પાર્વતીના પુત્રપ્રાપ્તિ માટે વ્રત-નિયમ
આ અધ્યાય 95–96 સંયુક્ત છે
શંકરે કહ્યું : માઘ સુદી તેરસથી આરંભ કરી એક વર્ષ સુધી એક ટાણું ભોજન કરી માઘ સુદી બારસે પૂર્ણ કરવું. પછી વિદ્વાન વિપ્રને બોલાવી અથવા મંદિરમાં ઉદ્યાપન મંડપ પુરવું. તથા શક્તિ પ્રમાણે સાધુ-સાધ્વી, બ્રાહ્મણ, બાળકોને જમાડી દાન આપવા. વ્રતના નિયમમાં હંમેશાં સૂર્યોદય પહેલાં જાગી સ્નાનશુદ્ધિ કરી શ્રીહરિની પૂજા કરવી તથા એક વર્ષના વ્રત્તમાં બ્રહ્મચર્યનું પાલન કરવું. તો મહાન ભગવદ્ ભક્ત પુત્ર થાય. એ રીતે પાર્વતીએ વ્રતનો આરંભ કર્યો.
શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી, આ વ્રત પૂર્વે બ્રહ્માના પુત્ર મનુ રાજા તેની રાણી શતરૂપાએ કર્યું તેથી પ્રિયવ્રત ઉતાનપાદ પુત્રો થયા. ઉતાનપાદના પત્ની સુરુચીએ આ વ્રત કરી ધ્રુવપુત્ર પ્રાપ્ત કર્યો. દેવહુતિએ કપિલ ભગવાનને પ્રાપ્ત કર્યા. અદિતીએ વ્રત કરવાથી વામન ભગવાનને પુત્રરૂપે પ્રાપ્ત કર્યા. કંભરાલક્ષ્મીએ વ્રત કરી પુત્ર કૃષ્ણવલ્લભને પ્રાપ્ત કર્યા. પછી પાર્વતી સનત્કુમારને બોલાવી પૂજા સામગ્રી તૈયાર કરી. તે સમયે બ્રહ્મા સાવિત્રી સાથે આવ્યા લક્ષ્મીનારાયણ આવ્યા. શંકર પણ ધ્યાન તજીને ત્યાં આવ્યા. અનેક ઋષિ મુનિ આવ્યા. લોમશ મહાશ્વેતાયન વ્યાસ સ્વયંપ્રકાશ નરનારાયણ વગેરે આવ્યા. પાર્વતીએ બધાને જમાડ્યા, પૂજા કરી, દાન-દક્ષિણાઓ આપી. સર્વેએ આશીર્વાદ આપ્યા ‘પુત્રવતી ભવ’. તે સમયે શ્રીહરિએ દર્શન આપી પાર્વતીને કહ્યું, તમને બે પુત્રો થશે. એક પુત્ર તારકાસુરનો નાશ કરનારો સ્કંદ કાર્તિક સ્વામી બીજો પુત્ર સર્વમાં અગ્ર પૂજ્ય ગણેશ થશે. ત્યારે પાર્વતી શ્રીહરિના સ્વરૂપમાં પોતાના બન્ને પુત્રોનું દર્શન કરતા હતા.