ભાગ · અધ્યાય ૪૫૭

સહસ્ત્રાર્જુન રાજાનો નાશ - પતિવ્રતા મનોરમાનું આખ્યાન

પરશુરામ કહે : રાજા, તે દત્તાત્રેયનો શિષ્ય થઈને જમદગ્નિ ઋષિ બ્રાહ્મણની હત્યા કરી. તારી કિર્તી હતી, તે હવે અપકિર્તી થશે. તે કરેલાં ઘોર પાપનું ફળ તને હમણાં જ બતાવું છું. સહસ્ત્રાર્જુન રાજા કહે, તું શ્રીહરિનો અંશ છો અને બ્રાહ્મણ છો માટે તું યુદ્ધ કરવા યોગ્ય નથી. બ્રહ્મનું ચિંતન કરે તેને બ્રાહ્મણ કહેવાય છે. તપ કરી સહનશીલ તેજસ્વી તે બ્રાહ્મણ કહેવાય. ક્ષત્રિય રાજર્ષિ છે. તેથી રાગથી અંધ થઇને ગાય માંગી તો તારા પિતા એ મારા સૈન્યોનો નાશ કર્યો. તેથી મેં તારા પિતાનો વધ કર્યો. પણ તું તો બ્રાહ્મણ પૃથ્વીને નિક્ષત્રિય કરવા તૈયાર થયો છે. રાજાના આવા વચનોથી પરશુરામ કહે, મેં તારા જેવા અધર્મીનો નાશ કરવા પ્રતિજ્ઞા લીધી છે.

રાજાના આવા વચનોથી પરશુરામે ક્રોધ પામી બાણો છોડ્યા પણ રથ પર બેઠેલી સહસ્ત્રાર્જુન રાજાની પત્ની પતિવ્રતાના પ્રભાવથી બાણો સ્વયં કપાણા પછી પરશુરામના ચાર ભાઇઓ તથા શિષ્યો રાજાના સૈન્યોનો નાશ કરતા હતા. રાજાએ ફેકેલા દિવ્ય અસ્ત્રોને મુનિઓ કાપી નાખતા હતા. પછી પરશુરામ ત્રિશુળ ફેંકતા હતા. ત્યાં આકાશવાણી થઈ. રાજાએ શિવનું દિવ્ય કવચ પહેર્યું છે. તેથી ત્રિશૂળ નિષ્ફળ જશે. જેથી પરશુરામે યતિનું રૂપ લઇ દિવ્ય કવચ માંગી લીધું. પછી પરશુરામે બાણથી રાજાને મૂર્છિત કર્યા. રાણીએ પતિવ્રતાથી રાજાને જાગ્રત થવા કહ્યું. રાજા તરત બેઠો થયો. પછી રાણીએ રાજાને કાંડે લક્ષ્મીકવચ બાંધ્યું. ત્યાં પરશુરામ કુહાડી લઈ મારવા આવ્યા. ત્યાં વિષ્ણુ ભગવાને કહ્યું. રાજાને કાંડે કવચ છે. તેથી તે મરશે નહીં.

વિષ્ણુ ભગવાન બ્રાહ્મણ રૂપે રાજા પાસે આવી કવચની ભિક્ષા માંગી. રાણીએ ના પાડવા છતાં રાજાએ કવચ છોડી નાખ્યું. વિષ્ણુ ભગવાને પરશુરામને કવચ આપ્યું પછી પરશુરામે શંકરે આપેલા પાશુપત શસ્ત્રથી સહસ્ત્રાર્જુન રાજાનો નાશ કર્યો અને રાજાની નગરી માહીસ્મતી બ્રાહ્મણોને દાનમાં આપી દીધી. એવી રીતે વિષ્ણુના અંશરૂપ પરશુરામે એકવીસ વાર પૃથ્વી પર ફરીને અધર્મી ક્ષત્રિયોનો નાશ કરી સર્વે પૃથ્વી બ્રાહ્મણોને દાનમાં આપી દીધી પછી પરશુરામથી ભય પામેલી કેટલીક ક્ષત્રિયાણીઓ ગર્ભવાળી હોવાથી હિમાલયની ગુફાઓમાં વાસ કર્યો. તેનાથી ફરી ક્ષત્રિયો આ પૃથ્વી પર થયા પછી પરશુરામે તે ક્ષત્રિયોના લોહીના કુંડથી માતાપિતાને શ્રદ્ધાંજલિ આપી પછી અન્નજળનું શ્રાદ્ધ કરી ભોજન કરાવ્યું. પછી પરશુરામ પ્રતિજ્ઞા પુરી કરી શંકરને પૂજવા કૈલાસમાં જતા દરવાજે ગણેશે અટકાવ્યા. પરશુરામે ક્રોધથી ગણેશનો એક દાંત ખેચી લીધો તેથી ગણેશ એકદંત કહેવાયા. પરશુરામે શિવ-પાર્વતીની પૂજા કરી મહેન્દ્ર પર્વત પર તપ કરવા ચાલ્યા ગયા. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, આ તને સહસ્ત્રાર્જુન રાજાની રાણી પતિવ્રતા મનોરમાનું આખ્યાન કહ્યું તેને જે વાંચશે સાંભળશે તે સર્વે ભુક્તિ અને મુક્તિ પામશે.