા કરી, આરતી ઉતારી, દંડવત્ પ્રણામ કરી, મિષ્ટાન્ન જમાડવા. પછી સોનું, ચાંદી, રૂપિયા, વસ્ત્ર, આભૂષણો, વાડી, ખેતર વગેરેના દાન આપવા. ગુરુ સ્વયં હરિ છે. મોક્ષને માટે ગુરુની સેવા કરવી. જેણે ગુરુની પ્રસન્નતા પ્રાપ્ત કરી તેણે પુણ્ય, વ્રત, સુખ, જ્ઞાન, મોક્ષ સર્વે પ્રાપ્ત કર્યું.
શ્રાવણ પૂનમે કોકીલા વ્રતે પાર્વતી પૂજન કરવું. સૌભાગ્ય માટે ભાદરવી અમાસે પિતૃશ્રાદ્ધ કરવા. પૂનમે ઉમા-મહેશ્વરનું પૂજન કરવું. આશ્વિન અમાસે પિતૃશ્રાદ્ધ કરવા. હરિકૃષ્ણ પ્રભુને કૃષ્ણનારાયણ લક્ષ્મીને નૈવેદ્ય ફળો અર્પણ કરવા, આશ્વિની પૂનમે રાત્રે રાસલીલાનો ઉત્સવ, વાજીંત્રો સાથે કરવો. ગોપીઓ સાથે રાધાકૃષ્ણની મૂર્તિ કરવી, વસ્ત્ર અલંકાર ધારણ કરાવી, દૂધ-પૌવા, સાકર, પેંડા ધરાવવા, આરતી કરવી. આશ્વિન અમાસે લક્ષ્મીજી રાત્રે ફરવા નીકળે છે. મારા માટે કોણ જાગે છે ? તેને હું ધન આપું. મહાલક્ષ્મીનું પૂજન કરનારાને સંપત્તિ મળે છે. તેથી ષોડ્શોપચારથી શારદાપૂજન કરીને નૈવેદ્ય ધરી આરતી કરવી. કાર્તિક પૂનમે મંદિરમાં દીપદાન કરવું તથા ભક્તિ દેવીનું પૂજન કરવું. માગશર પૂનમે સોનાનું દાન આપવું. પોષ પૂનમે સર્વે ઔષધીથી સ્નાન કરવું. જેથી અમંગલ સર્વે નષ્ટ થાય. માઘ પૂનમે ઠંડા જળથી સ્નાનનો આરંભ થાય છે. ફાગણ પૂનમે નરનારાયણ જન્મોત્સવ કરવો, વાજીંત્રો સાથે કીર્તનો, ધૂન કરવાથી મોક્ષ થાય છે.