પુરુષોત્તમ માસની સુદ પક્ષની ધામદા એકાદશી - પુંડરિક રાજાની કથા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પુરુષોત્તમ માસની સુદ પક્ષની ધામદા એકાદશીનો વ્રત વિધિથી કથા કહું. બ્રહ્મધામના પતિ અક્ષરાતીત એવા પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણનું અક્ષરા સહિત પૂજન કરવું. મુક્ત સ્વરૂપી લતા ફળ પુષ્પો અમૃતથી પૂજન કરવું. વેદ ઉપનિષદ વિદ્યારૂપી દાન આપવું. તથા દીક્ષાદાન, બ્રહ્મદાન, નિજાર્પણ, સર્વાપણ સર્વેદાનોમાં ઉત્તમ છે. તેથી સર્વે મોક્ષદાન આપનારા છે. આ એકાદશીએ મંડપ કરાવી, સાત ધાન્યોથી મંડળ પુરાવી, વચ્ચે ઘડો મૂકી, નારિયેળ, પાન મૂકી, અક્ષીરા સહિત પુરુષોત્તમનું ષોડ્શોપચારે પૂજન કરવું તથા રાધા-લક્ષ્મીનું વસ્ત્ર, અલંકારોથી પૂજન કરી અબિલ-ગુલાલ, કંકુ-ચોખા, ચંદન, ધૂપ-દીપથી પૂજન કરી નૈવેધ ધરી આરતી કરી દંડવત, પ્રદક્ષિણા કરી સ્તુતિ કરવી. હે અક્ષરાધિપતિ સદા તમારા ચરણમાં રાખજો. બારસે સાધુ- સાધ્વી, બ્રાહ્મણોને મિષ્ટાન્ન જમાડીને દક્ષિણા આપવી. વિધિ પ્રમાણે વ્રત કરનારને પ્રભુ વિમાનમાં બેસાડી ધામમાં લઇ જાય છે.
પૂર્વે સત્યુગમાં પુંડરિકરાજા વિષ્ણુભક્ત હતો. અડધો દિવસ પૂજા કરતો. એકાદશીએ આખો દિવસ પૂજા કરતો. તેની પત્ની કુમુદવતી પતિવ્રતા હતી. પતિને અર્પણ કર્યા વિના કાંઇ ખાતી નહીં. એક વખત બાગમાંથી ફળ લઇ ભૂલથી ખાઇ લીધું તેથી ધર્મભંગ થયો. તાવ આવ્યો, અતી વધી જવાથી રાજાએ ધામદા એકાદશીનું ફળ, પુણ્ય આપ્યું. તરત રાણીનો દેહ પડી ગયો. વિમાન આવ્યું. અક્ષરા સહિત પુરુષોત્તમની સાથે રાણી વિમાનમાં બેસી ધામમાં ગઇ. ધામદા એકાદશીનું વ્રત કરનારા સકામ ભક્તો સમૃદ્ધિ પામશે. નિષ્કામી ભક્તો અક્ષર પરમબ્રહ્મધામ પામશે.