પુરુષોત્તમ માસની વદ પાંચમની તિથીની પૂજનવિધિ - વસુધાન રાજા અને રાધ્યાસા રાણી કુબેર-કુબેરાણી થયા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે કલ્પમાં વસુધાન રાજા અને રાધ્યાસા રાણી મહાદેવના મહાન ભક્ત હતા. હંમેશાં મહાદેવને પંચામૃતથી સ્નાન કરાવી, ષોડ્શોપચારથી પૂજન કરી, આરતી કરી, સાકર, નૈવેદ્ય ધરી, સ્તુતિ કરતા હતા, રોજ સાધુ-બ્રાહ્મણોને ભોજન કરાવી દાન આપતા હતા તથા યજ્ઞો કરીને દાન આપતા. તેના રાજ્યમાં કૃષ્ણ વિના ઉત્સવ થતા નહીં. શંકર વિના કીર્તન થતા નહીં. રાજાએ રાજ્યમાં સર્વે પુજારીઓને કહ્યું કે, સર્વે શિવાલયોમાં રોજ શિવ-પાર્વતીની પૂજા ષોડ્શોપચારથી કરી, ઘીનો દીવો અખંડ રાખવો અને સર્વે પ્રજાને આજ્ઞા કરી જે કોઇ શંકરના દર્શન કર્યા વિના રહેશે તેનો શિરચ્છેદ કરવામાં આવશે. રાજા-રાણી રોજ દરેક શિવાલયોમાં દર્શન કરી પછી ભોજન લેતા. એક દિવસ દર્શન કરી જમવા બેઠા ત્યાં શંકર પાર્વતી ભિક્ષુક રૂપે આવ્યા. રાજાએ જમવાનું આપ્યું. શંકર પાર્વતી કહે : ભગવાનને અર્પણ કર્યા વિના અમે જમતા નથી. અમે વૈષ્ણવ છીએ. આ ભોજનમાં તુલસીપત્ર નથી. વૈષ્ણવોએ પ્રભુને અર્પણ કર્યા વિના જળ પણ ગ્રહણ ન કરવું. તમે રાજા-રાણી પૂજા ભોજન દીવા કરો છો તે અમે જોઇએ છીએ પણ ગ્રહણ કરતા નથી. આત્મનિવેદી ભક્તનો તે ધર્મ છે કે, જડચેતન જેટલું પોતાનું છે તેટલું ભગવાનને અર્પણ કરીને અને ગ્રહણ કરે. પોતાના ઘર, પશુ-પક્ષી, વાહન સર્વેને શ્રીહરિનો મંત્ર આપી કંઠી બાંધવી. જડચેતન સર્વેને વૈષ્ણવ ચિહ્નવાળા કરવા. અમારા કૈલાસ ધામમાં વૈષ્ણવ ચિહ્ન વિનાનું કોઇ નથી. તે પરબ્રહ્મના તેજમાંથી હું પ્રગટ થયેલો છું. તેથી રાજા તું અષ્ટાક્ષર મંત્ર ગ્રહણ કરી વૈષ્ણવ થા, એમ કહી શંકરે રાજાને કૃષ્ણનારાયણનો મંત્ર આપ્યો. પાર્વતીએ રાણીને મંત્ર આપ્યો. તુલસીકંઠી બાંધી અને તિલક ચાંદલો કર્યાં. શિવપાર્વતી આશિર્વાદ આપી અદૃશ્ય થયા. રાજા-રાણી શંકરની આજ્ઞાથી શ્રીકૃષ્ણનારાયણની ભક્તિ કરવા લાગ્યા. ત્યાં પુરુષોત્તમ નારાયણનું નગારું સાંભળ્યું. દેવો, માનવો સર્વે સાંભળો. પુરુષોત્તમ માસની વદ પંચમીનું વ્રત કરી પુરુષોત્તમ નારાયણનું પૂજન કરશે તે આલોકમાં તથા પરલોકમાં ઇશ્વરપદ પ્રાપ્ત કરશે. એ હું શ્રીહરિની આજ્ઞાથી જાહેર કરું છું.
પંચમીના એક જ દિવસના વ્રતથી રાજધાની, સામ્રાજ્ય, ઈન્દ્ર, સૂર્ય, ચંદ્રપદ, બૃહસ્પતિ, કુબેરપદ જે ઈચ્છશે તે મળશે. રાજા-રાણી પુરુષોત્તમ નારાયણનું વચન નગારાથી સાંભળી નગારાને નમસ્કાર કરીને શ્રીકૃષ્ણ પુરુષોત્તમ નારાયણની સુવર્ણની મૂર્તિ બનાવી, પંચામૃતથી સ્નાન કરાવી, ષોડ્શોપચારથી પૂજન કરી, વસ્ત્ર, અલંકારો ધારણ કરાવી, નૈવેદ્ય, મિષ્ટાન્ન, દૂધપાક ધરી, ધૂપ દીપ, આરતી, દંડવત્, પ્રદક્ષિણા કરી, સ્તુતિ કરી. રાત્રે જાગરણ કરી, ગીત-વાજિંત્ર સહિત નૃત્ય કરતા હતા. ત્યાં પુરુષોત્તમ નારાયણ સાક્ષાત્ લક્ષ્મીપતિ, શ્રીપતિ, રાધિકાપતિ, માણિકીપતિ, શ્રેયસી-પ્રેયસીનું પાલન કરનારા પાર્વતી, પ્રભાપતિ, જયા, લલિતા, પતિ અક્ષરાધિપતિ, મુક્તપતિ, ગોપપતિ, સર્વપતિ, અંતરાત્મા શ્રીહરિ પ્રગટ થઇ દર્શન દઇ બોલ્યા, તમે પંચમીનું વ્રત કરી મારું પૂજન કર્યું. તમે મારા વૈષ્ણવ ભક્ત થયા તેથી હું પ્રસન્ન થયો છું. બોલો શું ઈચ્છા છે ?
રાજા-રાણી પ્રભુને પગે લાગી કહે : ઇન્દ્રપદ દૈત્ય પીડા કરનારું છે. બ્રહ્માપદ સૃષ્ટિના સર્જન માનવો ઘડવા કરવા જેવું છે. માટે વૈકુંઠ જેવું હિરણ્ય સ્થાન કુબેરપદ આપો, જેથી સર્વેને સંપત્તિની જરૂર પડે અને સર્વેને હું માન્ય થાઉં. શ્રીહરિ તથાસ્તુ કહી અદૃશ્ય થયા. સમય જતા રાજા-રાણીના શરીરો પડી ગયા, અને રાજા કુબેર થયો, રાણી કુબેરાણી થઇ. બ્રહ્માના પિતા વૈરાટ, તેના પિતા મહાવિષ્ણુ, તેના પિતા ભૂમાનારાયણ, તેનો કૌશાધ્યક્ષ કુબેર. આવું મહાનપદ હે લક્ષ્મી, મારા વિના કોણ આપે તેથી પુરુષોત્તમ માસની વદ પંચમીનું વ્રત કરી. મારું પૂજન કરશે તે સર્વે સિદ્ધિને પામશે. જે જનો આ પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય વાંચશે, સાંભળશે તે પણ તેવા જ ફળને પામશે.