ભાગ · અધ્યાય ૨૫૬

ભાદરવા વદની અજા એકાદશી - હરિશ્ચંદ્ર રાજાની કથા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ભાદરવા વદ અજા એકાદશીની વૃત્તવિધિની કથા કહું. સવારમાં સ્નાન કરી જનાર્દન નારાયણનું ષોડ્શોપચારથી પૂજન કરવું. પાટલા, પુષ્પો અર્પણ કરવા, સોપારી આપવી. નૈવેધમાં ગોળના લાડુ આપવા, દાનમાં ભેંસ આપવી, બપોરે પણ હરિકૃષ્ણનું પૂજન કરી મિષ્ટાન્નો જમાડવા તથા હિંડોળામાં ઝૂલાવવા.

પૂર્વે સત્યુગમાં સરયુ કાંઠે સાકેતનગરીનો રાજા હરિશ્ચંદ્ર ધર્મિષ્ટ અતિથિ પૂજક હતો. સર્વે પ્રજા સુખી હતી. તેના રાજ્યમાં ભક્તિહીન, દાનહીન, પિતૃ સેવાહીન કોઇ ન હતો. સત્યવ્રતવાળા તે રાજાની પરીક્ષા કરવા બ્રહ્મા, ઇન્દ્ર, શંભુ, વિશ્વામિત્ર વગેરે વિપ્રરૂપે રાજા પાસે આવ્યા. રાજાએ પગે લાગી સત્કાર કરી પુછ્યું : શું ઈચ્છા છે ? વિશ્વામિત્ર કહે, રાજ્ય આપી દે. હરિશ્ચંદ્ર રાજાએ પાણી લઇ સંકલ્પ કરી રાજ્ય આપી દીધું. વિશ્વામિત્ર કહે : દક્ષિણા આપ. હરિશ્ચંદ્ર રાજા પોતે શ્વપચને ત્યાં અને પત્ની પુત્રને વિપ્રને ત્યાં વહેંચી વિશ્વામિત્રને દક્ષિણા આપી. રાજા અતિ દુ:ખી થયો, વિચારવા લાગ્યો, ક્યાં હું રાજા, ક્યાં શ્વપચનું દાસપણું, રાણી, કુંવર પણ દાસપણું કરે. પરંતુ સત્ય ધર્મથી ચલાયમાન ન થયો. ત્યાં ગૌતમઋષિ આવ્યા. રાજા પગે લાગ્યો. ઋષિ કહે, રાજા ભાદરવા વદ અજા એકાદશીનું વ્રત કરજે તેથી સર્વે દુ:ખનો અંત આવશે. હરિશ્ચંદ્ર રાજાએ અજા એકાદશીનું વ્રત ઉપવાસ કર્યો. તે પુણ્યે બ્રહ્મા, વિષ્ણુ, શંકર, ઇન્દ્રાદી દેવો-દેવીઓ સર્વે આવીને હરિશ્ચંદ્ર રાજાને આશીર્વાદ આપી કહ્યું : તારું રાજ્ય ગ્રહણ કર અને બીજું શું જોઇએ છે ? હરિશ્ચંદ્ર રાજા કહે : મારી પ્રજાને સુખી રાખો. દેવો કહે : તથાસ્તુ. પછી હરિશ્ચંદ્ર રાજા રાજ્ય પુત્રને અર્પણ કરી પત્ની સહિત સ્વર્ગમાં ગયો. ત્યાં ઘણો સમય રહીને વૈકુંઠધામમાં ગયો. આ કથાનું શ્રવણ કરવાથી અશ્વમેઘ યજ્ઞના ફળને પામશે.