ભાગ · અધ્યાય ૪૫૩

નંદી ગામની ગણિકા પ્રભુભક્તિથી ધામને પામી

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે નંદી ગામમાં ગણિકા ભગવાનની ભક્તાણી હતી. પ્રભુનું પૂજન જપ, તપ, વ્રત, કરતી. એકવાર એને ત્યાં વણિક આવ્યો. તેણે સુવર્ણ કંકણ પહેર્યું હતું. ગણિકા કહે, આ કંકણ તો મને શોભે એવું છે. શેઠ કહે, તું કંકણના બદલામાં શું આપે ? ગણિકા કહે, ત્રણ દિવસ સુધી તમારી પત્નીની રીતે રહું, અમારો ગણિકાનો આ નિયમ છે. પુરુષને પતિ વિષ્ણુ માની બેસવું, સ્વર્ગમાં અપ્સરાઓનો આ નિયમ ધર્મ છે. શેઠ ગણિકા માટે સંમત થયા. ગણિકા પણ ત્રણ દિવસ તેની પત્ની થવા તૈયાર થઇ. બીજે દિવસે અકસ્માત અગ્નિ લાગ્યો. ઘરમાં રહેલી સર્વ સામગ્રી બળી ગઇ. ઘરમાં રહેલ હરિહરની મૂર્તિ, મંદિર, પૂજા, સર્વે ભસ્મ જોઇને વણિકને દુ:ખ થયું અને તે આઘાતથી મરણ પામ્યો.

ગણિકા કહે, નિયમથી હું તેની ત્રણ દિવસની ધર્મપત્ની હોવાથી મારે ધર્મની ચિતામાં અગ્નિમાં પ્રવેશ કરી બળી મરવું જોઈ. એમ વિચારી સર્વે ના પાડવા છતાં “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણને સ્વાહા” એમ ભજન કરતી જ્યાં ચિતામાં પ્રવેશ કર્યો ત્યાં શ્રીહરિ પ્રગટ થઈ ગણિકાનો હાથ પકડી લીધો અને બોલ્યા, તે સત્યધર્મનું પાલન કરીને ભક્તિ કરી છે. તેથી મે કૃષ્ણ પોતે વણિકરૂપે આવી અગ્નિ પ્રગટ કરી તારી પરીક્ષા કરી છે. બોલ તારે શું જોઇએ ? ગણિકા કહે, પ્રભુ તમારી ચરણસેવા ભક્તિ વિના કાંઈ નથી જોઇતું. શ્રીહરિ કહે, મારી પ્રસન્નતાથી તમે આવતે જન્મે કાશ્મીરના રાજા અને પ્રધાન થશો. રાજ્ય કરી ભક્તિ કરી અંતે દેહ ત્યજીને મારા અક્ષરધામને પામશો. આ રીતે ગણિકા પણ પ્રભુ ભજનથી ધામને પામી.