ભાગ · અધ્યાય ૨૫૪

શ્રાવણ વદની કામિકા એકાદશી - કામદેવ પત્ની રતિની કથા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, શ્રાવણ વદ કામિકા એકાદશીની કથાવ્રત વિધિ કહું. બ્રહ્મ મુહૂર્તમાં જાગી શ્રીહરિનું ધ્યાન કરી, સ્નાન કરી, શ્રીકૃષ્ણનું ષોડ્શોપચારથી પૂજન કરવું. નૈવેધ ધરી, આરતી કરી દંડવત નમસ્કાર કરીને વ્રત પૂર્ણ માટે પ્રાર્થના કરવી. તુલસીપત્રથી પૂજન કરવાથી સુવર્ણ-ચાંદીના દાન કરતા ચારગણું ફળ થાય છે, અનેક પાપોનો નાશ થાય છે, તથા ઉભય મુખી ગાયનું દાન કરવાથી અક્ષય ફળ થાય છે. એકાદશીએ અખંડ દીપ દાનથી અક્ષય પુણ્ય થાય છે.

પૂર્વે ધર્મરાજાએ શ્રવણ નામે પુત્રોને કામ સોંપ્યું. મનુષ્યોના કર્મ જોઇને અહીં કહેજો. પણ પિતૃઓ જોઇ શકતા નથી, સાંભળતા નથી, કઇ રીતે સમાચાર આપે. ધર્મરાજાએ કહ્યું, તમે કામિકા એકાદશી વ્રત કરજો એટલે સર્વે સિદ્ધિ પ્રાપ્ત થશે. તે વ્રત કરવાથી ધર્મરાજા પ્રસન્ન થઇને કહે : તમે જીવાત્માના સુક્ષ્મ કર્મને જાણી શકશો. તે શ્રવણદેવો બાર અનેક સ્વરૂપ ધારણ કરી, સર્વે જોઇ સાંભળી, તે કર્મ સમાચાર ચિત્રગુપ્ત લેખકને પહોંચાડે છે. પૂર્વે શંકરે કામને ભસ્મ કર્યો ત્યારે તેની પત્ની રતિએ શંકરને પ્રાર્થના કરી, સ્ત્રીઓની શાંતિ માટે તથા મારા વિધવાપણાનો નાશ કરવા મારા પતિ કામદેવને સજીવન કરો. શંકર પ્રસન્ન થઇ કહે : કામિકા એકાદશી વ્રત કરી શ્રીકૃષ્ણનું પૂજન કરજે તેથી તારા પતિ કામદેવ સજીવન થઇ પ્રદ્યુમ્નરૂપે મળશે. તને અને જગતને સુખ કરશે. સર્વે દુ:ખોને નાશ કરનારું, સર્વે સંકલ્પ પુરું કરનારું તથા મુક્તિ આપનારું કામિકા વ્રત છે. આ એકાદશીની કથા વાંચશે, સાંભળશે તે પણ અશ્વમેઘ યજ્ઞના ફળને પામશે.