મથુરામાં ગોકર્ણેશ્વરતીર્થ - અશ્વપટ સરોવરના ઘાટ પર ગોકર્ણેશ્વર મહાદેવની સ્થાપના
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સૌરાષ્ટ્રમાં શેત્રુંજી નદી કાંઠે સુભદ્ર વિપ્ર ખેતી અને વેપારીવૃત્તિથી જીવન ચલાવતો. તેની પત્ની જીવતી પતિનું પ્રિય કરનારી હતી. ઘણો સમય જવા છતાં સંતાન ન થવાથી પત્ની પિતાને ઘેર કુંકુમવાપી આવી. તેના પિતાએ કહ્યું તું શ્રીકૃષ્ણનારાયણને પ્રાર્થના કર. પત્નીવ્રતે કૃષ્ણના મંદિરમાં જઇને પ્રાર્થના કરી. હે અનાદિશ્રીકૃષ્ણનારાયણ જીવતીના ભાગ્યમાં સંતાન સુખ નથી. પ્રાર્થના સાંભળી, પ્રભુ કહે : કંભરા મહાલક્ષ્મીના આશિર્વાદથી પુત્ર થશે. મથુરાના ગોકર્ણેશ્વર તીર્થથી પુત્ર લાભ ફળ થશે. સ્નાન કરી દીપમાળા પુરજે. તેથી તને પુત્ર થશે. જીવતીએ તેના પતિ પાસે જઇ આ વાત કરી. પતિ-પત્ની ચૈત્રી દશમે યમુનામાં સ્નાન કરી ગોકર્ણેશ્વર શંકરને નમન કરી, સવારમાં સ્નાન કરી પૂજા કરી.
શંકર પ્રસન્ન થઇને કહે : તમારે રૂપ ગુણવાળો પુત્ર થશે. પછી બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપી. મથુરા મંડળની યાત્રા આખી કરીને ઘેર આવ્યા. દશમે માસે જીવતીને પુત્ર થયો. દાન આપ્યા. ગોકર્ણ નામ પાડ્યું. યુવાન થયો પરણાવ્યો. ચાર પત્ની હોવા છતાં પુત્ર નહીં થવાથી ગોક્ષુર પતન ગોખરવાળા પાસે ગોકર્ણેશ્વર શંકરની સ્થાપના કરી ત્યાંની પૂજા કરતા. એકવાર સંઘ સાથે રૈવતાચળની યાત્રાએ આવ્યો. ત્યાં સ્વર્ણ નદી પાસે ગુફામાં પાંજરામાં પોપટ બોલ્યો આવો ભૂદેવો. ફળો જમો, જે અતિથિનું સન્માન કરે છે, તેના પિતૃઓ સ્વર્ગમાં સુખ ભોગવે છે. જે અતિથિને કાંઇ આપતો નથી. આશા ભંગ કરે છે. તેના પિતૃઓ નરકમાં જાય છે. આવું પોપટનું નીતિવાક્ય સાંભળી, ગોકર્ણ કહે : તું પોપટરૂપે દેવ છો કે ઋષિ ? પોપટ કહે : પૂર્વે હું વામદેવનો શિષ્ય શુક્રોદર હતો. વારંવાર ગુરુને પ્રશ્ન કરતો, તર્ક કરતો, તેથી ગુરુ ક્રોધથી કહે, જા પોપટ થા. પછી મને કહ્યું, મથુરામાં તારું મરણ થશે અને ધામમાં જઇશ. ગોકર્ણ કહે : રૈવતાચળ સમાન કોઇ તીર્થ નથી તો આ સ્થાન તજીને મથુરા શું કામ જવું તે કહે. પોપટ કહે : ત્યાં મરણ થવાથી મુક્તિ થાય છે. ત્યાં બ્રહ્મસુરી ઋષિ આવ્યા. ગોકર્ણે પોપટને પુત્રની જેમ માગ્યો, ઋષિએ આપ્યો. ગોકર્ણ પોપટને લઇને ગોક્ષુર પતન આવ્યો. પોપટને ત્યાં વાડીમાં રાખ્યો. એકવાર ગોકર્ણ પત્નીઓ સાથે કચ્છ નારાયણસરોવર ગયાં. ત્યાં દિવ્ય દેવીઓ જોઇ.
દેવીઓએ પોપટને પૂછ્યું ક્યાંથી આવો છો ? પોપટ કહે : મારા સ્વામી રત્નો માટે આવ્યા છે. તમને જાણ હોય તો કહો. તે દેવીઓ કહે : દુ:ખ તેને કહેવું, જે દુ:ખને નષ્ટ કરે. મનુષ્યોને મોક્ષ આપનારી કુંકુમવાપી છે. અશ્વપટ સરોવર છે. ગુજરાતના રાજા ધર્મવીરે કાર્તિકમાં રૈવતાચળની યાત્રા કરીને કુંકુમવાપી યાત્રા કરી અશ્વપટ સરોવરમાં સ્નાન કરીને, બ્રહ્મભોજન કરાવ્યું. કંભરા ગોપાલનું પૂજન કર્યું. અનાદિશ્રીકૃષ્ણનારાયણનું દર્શન કરી મંદિરના બગીચામાં વાસ કર્યો. તે રાજાના સેવકોએ વૃક્ષવેલીનો નાશ કર્યો. તે સર્વે અમે વનદેવીઓ છીએ એમ કહીને રોવા લાગી. પોપટે દેવીઓને સાંત્વના આપી કહ્યું મારા સ્વામી સર્વને સજીવન કરશે. ગોકર્ણે તે વૃતાંત જાણ્યું. વૃક્ષવેલી, ફળફૂલ, સર્વે ધામના પાર્ષદ- પાર્ષદાણીઓ છે ગોલોકના ગોપ-ગોપીઓ, વૈકુંઠના ભક્તો-ભક્તાણીઓ, સર્વે કુંકુમવાપી ક્ષેત્રમાં અશ્વપટ સરોવરમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણની સેવામાં રહેલા છે. આવું જાણીને ગોકર્ણ, અશ્વપટ સરોવર, કુંકુમવાપી આવી. અનાદિશ્રીકૃષ્ણનારાયણનું મંદિર નવું કરાવી, બગીચાઓ સજીવન કરાવી, વૃક્ષવેલી, ફળફૂલ, સજીવન નવા કરી, અશ્વપટ સરોવર ઘાટ બંધાવીને પોતાના નામથી ગોકર્ણેશ્વર મહાદેવની સ્થાપના કરીને પોતાને ગામ ગોક્ષુર વતન ગયો. આ અધ્યાય જે વાંચશે, સાંભળશે તેને ધનવાન પુત્રવાન થશે. આ તીર્થયાત્રા જે કરશે તે મોક્ષમાં જશે.