વિષ્ણુ દ્વારા વૃંદાના પતિવ્રતા ધર્મનો ભંગ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, જાલંધરનું જે બળ હતું તે વૃંદાના પતિવ્રતા ધર્મનું હતું. વિષ્ણુ ત્યાં ગયા. સાધુરૂપે બગીચામાં વાસ કરીને વૃંદાને સ્વપ્નમાં દૂષ્ટ, અપશુકનો બતાવ્યા. જાલંધરનું માથું હાથ-પગ કપાઇ ગયેલા જોયા. સવારે જાગીને વિપ્રને પૂછ્યું. વિપ્ર કહે : અનિષ્ટ થશે. ત્યાં જમણું અંગ ફરકવા લાગ્યું. વિષ્ણુએ પ્રેરણા કરી એટલે વૃંદા બે સખી સાથે બગીચામાં આવી. વિષ્ણુની માયાથી બે સિંહ આવ્યા. વૃંદા ભય પામી સાધુ પાસે આવી. સાધુએ હુંકારો કર્યો સિંહ જતા રહ્યા. વૃંદા સાધુને કહે : તમે મારું રક્ષણ કર્યું હે મહાપુરુષ જો તમે જાણતા હો તો કહો : અત્યારે યુદ્ધમાં મારા પતિની કેવી સ્થિતિ છે. તેનો જય થશે કે પરાજય. સાધુ કહે : હું ભારદ્વાજ ઋષિનો પુત્ર છું. ત્રિકાળદર્શી છું. તારા પતિનું સ્વાસ્થ્ય અને મૃત્યુ બેય પરલોક સ્વર્ગમાં ગયા. સાંભળીને વૃંદા અતિ રોવા લાગી. અરે મેં, તેમને યુદ્ધમાં જવાની ના પાડી હતી. મારું સર્વ નષ્ટ થયું. એમ કહીને વૃંદા પોતાના શરીરમાંથી અગ્નિ પ્રગટ કરી બળવા તૈયાર થઇ. ત્યાં સાધુ એ ધીરજ આપી કહે : તારા પતિને હું જીવાડીશ. વિષ્ણુએ કપટ કરીને જાલંધર બનીને વૃંદાને બતાવ્યો.
વૃંદા પતિને જોઇને આનંદ પામી આલિંગન કર્યું. જાલંધર રૂપે રહેલા વિષ્ણુએ કહ્યું, દેવી શંકરે મારું માથું ચક્રથી કાપી નાખ્યું હતું. પણ આ સાધુએ મંત્રથી તારા સતિત્વથી મને જીવતો કર્યો. એમ કહીને મહાવિષ્ણુએ વૃંદાનું વ્રત ભંગ કરવા તેની સાથે રતિક્રીડા કરી. તેથી જાલંધરનું બળ ક્ષિણ થયું. વિષ્ણુએ ગરૂડને યુદ્ધમાં જોવા મોકલ્યો જાલંધર મર્યો કે નહીં. ગરૂડ સમાચાર લાવ્યો. હજુ સુધી મર્યો નથી. તે સાંભળીને ગરૂડ અને ચતુર્ભુજ વિષ્ણુને જોઇને વૃંદા ક્રોધ કરી કહે તમે ધર્મપુત્ર શ્રીહરિ થઇને અધર્મ કર્યો. તેથી તમારી પત્નીને રાક્ષસ હરી જશે. પત્ની દુ:ખથી વાંદરાની સહાય લેવી પડશે. તમારી શય્યા, શેષને તે સર્પ સાથે તમારે વનમાં ભટકવું પડશે. વિષ્ણુ શાપ ગ્રહણ કરી અદૃશ્ય થયા. વૃંદા સખીને કહે : મારું સતિપણું વિષ્ણુએ ભંગ કર્યું. હવે મારો પતિ જીવતો નહીં રહે. એમ કહીને સરોવરમાં સ્નાન કરી. પદ્માસનવાળી મનને સ્થિર કરી ધ્યાન કરી, ચિતા ખડકી, અગ્નિ પ્રગટ કરી તેમાં બળીને ભસ્મ થઇ. તે ભસ્મમાંથી તુલસી વન થયું. મહાવિષ્ણુનું ધ્યાન કરતી તે તુલસી વિવાહ વિધિથી ફરીથી વિષ્ણુને પામી. વિષ્ણુ ઈચ્છાથી તુલસી વૃક્ષરૂપે થઇ. આ રીતે ગોલોકમાં રાધાજી સાથે ઇર્ષ્યા કરવાથી વૃંદા કાળનેમીની પુત્રી થઇ અને જાલંધરને પરણી અને જાલંધરનો નાશ કરવા વિષ્ણુએ વૃંદાનું પતિવ્રતા વ્રત ભંગ કર્યું. અંતે જેવી વૃતિ હોય તેવી ગતિ થાય છે. તે રીતે અંતે વૃંદા તુલસી વૃક્ષરૂપે વિષ્ણુને પામી.