ભાગ · અધ્યાય ૪૨૭

બ્રહ્મા અને શ્રીકૃષ્ણે ગોપીઓને અનાદિશ્રીકૃષ્ણનારાયણના પ્રાગટ્યની વાત કહી

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન દ્વારકા વસ્યા ત્યારે અતિ શોકથી વિયોગથી ગોપીઓએ અન્નજળનો ત્યાગ કર્યો. ત્યારે પ્રભુએ તેની પાસે જઈ દર્શન આપી વિયોગ શાંત કર્યો. એકવાર સર્વે ગોપીઓ દર્શનાતુર થઈ ત્યાં સર્વેના બે સ્વરૂપ થયા. એક સ્વરૂપ ગોકુલમાં, બીજા સ્વરૂપે દિવ્યરૂપે આકાશ માર્ગે દ્વારકા આવી પ્રભુના દર્શન કર્યા. હજારો ગોપીઓને કૃષ્ણ પત્નીઓએ ભોજન કરાવ્યું. એકવાર શ્રીકૃષ્ણ રૈવતાચળ રમવા ગયા. ત્યાં ગોપીઓએ આવી દર્શન કર્યાં. ત્યાં રહેલી વનદેવીઓએ સર્વેને સુવર્ણ ચાંદીના પાત્રોમાં ભોજન કરાવ્યા. ભગવાન શ્રીહરિ તે ગોપીઓ સાથે સ્વર્ણ રેખા નદી અને નારાયણધરામાં સ્નાન કરી દર્શન સુખ આપી અતિતૃપ્ત કર્યા. પછી તે વનદેવીઓ અને ગોકુલ કન્યાઓ, ગોપીઓ કાર્તિક માસમાં મને અન્નકોટ ભોજન કરાવવાની ઈચ્છાથી સર્વે સામગ્રી નારાયણધરે લાવી. તે અન્નકોટ હું જમ્યો.

તેમાં કેશરીયા દૂધ, દૂધપાક, પુરી, રોટલી, શીખંડ, માખણ, સાકર, મગજ, મોતિયા, મોતીચૂર, મોહનથાળ, મેસુબ, સાટા, જલેબી, બુંદી, પેંડા, બરફી, જાંબુ, માલપુડા, પૂરણ પોળી, રોટલા ઘીથી ભરેલા, દહીંવડા, ભજીયા, ફૂલવડી, ગાંઠિયા, સુતરફેણી, ઘારી, અડદીયા, અમૃતપાક, જાદરીયું, સુખડી, શીરો, માનભોગ, દાળભાત, અથાણા, પાપડ, ચટણી, શાક કઠોળ વગેરે એકસો બાર વસ્તુ ભગવાનને પ્રેમથી પીરસી ભોજન કરાવી તૃપ્ત કર્યા. પછી સર્વેને પ્રસાદી આપી સુખી કર્યા. ઋષિઓને પ્રસાદ આપ્યો. નારાયણધરામાં દેવો, માછલાઓ પ્રસાદ જમ્યા. પછી સર્વે ગોપીઓએ પ્રાર્થના કરી કે, હે પ્રભુ અહીં રૈવતાચળમાં તમારી પાસે સદાવાસ આપો. ત્યાં બ્રહ્માએ આવીને ગોપીઓને કહ્યું, કળીયુગના ધર્મ દેવો મનુષ્યોને સુખશાંતિ નહીં થવા દે. તેથી ધર્મનું રક્ષણ કરવા સૌરાષ્ટ્ર અશ્વપટ સરોવર કાંઠે અનાદિશ્રીકૃષ્ણનારાયણ નામે પ્રગટ થઇ સર્વે વિદ્યા ધર્મના અધીષ્ટાતા થશે. તેમના ઉપદેશમંત્રથી ધર્મભક્તિ પુષ્ટિ પામશે. લોકો સુખી થશે. મત્સ્ય, ધ્વજ, ધનુષ, ત્રીશૂલ, સ્વસ્તિક, વ્રજ વગેરે ચિહ્નોને જોઇ ભગવાન જાણી જનો તેમનો આશરો કરશે અને મોક્ષ પામશે. એ પ્રમાણે બ્રહ્માએ સ્તુતિ કરી પછી શ્રીકૃષ્ણ ભગવાન સર્વે ગોપીઓને કહ્યું. કળીયુગનો પરાભવ કરવા હું ફરીથી સૌરાષ્ટ્રમાં પ્રગટ થઈશ ત્યારે તમને મારો યોગ થશે. ત્યાં સુધી તમે આ ગીરનારમાં તપ કરો.

ગોપીઓ કહે, પ્રભુ તમારા વિયોગમાં પાંચ હજાર વર્ષ અમે કેમ કરી રહી શકશું. ત્યારે ભગવાને કહ્યું અત્યારે તમે બ્રહ્માની સાથે સત્યલોકમાં જાવ ત્યાં તમને એક ક્ષણની જેમ સમય ચાલ્યો જશે. પછી હું જ્યારે પ્રગટ થાઉં ત્યારે તમને મારો યોગ થશે. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, આ રીતે મારામાં અતિપ્રીતિવાળી, ભક્તિવાળી પતિવ્રતા સતી સાધ્વીઓ માટે ધામની દાસીઓ, હરિપ્રિયાઓ, ગોપીઓ, મુક્તાનીઓ, ભક્તો માટે હું વારંવાર પ્રગટ થાઉં છું. આચાર્ય એવો હું સાધુરૂપે વિચરું છું. જે જનો મને ઓળખે છે, ભજે છે, તે કરોડો નરનારીઓ સુખી થશે. અને ધામમાં જશે. “ૐ અનાદિશ્રીકૃષ્ણનારાયણ પતયે નમ:” આ નામનો જપ કથા-કિર્તન શ્રવણ કરીને મારા ધામમાં જશે. મારા દર્શન સ્પર્શના યોગને પામેલી પતિવ્રતા, સતી, સાધ્વીના કોઇ દર્શન કરશે તે પણ મોક્ષમાં જશે. હે લક્ષ્મી, આ જો તને મારું રહસ્ય કહ્યું.