પતિવ્રતા ત્રિવેણીએ ભરતરાજાનો અદ્ભુત સત્કાર કર્યો
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, તીર્થરાજ પ્રયાગમાં, ગંગા, યમુના, સરસ્વતી, ત્રિવેણી સંગમને કાંઠે, ભરદ્વાજ ઋષિએ લાખ વર્ષ તપ કર્યું ત્યારે એકવાર બ્રહ્મા કુંભસ્નાન કરવા આવ્યા. ત્યાં તેજસ્વી ભરદ્વાજ ઋષિને પોતાની માનસી કન્યા ત્રિવેણી અર્પણ કરી. ઋષિ પણ તેની સેવાથી પ્રસન્ન થયા. ત્રિવેણી પતિની સેવાથી પ્રસન્ન રહેતી. એકવાર અયોધ્યાના ભરત પ્રયાગમાં ત્રિવેણીમાં સ્નાન તીર્થ કરવા ત્યાં આવ્યા. ભરદ્વાજ ઋષિએ રાજાનો આદર સત્કાર કરી પૂછ્યું. એકલા કેમ આવ્યા. ભરત કહે, હાથી, ઘોડા, ઊટ અધિકારી સર્વે છે પણ ગુરુને આશ્રમમાં આ સર્વે શાંતિનો ભંગ કરશે. તે પશુઆશ્રમને નુકશાન કરે તેથી દૂર રાખીને તમારા દર્શને આવ્યો છું.
ભરદ્વાજ ઋષિએ આજ્ઞા કરી કે, તારા સર્વે અધિકારીઓને તથા હાથી, ઘોડા તે અહીં આશ્રમમાં લાવ. મારે સર્વેનો સત્કાર કરવો છે. એમ કહી પોતાની પતિવ્રતા પત્નીને આજ્ઞા કરી. તારા પ્રભાવે અહીં સર્વે રહેવાનું, ખાવાનું, પીવાની સુવિધા કરી આપ. ત્યારે ત્રિવેણીએ પતિવ્રતાના પ્રભાવથી વિશ્વકર્મા પાસે પાંચ યોજનમાં મંડપ બનાવ્યો. તેમાં ભક્ષ્ય ભોજન, લેહ્ય, શાકાદી, દ્યુતાદી વગેરે જમવાના તથા સ્વર્ગથી ગાંધર્વો, અપ્સરાઓ વગેરે બોલાવી નૃત્ય, ગીત, વાજીંત્ર થવા લાગ્યા. ભરતરાજા સર્વે સત્કાર પામી આશ્ચર્ય પામ્યા અને ઋષિને પૂછ્યું, આ સર્વે સમૃદ્ધિ તમારે ત્યાં ક્યાંથી ? ઋષિ કહે, એક મારા તપનાં પ્રભાવે. બીજું કારણ બ્રહ્મપુત્રી મારી પત્ની પતિવ્રતા ત્રિવેણીના પ્રતાપે છે. આ લોકમાં સતી, સાધ્વી, પતિવ્રતા ધારે તો સ્વર્ગને પણ પૃથ્વી પર લાવે અને અનેક જન્મોને પોતાના પ્રતાપથી સુખીયા કરે છે.