પુરુષોત્તમ માસની વદ બીજની તિથીની પૂજનવિધિ - સર્વહુત રાજા અને ગોઋતંભરા રાણી બ્રહ્મા અને ગાયત્રી થયા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે સૃષ્ટિમાં સર્વહુત રાજા તથા ગોઋતંભરા રાણી તે બંને મારી ભક્તિપરાયણ યજ્ઞ કરનારા હતા. તે અનેક પ્રકારના દાન આપતો. તેણે જાહેર કર્યું કે, મારા રાજ્યમાં વાસ કરતા બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, શૂદ્રો, શ્વપચ વગેરે તથા બ્રહ્મચારી, વનપ્રસ્થ, ગ્રહસ્થો, સંન્યાસી સર્વેને હું અન્નનું સદાવ્રત આપું છું તથા વસ્ત્રો આપું છું તથા પાણીના પરબો કરાવ્યા છે. તેથી જેને અન્ન, વસ્ત્ર અને પાણી જે જોઇએ તે લઇ જજો. તેને માટે મેં ગામમાં, શહેરમાં, વનમાં, પર્વતમાં, નદીમાં, વાડી, ખેતરમાં, સર્વે જગ્યાએ સદાવ્રતો કરેલા છે. તથા પશુ-પક્ષી માટે પણ ઘાસચારો, અન્નકણ જે જોઇએ તે રાજ્યમાંથી લઇ જવું. સર્વહુત રાજાની કીર્તિ સાંભળી દેવો હંસનું રૂપ લઇને રાજા પાસે આવ્યા. તેજસ્વી રાજાને જોઇ દેવો આશ્ચર્ય પામ્યા. દેવીઓ પણ ગોઋતંભરા રાણીને જોઇને આશ્ચર્ય પામી. એક વખત રાણીએ રાજાને કહ્યું દેવો અને દેવીઓ આપણી પાસે આવે છે ત્યારે આપણે નીચે બેસવું પડે છે. તેથી આપણે ઊચે સ્થાને બેસી એવો કંઇક ઉપાય કરો.
રાજાએ કહ્યું, દેવી આપણે મનુષ્ય છીએ, મનુષ્યોનું સ્થાન દેવો કરતા નીચું છે. તો પણ રાણી વારંવાર રાજાને કહેતી આપણે ઊચું સ્થાન પ્રાપ્ત કરીએ. રાજાએ કહ્યું, પ્રભુએ જે આપ્યું છે એમાં સંતોષ માનવો પણ તૃષ્ણા જાજી ન રાખવી, તો જ પુણ્યના પ્રાબલ્યથી મનુષ્ય ઉચ્ચ ગતિ પ્રાપ્ત કરે છે. ત્યાં પુરુષોત્તમ નારાયણનું નગારું સાંભળ્યું. પુરુષોત્તમ માસના વદ બીજનું જે વ્રત કરશે. નિરાહાર, જલાહાર, ફલાહાર, દૂધપાન, એકટાણું, નકતભોજન કરીને જે પુરુષોત્તમ નારાયણનું પૂજન કરશે તેને જે ઈચ્છા હશે, તે પુરુષોત્તમ નારાયણ પૂરી કરશે. પૃથ્વીનું, સ્વર્ગનું, પાતાલનું, સૂર્ય - ચંદ્રનું, બ્રહ્માના સત્યલોકનું રાજ્ય પણ પુરુષોત્તમ નારાયણ આપશે. મારા માટે થોડું કરશે તેને પણ હું કૃપાથી ઘણું મહાન ફળ આપીશ. આવું પુરુષોત્તમ નારાયણનું કૃપાવાક્ય નગારાથી સાંભળીને રાજા-રાણીએ પુષ્પોથી નગારાની પૂજા કરીને પુરુષોત્તમ માસની વદ બીજનું વ્રત કર્યું. સુવર્ણની કૃષ્ણનારાયણની મૂર્તિ બનાવી, પંચામૃતથી સ્નાન કરાવી, વસ્ત્ર અલંકારો ધારણ કરાવી, ષોડ્શોપચારથી પૂજન કરી, નૈવેદ્ય, મુખવાસ ધરી, આરતી કરી, પ્રદક્ષિણા સ્તુતિ કરી. એ રીતે બપોરે, સાંજે પૂજા કરી, ભોજન કરાવીને, જાગરણ કરી, વાજિંત્રો સહિત કીર્તન ઉત્સવ નૃત્ય કરતા હતા. પછી તે રાણી-રાજાએ સિંહાસન, પલંગ, છડી, છત્ર સર્વે શ્રીકૃષ્ણને દાનમાં આપ્યા. તથા શહેરો, ભવનો, અશ્વ, વાહનો, દાસ-દાસીઓ, સર્વે પૃથ્વી દાનમાં શ્રીકૃષ્ણનારાયણને આપી દીધી. ત્યાં પુરુષોત્તમ નારાયણ પ્રગટ થઇને રાજા-રાણીને કહે : તમારા વ્રતથી દાનથી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. વરદાન માગો. રાજા-રાણી કહે : પ્રભુ કૃપા કરી અમને બ્રહ્માનું પદ આપો. પછીથી તમારું અક્ષરધામ શાશ્વત મોક્ષ આપજો. શ્રીહરિ કહે, તથાસ્તુ. શ્રીહરિ રાણીને કહે : તું પુષ્કર તીર્થમાં આયર કન્યા થઇશ અને તે અરણ્યવાસી આયરો ગોપનો ગાયત્રો રાજા થશે. તેની પત્ની ઋષિમાં તું આર્ષી ગોમતી ગાયત્રી થશે અને આ રાજા બ્રહ્મા થઇને ત્યાં પુષ્કરમાં યજ્ઞ કરશે. તે યજ્ઞમાં સર્વે દેવો ઋષિ- મુનિઓ આવશે ત્યારે બ્રહ્મા યજ્ઞનું મુહૂર્ત ચૂકાઇ જતું હોવાથી ઇન્દ્ર સાવિત્રી લાવવાનું કહેશે ત્યારે ઇન્દ્ર ગોપકન્યા ગોમતીને લાવી બ્રહ્માની પાસે બેસાડી દેશે. તેથી તે ગાયત્રીપણાને પામશે. એ રીતે સર્વહુત રાજા અને ગોઋતંભરા રાણી બ્રહ્મા અને ગાયત્રી થયા. પુરુષોત્તમ માસની કથા જે સાંભળશે, વાંચશે તે સર્વે ફળભાગી થશે.