ભાગ · અધ્યાય ૩૦૬

પુરુષોત્તમ માસની સુદ ચૌદશની તિથીની પૂજનવિધિ - શ્રી માણિકી અને લક્ષ્મી પુરુષોત્તમ નારાયણની પત્નીઓ થઇ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, વૈકુંઠમાં કલ્પવૃક્ષની પુત્રી શ્રી તથા વિભૂતિની પુત્રી માણિકી, ક્ષીર સમુદ્રની પુત્રી લક્ષ્મી. આ ત્રણ કન્યાઓ, કુમારીઓ શ્રીહરિમાં ભક્તિવાળી હતી. સદા શ્રીહરિની સેવાભક્તિ કરતી હતી. ત્રણે કુમારીઓની ભક્તિ જોઇને માતા-પિતાએ આશિર્વાદ આપ્યા કે, અનેક ધામોમાં પુરુષોત્તમ નારાયણની અનેક પત્નીઓ છે તમે પણ પુરુષોત્તમ નારાયણની બ્રહ્મપ્રિયાઓ થશો. અતિ પ્રેમથી શ્રીહરિને તે ત્રણે કન્યાઓ સ્નાન કરાવતી હતી. અતિ પ્રેમથી પૂજા કરીને ફળફૂલ, મેવા, મિઠાઇ, દૂધ, પેંડા વગેરે ભોજન કરાવી આરતી ઉતારતી હતી. તે ત્રણે કન્યાઓએ પુરુષોત્તમ માસની ચૌદશે પુરુષોત્તમ નારાયણનું નગારું સાંભળ્યું. પુરુષોત્તમ માસનું ચૌદશનું વ્રત કરી પુરુષોત્તમ નારાયણનું પૂજન કરો જે માગશો તે આપીશ. ફળથી, રત્નોથી, દૂધથી જે મારું પૂજન કરશે તેને વૈકુંઠ ગોલોક અને અક્ષરધામ આપીશ. નારીઓ મારી ભક્તિ કરી સ્વર્ગની દેવીઓ થાય છે. દેવીઓ મારી ભક્તિ કરી ઋષિનીઓ થાય છે. ઋષિનીઓ મારી ભક્તિ કરી ઈશ્વરાણીઓ થાય છે. ઇશ્વરાણીઓ મારી ભક્તિ કરી નારાયણીઓ થાય છે. પુરુષોત્તમ નારાયણનું કૃપા વાક્ય નગારાથી સાંભળીને શ્રી, માણિકી, લક્ષ્મી આ ત્રણે કન્યાઓ નગારાને નમસ્કાર કરીને કહે : અમે પુરુષોત્તમ માસનું ચૌદશનું વ્રત કરશું. અમને પુરુષોત્તમ નારાયણ ક્યારે મળશે ?

નગારું કહે : વ્રત કરી જાગરણ કરી પુરુષોત્તમ નારાયણની પ્રાર્થના કરજો. એમ કહી નગારું બ્રહ્માંડમાં ફરવા ગયું. તે ત્રણે કન્યાઓએ વિધિ પ્રમાણે ચૌદશનું વ્રત કરી પૂજન કરી નૈવેદ્ય અર્પણ કરી આરતી ઉતારી સ્તુતિ, નમસ્કાર કરી, જાગરણ કરી, તાલી વગાડી, પગે ઘૂઘરા બાંધી નૃત્ય કરી ગીત ગાતી હતી. અને સ્તુતિ પ્રાર્થના કરતી હતી કે, સત્ય પરમધામમાં રહેનારા ઇશ્વરોના ઇશ્વર, અનંત જ્ઞાનવાળા, અનેક આકારવાળા, શાંત પાપોને બાળવામાં સૂર્યસમાન તેજસ્વી, બ્રહ્મના મહાઆનંદવાળા, એવા હે પરમેશ્વર અમે તમને વંદન કરીએ છીએ. ચરણકમળ જેના અક્ષરમુક્તોથી સેવાયેલા છે. ચૈતન્ય અમૃતધામમાં વિરાજમાન એવા મુક્તોને અમૃતસમાન સુખ આપનારા. અનેક ઇશ્વરોએ પૂજેલા એવા હે પુરુષોત્તમ અમે તમને વંદન કરીએ છીએ. અનેક ધામોના પતિ એવા હે પુરુષોત્તમ નારાયણ તમે અમારો કર ગ્રહણ કરો અને તમારી પત્ની કરી અક્ષરધામમાં રાખો. હે પ્રભુ અમારી પર કૃપા કરો.

ત્રણે કન્યાઓની અતિ સ્નેહની સ્તુતિ પ્રાર્થના સાંભળી સર્વે કારણના કારણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ શ્વેત હાથી સાથે દિવ્ય વિમાન લઇને આકાશમાં પ્રત્યક્ષ દેખાયા. વૈકુંઠમાં ત્રણે કન્યાઓને દર્શન આપી આશ્વાસન આપ્યું. કલ્પવૃક્ષ, ક્ષીરસમુદ્ર, દિવ્ય વિભૂતિ, આ ત્રણે પિતાઓએ પોતાની ત્રણે કન્યાઓને વિધિ પૂર્વક પુરુષોત્તમ નારાયણને આપી. પુરુષોત્તમ નારાયણે ત્રણે કન્યાઓના પાણી ગ્રહણ કર્યાં. પુરુષોત્તમ નારાયણ, શ્રી, માણિકી અને લક્ષ્મીના બે બે સ્વરૂપો કરીને એક સ્વરૂપ વૈકુંઠમાં રાખ્યું અને બીજું સ્વરૂપ અક્ષરધામમાં રાખ્યું. આ રીતે પુરુષોત્તમ માસની ચૌદશનું વ્રત કરીને શ્રી, માણિકી અને લક્ષ્મી પુરુષોત્તમ નારાયણની પત્નીઓ થઇ. આ અધ્યાયની કથા વાંચશે, સાંભળશે તેના પણ સર્વે મનોરથ પૂર્ણ થશે.