ભાગ · અધ્યાય ૧૮૭

શંકર દ્વારા પાર્વતીની પરીક્ષા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સાત ઋષિએ પાર્વતીના ઉગ્ર તપની શંકરને વાત કરી. શંકર વૃદ્ધ વિપ્રનું રૂપ લઇ પાર્વતી પાસે આવીને કહે, આવું કષ્ટ કોના માટે સહન કરો છો ? પાર્વતી પગે લાગીને કહે, શિવને પ્રાપ્ત કરવા. શંકર કહે : તું તો રમા, સરસ્વતી, લક્ષ્મી જેવી છે. અને શિવ તો વિરક્ત ઘરકુટુંબ વિનાનો છે. ભસ્મ ચોળનારો, રૂપવિનાનો સર્પના ઘરેણાવાળો છે. જેના ઘરમાં સુખ નથી, એવા જંગલમાં ભટકતા શિવને વરવાની તું શું કામ ઈચ્છા કરે છે. પાર્વતી કહે : તમે વિપ્ર છો, વૃદ્ધ છો, એટલે તમને કાંઇ કહેતી નથી. પણ હવે જો શિવની નિંદા કરી તો લાકડી મારીશ. શિવ જોગી હોય કે ભોગી સગુણ કે નિર્ગુણ, કામી કે નિષ્કામી તારે શું છે. જે છે તે સર્વે મારા માટે સર્વસ્વ છે. આખું જીવન ગમે તેટલું પુણ્ય કર્યું હોય પણ જો શિવની નિંદા કરે તો સર્વે પુણ્ય બળી જાય છે. એમ કહી પાર્વતી ઊઠ્યા. ત્યાં શંકરે સોળ વર્ષના યુવાન તેજસ્વી રૂપે દર્શન આપ્યા. પરીક્ષા કરી માટે ક્ષમા માંગી. પાર્વતીને શંકરે દર્શન આપ્યા તે ગૌરીશંકર તીર્થ છે. પછી પાર્વતી શંકરને કહે : તમે મારા પિતા પાસે જઇ મારી યાચના કરો. શંકરે કહ્યું, યાચના કરવાથી પુરુષ હલકો થાય છે તેથી સાત ઋષિઓને વાગ્દાન માટે મોકલીશ.